કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સત્તામાંથી ‘ઉખાડી ફેંકવા’ના ઇરાદે વિપક્ષી પાર્ટીઓએ એક ગઠબંધનની રચના કરી હતી, પણ આ સંઘ કાશીએ પહોંચે તેવું દેખાઇ રહ્યું નથી. લોકસભા ચૂંટણી પહેલાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં જ અમુક પાર્ટીઓ વચ્ચે મનદુઃખ જોવા મળી રહ્યું છે. એમપીમાં સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાત હતી, પરંતુ પછીથી એ વાતો માત્ર કાગળ પર જ રહી. હવે સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવને આગામી પીએમ ઉમેદવાર ઘોષિત કરી દીધા છે.
સોશિયલ મીડિયા પર સમાજવાદી પાર્ટીના એક પોસ્ટરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અખિલેશ યાદવને ‘ભાવિ પીએમ’ દર્શાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ પોસ્ટર લખનૌમાં આવેલ સમાજવાદી પાર્ટીના મુખ્યમથકની બહાર લગાવવામાં આવ્યાં છે. પોસ્ટરમાં અખિલેશ યાદવની તસવીર જોવા મળે છે, સાથે સપાના એક નેતાની નાની તસવીર છે. અંદર હિન્દીમાં લખવામાં આવ્યું છે- ‘દેશના ભાવિ વડાપ્રધાન આદરણીય શ્રી અખિલેશ યાદવજીને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ.’
મજાની વાત એ છે કે અખિલેશ યાદવનો જન્મદિન હમણાં નહીં પણ 1 જુલાઈએ આવે છે. જોકે, સપા નેતાઓનું કહેવું છે કે તેમનો તેમના નેતા પ્રત્યે પ્રેમ એટલો છે કે તેઓ વર્ષમાં ઘણી વખત અખિલેશ યાદવનો જન્મદિવસ મનાવે છે.
#WATCH | Lucknow, UP: On posters of Samajwadi Party Chief Akhilesh Yadav symbolising him as the 'Future PM' outside the Samajwadi Party Office, Party spokesperson Fakhrul Hasan Chaand says, "Akhilesh Yadav's birthday is on July 1, but to express their love and respect towards… https://t.co/ATyMB71VkS pic.twitter.com/SdoAfu9USi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 23, 2023
જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે તેના સ્પોન્સર સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ફખરૂલ હસન ચાંદે ANI સાથે વાતચીત કરતાં કહ્યું કે, “અખિલેશ યાદવનો જન્મદિન 1 જુલાઈએ હોય છે પણ સમાજવાદી પાર્ટીના નેતા પ્રત્યે સન્માન અને પ્રેમ દર્શાવવા માટે કાર્યકરો વર્ષમાં ઘણી વખત મનાવે છે. આજે પણ સમાજવાદી પાર્ટીના નેતાનો જન્મદિવસ અમુક કાર્યકર્તાઓ મનાવી રહ્યા છે.” અખિલેશ યાદવ આ દેશના વડાપ્રધાન બને અને જનતાની સેવા કરે તેવી કામના આજે પણ કાર્યકર્તાઓ કરી રહ્યા છે.
આ બધું જોઈને ભાજપે તેને ‘મુંગેરીલાલ કે હસીન સપનેં’ ગણાવ્યું છે અને કહ્યું કે, દિવાસ્વપ્નમાં રાચવાથી કોઈને રોકી સહકે નહીં. પણ બધાએ પોતપોતાની ક્ષમતા અનુસાર સપનાં જોવાં જોઈએ. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ આગળ વધી રહ્યો છે અને જનતાને પણ મોદી પર વિશ્વાસ છે અને આ જ જનતા તેમને ત્રીજી વખત પણ વડાપ્રધાન બનાવશે.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સાથે સીટ શેરિંગને લઈને થયો હતો વિવાદ
ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી વિપક્ષોના I.N.D.I ગઠબંધનનો ભાગ છે, પરંતુ ગઠબંધને કોઇ પાર્ટીનો પીએમ ચહેરો કે ઉમેદવાર ઘોષિત કર્યો નથી. જોકે, પાર્ટીઓ પોતપોતાની રીતે પોતાના નેતાઓને વડાપ્રધાન ઘોષિત કરતી રહે છે. આ પહેલાં JDU નેતાએ કહ્યું હતું કે નીતીશ કુમાર જ ગઠબંધનના વડાપ્રધાન ઉમેદવાર હશે.
મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચાલતા ખટરાગની વાત કરવામાં આવે તો વિધાનસભા ચૂંટણી માટે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધનની વાત ચાલી હતી અને સપાનું કહેવું છે કે તેમને 6 જેટલી બેઠકો ઑફર કરવામાં આવી હતી અને સહમતિ પણ બની હતી. ત્યારબાદ પાર્ટીએ ઉમેદવારો પણ ઘોષિત કર્યા હતા.
સામાન્ય રીતે બે પાર્ટીઓ વચ્ચે ગઠબંધન હોય તો એક પાર્ટી જ્યાં ઉમેદવાર ઉતારે ત્યાં બીજી પાર્ટી નથી ઉતારતી અને બેઠકોની વહેંચણી કરી લેવામાં આવે છે. પરંતુ અહીં કોંગ્રેસે ખેલ પાડી દીધો અને સપાએ જ્યાં ઉમેદવાર ઉતાર્યા હતા ત્યાં પોતાના પણ ઉમેદવાર ઉતારી દીધા. જેના કારણે અખિલેશ યાદવ ધૂઆપૂઆ થઈ ગયા હતા. અખિલેશે કહ્યું હતું કે, “જો આ પહેલેથી ખબર હોત કે વિધાનસભા સ્તર પર કોઇ I.N.D.Iનું ગઠબંધન નથી, તો અમે કોંગ્રેસના લોકોને મળવા ગયા હોત, ન યાદી આપી હોત કે ન ફોન ઉઠાવ્યા હોત. જો તેઓ કહી રહ્યા છે કે ગઠબંધન નથી, તો અમે સ્વીકારીએ છીએ. પરંતુ જ્યારે ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર માટે (લોકસભા ચૂંટણી માટે) ગઠબંધનની વાત આવશે ત્યારે વિચાર કરવામાં આવશે અને જેઓ વ્યવહાર અમારી સાથે થશે તેવો જ વ્યવહાર તેમની સાથે પણ અહીં (યુપીમાં) થશે.”
બીજી તરફ, કમલનાથે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું કે, તેમણે સમાજવાદી પાર્ટી સાથે સીટ શેરિંગ માટે પૂરતા પ્રયાસો કર્યા હતા પણ તેમના લોકોને મનાવી ન શક્યા. તેમણે કહ્યું, “અમે વાત કરી, પૂરેપૂરા પ્રયાસો કર્યા, પણ અમારા લોકો સહમત ન હતા. કારણ કે પ્રશ્ન એ ન હતો કે કેટલી બેઠકો છે, એ હતો કે કઈ બેઠકો છે અને તેઓ (સપા) જે બેઠકો માંગતા હતા તેની ઉપર અમે અમારા લોકોને મનાવી ન શક્યા.”