ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ હવે મુખ્યમંત્રીઓ કોણ હશે તેની ઉપર સસ્પેન્સ છે. પરિણામો ઘોષિત થયાં ત્યારબાદથી જ આ વિશે સતત ચર્ચાઓ ચાલી રહી છે, ભાજપનું શીર્ષ નેતૃત્વ પણ સતત બેઠકો કરી રહ્યું છે, નેતાઓને પણ મળવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. ગમે તે ક્ષણે આમાં કશુંક તાજા જાણકારી સામે આવી શકે છે. દરમ્યાન, વસુંધરા રાજે અને જેપી નડ્ડા વચ્ચે અગત્યની મુલાકાત યોજાઈ છે.
#WATCH | Former Rajasthan CM and BJP leader Vasundhara Raje leaves from the residence of BJP national president JP Nadda, in Delhi. pic.twitter.com/HMHv5FUC3E
— ANI (@ANI) December 7, 2023
હાલ રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે પાટનગર દિલ્હીમાં છે. બુધવારે (6 ડિસેમ્બર) મોડી રાત્રે તેઓ અહીં પહોંચ્યાં હતાં. ગુરૂવારે સાંજે તેમણે ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 1 કલાક 15 મિનીટ સુધી બેઠક ચાલી હતી.
બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પણ PMના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકનો એજન્ડા શું હતો તે તો બહાર આવી શક્યું નથી પરંતુ જે રીતે સીએમ પદ માટેની ચર્ચા ચાલે છે તેને જોતાં આ જ વિષયને લઈને ચર્ચા થઈ હોય તેવું અનુમાન છે.
Visuals of Union Home Minister Amit Shah leaving from PM Modi's residence. pic.twitter.com/YHiZYkRFpR
— Press Trust of India (@PTI_News) December 7, 2023
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાલ દિલ્હીમાં જ છે. ગુરૂવારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્યારબાદ સાંજે તેમણે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના સીએમ તરીકે જેમનું નામ ચર્ચામાં છે તેવા મહંત બાલકનાથ યોગી અને UP સીએમ યોગી આદિત્યનાથ એક જ મઠ સાથે સંબંધ ધરાવે છે.
દિલ્હીમાં ચાલતા બેઠકોના દોર વચ્ચે સીએમ પદ માટે સસ્પેન્સ વધી રહ્યું છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના સીએમ માટે પણ હાલ ચર્ચા-વિચારણા ચાલી રહી છે. અનેક નેતાઓનાં નામ રેસમાં છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના નિર્ણયોથી ચોંકાવતી રહી છે, આ સ્થિતિમાં હવે આગળ શું થશે તેની ઉપર સૌની નજર છે.
રાજસ્થાનની વાત કરવામાં આવે તો અહીં મહંત બાલકનાથ યોગી, વસુંધરા રાજે, અશ્વિની વૈષ્ણવ, દિયાકુમારી, કિરોડીલાલ મીણા વગેરે નેતાઓનાં નામ ચર્ચામાં છે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંઘ ચૌહાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રહલાદ સિંઘ પટેલ, નરેન્દ્ર સિંઘ તોમર, કૈલાશ વિજયવર્ગીય વગેરે નેતાઓનાં નામો યાદીમાં છે જ્યારે છત્તીસગઢમાં અરુણ સાવ, ઓપી ચૌધરી વગેરે નેતાઓમાંથી કોઇ એક સીએમ બની શકે તેવી ચર્ચા છે.
રિપોર્ટ્સ અનુસાર, ભાજપ આજે અથવા આવતીકાલે નિરીક્ષકોની નિમણૂક કરી શકે છે. જેઓ ત્યારબાદ જે-તે રાજ્યમાં જશે અને ધારાસભ્યોની બેઠક કરીને સીએમનું નામ નક્કી કરશે. રવિવાર સુધીમાં આ ઘટનાક્રમ પર પૂર્ણવિરામ મૂકાય તેવી શક્યતાઓ છે.