Sunday, June 16, 2024
More
    હોમપેજસ્પેશ્યલઅદાણીને ટાર્ગેટ કરતો વિદેશી મીડિયાનો રિપોર્ટ લઈને મોદી સરકાર સામે કૂદી પડ્યા...

    અદાણીને ટાર્ગેટ કરતો વિદેશી મીડિયાનો રિપોર્ટ લઈને મોદી સરકાર સામે કૂદી પડ્યા રાહુલ ગાંધી, અંતે ખોલી પાર્ટીની જ પોલ: ટ્રાન્ઝેક્શન થયું ત્યારે કેન્દ્રમાં હતી UPA સરકાર

    ફાયનાન્સિયલ ટાઈમ્સનો અહેવાલ જ કહે છે કે આ નાણાકીય વ્યવહારો થયા હતા જાન્યુઆરી, 2014માં. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીમાં UPA સરકાર હતી અને ડૉ. મનમોહન સિંઘ વડાપ્રધાન હતા. રાહુલ ગાંધીનાં માતા સોનિયા ગાંધી ત્યારે સુપર-પીએમ જેવાં હતાં. 

    - Advertisement -

    વાસ્તવમાં બુધવારે (22 મે) બ્રિટીશ અખબાર ફાયનાન્સિયલ ટાઈમ્સે એક રિપોર્ટ પ્રકાશિત કરીને ઉદ્યોગ સમૂહ અદાણી પર લૉ ગ્રેડ કોલસાને હાઇ-ગ્રેડ ફ્યુલ તરીકે વેચીને ‘કૌભાંડ’ કરવાના આરોપ લગાવતી એક સ્ટોરી પ્રકાશિત કરી. પછીથી રાહુલ ગાંધીએ આ રિપોર્ટને ટાંકીને અમુક ટીપ્પણીઓ કરી. જે આ મુજબ છે. 

    રાહુલ ગાંધીએ લખ્યું કે, “ભાજપ સરકારમાં ભીષણ કોલસા કૌભાંડ સામે આવ્યું છે. વર્ષોથી ચાલતા આ કૌભાંડ થકી મોદીજીના પ્રિય મિત્ર અદાણીએ લૉ-ગ્રેડ કોલસાને ત્રણ ગણી કિંમત પર વેચીને હજારો કરોડ રૂપિયા લૂટી લીધા, જેની કિંમત જનતાએ વીજળીનું મોંઘું બિલ ભરીને પોતાના ખિસ્સામાંથી ચૂકવી છે. શું વડાપ્રધાન જણાવશે કે આ ખુલ્લા ભ્રષ્ટાચાર પર ED, CBI અને ITને શાંત કરવા માટે કેટલા ટેમ્પો લાગ્યા? 4 જૂન બાદ I.N.D.I.Aની સરકાર આ મહાકૌભાંડની તપાસ કરીને જનતા પાસેથી લૂંટવામાં આવેલ પૈસાનો હિસાબ કરશે.”

    રાહુલ ગાંધીએ શું ગોટાળો કર્યો તે ચર્ચા કરીએ તે પહેલાં FTએ રિપોર્ટમાં અદાણી વિશે શું જણાવ્યું અને દાવા કર્યા તે જાણવું જરૂરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી જૂથે નીચી ગુણવત્તાના કોલસાને એક રાજ્યની (તમિલનાડુ) કંપનીને ઊંચી કિંમતે વેચ્યો હતો, જેના કારણે જૂથને મોટા પ્રમાણમાં ફાયદો પહોંચ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું કે અદાણીને ટ્રાન્સપોર્ટ કોસ્ટ પછી પણ આ સમગ્ર પ્રક્રિયામાં બમણો નફો થયો હતો. 

    - Advertisement -

    આમ તો ફાયનાન્સિયલ ટાઇમ્સે પોતાના આ આરોપોના કોઇ પુરાવા આપ્યા નથી. એટલે ભારતમાં લોકસભા ચૂંટણી યોજાય રહી છે ત્યારે વિદેશી મીડિયા સંસ્થા જાણીતા અને વિપક્ષના નિશાને રહેતા ઉદ્યોગપતિ વિરુદ્ધ આવા લેખો પ્રકાશિત કરે તે શંકા ઉપજાવે તેવું છે. બીજું, જેને તેઓ ‘સ્કેમ’ કે ગુજરાતીમાં ‘કૌભાંડ’ કહે છે તે ખરેખર કઈ રીતે કૌભાંડ કહેવાય તેની પણ સ્પષ્ટતા નથી. પણ એક ક્ષણ માટે માની પણ લઈએ કે આ ‘કૌભાંડ’ છે તોપણ તેને ભાજપ સાથે કશું જ લાગતું વળગતું નથી. 

    ફાયનાન્સિયલ ટાઈમ્સનો અહેવાલ જ કહે છે કે આ નાણાકીય વ્યવહારો થયા હતા જાન્યુઆરી, 2014માં. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીમાં UPA સરકાર હતી અને ડૉ. મનમોહન સિંઘ વડાપ્રધાન હતા. રાહુલ ગાંધીનાં માતા સોનિયા ગાંધી ત્યારે સુપર-પીએમ જેવાં હતાં. 

    FTના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી, 2014માં અદાણીએ 3,500 કેલરી/કિલોના કોલસાને ઈન્ડોનેશિયાથી ખરીદ્યો હતો. આ જ શિપમેન્ટ ત્યારબાદ તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપની (Tangedco)ને 6 હજાર કેલરીવાળા કોલસા તરીકે વેચી દેવામાં આવ્યું હતું. 

    જાન્યુઆરી, 2014માં કેન્દ્રમાં હતી UPA સરકાર

    અહીં વર્ષ 2014માં તમિલનાડુમાં AIADMKની સરકાર હતી અને જયલલિતા ત્યાંના મુખ્યમંત્રી હતાં. તેઓ 2011થી લઈને સપ્ટેમ્બર, 2014 સુધી રાજ્યનાં સીએમ રહ્યાં અને પછી પણ મે, 2015થી 2016 મુખ્યમંત્રી હતાં. વચ્ચેના સમયે પનીરસેલ્વમ સીએમ હતા. એટલે જાન્યુઆરી, 2014માં કેન્દ્રમાં કે તમિલનાડુમાં ક્યારેય ભાજપ સત્તા પર રહ્યું જ નથી, જે સમયગાળા દરમિયાન આ કથિત કૌભાંડ થયું હોવાનું કહેવામાં આવે છે. 

    પોતાની પોસ્ટમાં રાહુલ ગાંધીએ પહેલી જ લીટીમાં દાવો કર્યો છે કે ભાજપ સરકારમાં ભીષણ કોલસા કૌભાંડ સામે આવ્યું છે, પણ હકીકત એ છે કે આ બન્યું હતું જાન્યુઆરી, 2014માં અને ત્યારે તો કેન્દ્રમાં UPAની સરકાર હતી. એપ્રિલ-મે, 2014માં લોકસભા ચૂંટણી યોજાઈ હતી અને જૂન, 2014માં મોદી સરકાર બની હતી. તો આમાં ભાજપ સરકારના રાજમાં કૌભાંડ ક્યાંથી આવ્યું? આ પ્રશ્ન રાહુલ ગાંધીને પૂછાવો જોઈએ. 

    રિપોર્ટ સાથે જ્યોર્જ સોરોસ કનેક્શન

    આ રિપોર્ટમાં પણ જ્યોર્જ સોરોસનું કનેક્શન બહાર આવ્યું છે. FTએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ઇન્ડોનેશિયન કોલસાના ખરીદ-વેચાણ અને ટ્રાન્ઝેક્શનના દસ્તાવેજો OCCRP નામની એક સંસ્થા પાસેથી મેળવવામાં આવ્યા હતા. આ OCCRP એટલે કે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન  રિપોર્ટિંગ પ્રોજેકટ, એ એક જૂથ છે, જેને ફન્ડિંગ જ્યૉર્જ સોરોસ પાસેથી પહોંચે છે. જ્યોર્જ સોરોસે ભારતમાં સત્તા પરિવર્તન માટે શું-શું ખેલ કર્યા છે તે બાબત હવે છૂપી રહી નથી. 

    OCCRPએ ભૂતકાળમાં પણ અદાણી સમૂહ સહિતનાં ઉદ્યોગ સમૂહોને ટાર્ગેટ કર્યાં છે. આ જૂથ વિશ્વભરમાં ફેલાયેલા અમુક પત્રકારોની ટોળકી છે, જે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અને ભ્રષ્ટાચાર પર રિપોર્ટિંગ કરતા હોવાનો દાવો કરે છે. 

    એ પણ ઉલ્લેખનીય છે કે ભારતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોઇ આધાર-પુરાવા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી સહિતનાં ઉદ્યોગસમૂહોને લાભ પહોંચાડવાના આરોપો લગાવવાનું ચાલુ કર્યું ત્યારબાદ  આશ્ચર્યજનક રીતે વિદેશી મીડિયાને પણ ઉદ્યોગસમૂહમાં ‘રસ’ પડતો ગયો. ગત વર્ષે અમેરિકી ફર્મ હિંડનબર્ગે એક રિપોર્ટમાં અદાણી પર સ્ટોક મનિપ્યુલેશનના આરોપો લગાવ્યા હતા, પરંતુ હજુ સુધી સાબિત થયા નથી. ભારતની સુપ્રીમ કોર્ટ પણ આ કેસ જોઈ ચૂકી છે અને આરોપોની તપાસ માટે SIT રચવાની માંગ ફગાવી ચૂકી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં