રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા એક બિનરાજકીય કાર્યક્રમમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને ક્ષત્રિય સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. વારંવાર માફી માંગવા છતાં સંકલન સમિતિ અને તેના આગેવાનો ટસના મસ ન થયા. આ દરમિયાન કોંગ્રેસે આ વિવાદનો લાભ લેવાનો પુરતો પ્રયત્ન કર્યો. બિનરાજકીય હોવાના નામે શરૂ થયેલા વિવાદમાં રાજકારણ ઘૂસતા સંકલન સમિતિમાં પણ ફાંટા પડી ગયા હતા.
પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે શરૂ થયેલું આ આંદોલન એક તબક્કે ‘ઉઠવી લેવા’ અને ‘પતાવી દેવા’ જેવા શબ્દો સુધી પહોંચી ગયું. સામી ચૂંટણીએ શરૂ થયેલા આ આંદોલનમાં રાજકીય રોટલા શેકાતા હોવાની અટકળો પણ થવા લાગી. આ બધા વચ્ચે કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને પરશોત્તમ રૂપાલા સામે મેદાને ઉતાર્યા.
ટિકિટ મળતાની સાથે જ ધાનાણીએ ‘યુધ્ધના શંખનાદ’ની ઘોષણા કરી દીધી. તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર ‘રાજકોટનું રણમેદાન’ મથાળા સાથે એક કવિતા પણ લખી નાંખી. પરશોત્તમ રૂપાલાના ચાલી રહેલા વિરોધને તેમણે ક્ષત્રિય સમાજને પોતાની તરફે લેવાનો પ્રયત્ન કર્યો. પ્રચાર દરમિયાન તેમણે અનેક વાર આડકતરી રીતે રૂપાલા અને ભાજપ પર નિશાન સાધ્યા. તેમણે ‘દીકરીઓના દામનોના ડાઘ ભૂંસવા આવ્યો છું’ જેવા શબ્દો પોતાના ભાષણોમાં વાપર્યા.
""રાજકોટનુ રણમેદાન""
— Paresh Dhanani (@paresh_dhanani) April 19, 2024
આજે સ્વાભિમાન યુદ્ધનો
શંખનાદ કરવા આવ્યો છુ,
આધુનિક અંગ્રેજોના ત્રાસથી
રાષ્ટ્રને મુક્ત કરાવવા આવ્યો છુ,
ખરા "રામ રાજ્ય" ની પુન:
સ્થાપના કરવા આવ્યો છુ.#સ્વાભિમાન_યુદ્ધ
કેટલીક બાબતો એવી બની કે સંકલન સમિતિ અને વિરોધ કરી રહેલી મહિલાઓ વચ્ચે તિરાડ પડી અને વિરોધ હળવો પડ્યો. જોકે વિરોધ પતે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ફરી પલીતો ચાંપ્યો. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર મંચ પરથી રાજા-મહારાજાઓનું અપમાન થાય તેવું એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું હતું કે , “રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.” તેમના આ નિવેદનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
રાહુલ ગાંધીનો આ વિડીયો સામે આવ્યા બાદથી જ વિવાદ ફરી વકર્યો. કેટલાક લોકોએ વિડીયોને ‘ડીપ ફેક’ કે બનાવતી હોવાનું કહી તેના પર ધ્યાન ન આપ્યું. બીજી તરફ કેટલાક ક્ષત્રિયો આ વિડીયો જોઈ ઉકલી ઉકળી ઉઠ્યા અને વિરોધ કરવા લાગ્યા. આ વિડીયો સામે આવ્યા બાદ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણીને જયારે આ મામલે પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેઓ ભાગી છૂટ્યા.
RAJKOT : રાહુલ ગાંધીના નિવેદનને લઈ ફસાયા કોંગ્રેસના નેતા,
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 28, 2024
NewsCapitalના સંવાદદાતાના પ્રશ્નોથી ગભરાયા પરેશ ધાનાણી#NewsCapitalGujarat #JaneCheGujarat #Gujarat #Rajkot #Election2024 #LokSabhaElection2024 #RahulGandhi #Congress @paresh_dhanani pic.twitter.com/yefBlxXy8u
આ પ્રશ્ન એક ખાનગી મીડિયા કંપની દ્વારા પૂછવામાં આવ્યો હતો. પત્રકાર દ્વારા ધાનાણીને રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઈને પ્રશ્ન પૂછતાંની સાથે જ તેઓ સવાલથી ભાગીને પોતાની ગાડીમાં બેસી ગયા. તેઓ રાહુલ ગાંધી પરના સવાલ પર રીતસર ભાગતા જોવા મળ્યા. અહીં સવાલ તે ઉભો થાય છે કે ક્ષત્રિય સમાજ દ્વારા જયારે પરશોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ધાનાણી જે ‘આધુનિક અંગ્રેજો’ના ત્રાસના બણગા ફૂંકી રહ્યા હતા, ત્યારે પોતાની પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર જવાબ આપવાના બદલે કેમ ભાગી રહ્યા છે?
ક્ષત્રિય સમાજની મહિલાઓ પાસે રાખડી બંધાવવા અને તે સમયે ‘ભાવુક’ થવાવાળા આ ‘સંવેદનશીલ’ કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીની સંવેદના રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ પ્રત્યેના અપમાનજનક નિવેદન બાદ મરી પરવારી? આંદોલન વચ્ચે તક શોધીને ભાજપ અને પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલી કોંગ્રેસના એક પણ નેતા આ મામલે બોલવા તૈયાર નથી. ત્યારે ‘સિલેક્ટીવ સંવેદનશીલતા’ દર્શાવનારા પરેશ ધાનાણી રાહુલ ગાંધી મામલે એ જ ખુવારી/બહાદૂરીથી જવાબ આપશે જે તેમણે પોતાની X પોસ્ટમાં દર્શાવી હતી તે હવે જોવું રહ્યું.