રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ અઠવાડિયે ગુજરાત આવી રહ્યાં છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દિલ્હી જઈને રાષ્ટ્રપતિને આમંત્રણ પાઠવ્યું હતું. રાષ્ટ્રપતિ 12 સપ્ટેમ્બરે સાંજના સમયે હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 13 સપ્ટેમ્બરના રોજ તેઓ ઈ-વિધાનસભાનું ઉદ્ઘાટન કરશે. ઈ-વિધાનસભામાં કાગળ-લેખિત દસ્તાવેજોની જગ્યા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લેશે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા આગામી સત્રથી સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી સંચાલિત થશે.
12મી સપ્ટેમ્બરે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાત આવશે અને અને 13મી સપ્ટેમ્બરે ઈ-વિધાનસભાનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ વિધાનસભામાં તમામ સભ્યોને સંબોધિત કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રાજભવન ખાતેથી ઈ-વિધાન એપ્લિકેશન-NEVAનું લોન્ચિંગ કરશે. આગામી 13 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે. આ સત્ર સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ હશે.
શું છે NEVA એપ્લિકેશન?
NEVA એપ્લિકેશન એક વર્ક-ફ્લો સિસ્ટમ છે. તે ગૃહના અધ્યક્ષને ગૃહની કાર્યવાહીને સરળ રીતે ચલાવવામાં અને ગૃહના કાયદાકીય કામોને પેપરલેસ પ્રક્રિયાથી ચલાવવામાં મદદ કરે છે. NEVA એ એક ઉપકરણ તટસ્થ અને સભ્ય-કેન્દ્રિત એપ્લિકેશન છે. આ એપ્લિકેશન સભ્યોને સંપર્ક વિગતો, પ્રક્રિયાના નિયમો, વ્યવસાયની સૂચી, સૂચનાઓ, બુલેટિન, બિલ, તારાંકિત અને અતારાંકિત પ્રશ્નોની સંપૂર્ણ માહિતી દાખલ કરીને ગૃહને ડિજિટલી સંચાલિત કરવામાં મદદરૂપ થશે.
ચોમાસું સત્રમાં કયા બિલ પસાર થવાની સંભાવના?
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 13 સપ્ટેબરથી શરૂ થશે. આગામી વિધાનસભાના સત્રમાં 9 જેટલા બિલ પસાર થવાની સંભાવના છે. જેમાં કોમન યુનિવર્સિટી એક્ટનો પણ સમાવેશ થાય છે, આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ખાનગી યુનિવર્સિટીઓ માટે કડક નિયમો અને 27% અનામત માટેની દરખાસ્ત રજૂ કરવાનો છે. આ સિવાય પણ એજન્ડામાં અન્ય ઘણા બિલો પસાર થવાની સંભાવના છે, જેમાં બાળકોની યુનિવર્સિટીની સ્થાપના, ગુજરાત વીજળી ક્ષેત્રને લગતા નિયમ, પાવાગઢ-ચાંપાનેર હેરિટેજ સાઇટ સંબંધિત કાયદો અને કૃષિ યુનિવર્સિટી માટેના સુધારાને લગતા બિલોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ડિજિટલ વિધાનસભા માટે અને પેપરલેસ સત્રની સુવિધા માટે ધારાસભ્યોને ટેબલેટ આપવામાં આવશે. ઈ-વિધાનસભાને ધ્યાને લઈને આગામી પ્રક્રિયાના ભાગરૂપે ધારાસભ્યોને તૈયાર કરવા માટે વિશેષ તાલીમ સત્રો પણ યોજવામાં આવ્યાં હતાં.