કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જ રાજસ્થાનના ઉદયપુર ખાતે ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. જે મામલે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે આ ચિંતનથી કોંગ્રેસ પાર્ટીને કોઈ ફાયદો મળવાનો નથી. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીઓમાં પણ કોંગ્રેસને હાર મળશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
પ્રશાંત કિશોરે કોંગ્રેસ દ્વારા આયોજિત ચિંતન શિબિર પર સવાલ ઉઠાવતા મામલે શુક્રવારે (20 મે 2022) ટ્વિટ કરીને કહ્યું કે, “ઉદયપુર ચિંતન શિબિરના પરિણામો અંગે ટિપ્પણી કરવા માટે મને ઘણા વખતથી કહેવામાં આવી રહ્યું છે. મારા મંતવ્ય પ્રમાણે, ચિંતન શિબિર યથાસ્થિતિને લાંબી ખેંચવા અને ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણી સુધી કોંગ્રેસ નેતૃત્વને સમય આપવા સિવાય બીજું કંઈ પણ હાંસલ કરી શકી નથી.”
I’ve been repeatedly asked to comment on the outcome of #UdaipurChintanShivir
— Prashant Kishor (@PrashantKishor) May 20, 2022
In my view, it failed to achieve anything meaningful other than prolonging the status-quo and giving some time to the #Congress leadership, at least till the impending electoral rout in Gujarat and HP!
ઉલ્લેખનીય છે કે ઉદયપુર ચિંતન શિબિરમાં કોંગ્રેસ નેતાઓએ પાર્ટીમાં વ્યાપક બદલાવને લઈને ચર્ચા કરી રાહુલ ગાંધીને ફરી એક વખત પાર્ટીનું નેતૃત્વ સોંપવાની માંગ કરી હતી. એવું પણ બહાર આવ્યું છે કે જે નેતાઓ અગાઉ રાહુલ ગાંધીને કોંગ્રેસ બનાવવાના વિરોધમાં હતા તેઓ પણ હવે રાહુલ ગાંધીનું સમર્થન કરી રહ્યા છે. જેથી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી અને 2024 લોકસભા ચૂંટણી પણ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ લડશે.
આ સંજોગોમાં પ્રશાંત કિશોરનું આ નિવેદન બહુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે આ પહેલાં પણ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં અનેક ચૂંટણીઓ લડી ચૂકી છે અને તેમાંથી મોટાભાગની ચૂંટણીઓમાં કારમી હાર વેઠવી પડી છે. જેમાં ભારતના ઇતિહાસની બે મહત્વની અને ઐતિહાસિક ચૂંટણીઓ, 2014 અને 2019 લોકસભા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.
થોડા સમય પહેલાં પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટી માટે એક યોજના રજૂ કરી હતી, પરંતુ કોંગ્રેસે તેમની યોજના અમલમાં મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસે તેમને પાર્ટીમાં જોડાવાનું પણ આમંત્રણ આપ્યું હતું પરંતુ સારું પદ ન મળવાના કારણે પ્રશાંત કિશોરે પ્રસ્તાવ ફગાવી દીધો હતો.
પ્રશાંત કિશોરે એક ન્યૂઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “હું કોંગ્રેસના નેતાઓમાં એક સમસ્યા જોઉં છું. તેઓ માને છે કે તેમણે દેશમાં લાંબા સમય સુધી શાસન કર્યું છે અને જયારે લોકો નારાજ થશે ત્યારે આપોઆપ વર્તમાન સરકારને ઉખાડી ફેંકશે અને તેઓ ફરી સત્તા પર આવી જશે. તેઓ કહે છે કે, ‘તમે કંઈ જાણતા નથી, અમે લાંબા સમય સુધી સરકારમાં રહ્યા છીએ, અમને બધી ખબર છે.’”
નોંધનીય છે કે ગત 2 મેના રોજ પ્રશાંત કિશોરે પોતાના સુરાજ અભિયાનને લઈને ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું, “લોકતંત્રના એક સાર્થક ભાગીદાર બનવાની અને જનસમર્થક નીતિઓને આકાર આપવામાં મદદ કરવાની મારી શોધે છેલ્લા 10 વર્ષોમાં અનેક ઉતાર-ચડાવ જોયા છે. હવે હું નવું પાનું પલટવા જઈ રહ્યો છું. હવે મુદ્દાઓ અને જનસુરાજના માર્ગને વધુ સારી રીતે સમજવા માટે ‘રિયલ માસ્ટર્સ’ એટલે કે જનતા પાસે જવાનો સમય આવી ગયો છે, શરૂઆત બિહારથી થશે.”
આ સાથે જ પાંચમી મેના રોજ તેમણે કહ્યું હતું કે, તેઓ બિહારના લોકો સાથે પહેલાં 3-4 મહિના સંવાદ સ્થાપિત કરશે અને પછી 2 ઓક્ટોબરથી પશ્ચિમ ચંપારણથી પદયાત્રા શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે, આ દરમિયાન તેઓ સમાજના વિવિધ વર્ગના લોકો સાથે મુલાકાત કરીને સ્થિતિને સમજવાના પ્રયાસો કરશે. જે બાદ રાજનીતિક પાર્ટી બનાવવા મુદ્દે વિચાર કરવામાં આવશે.
હાર્દિકે કહ્યું, રાજસ્થાનમાં કોંગ્રેસ ખરાબ સ્થિતિમાં, રઘુ શર્મા પોતે સ્વીકારી ચૂક્યા છે
રાજસ્થાનમાં આ વખતે 15 સીટ પણ આવે તેવી સ્થિતિ નથી હાર્દિક આપણને આ વખતે ગમે તેમ કરીને 85 સીટ ગુજરાતમાં લાવવી છે જેથી મારું પરફોર્મન્સ સારું દેખાય આવું ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા કહેતા હતા. : @HardikPatel_#હાર્દિકપટેલ #HARDIKPATEL pic.twitter.com/alY8lyPvA3
— News18Gujarati (@News18Guj) May 20, 2022
એક તરફ કોંગ્રેસ પાર્ટીના પ્રદર્શનને લઈને ચર્ચા ચાલે છે ત્યાં બીજી તરફ હાલમાં જ પાર્ટીને અલવિદા કહી ચૂકેલા હાર્દિક પટેલે એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, રઘુ શર્મા તેમની સામે સ્વીકારી ચૂક્યા છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ બહુ ખરાબ સ્થિતિમાં છે અને પાર્ટી 15 બેઠકો મેળવી શકે તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટી જાહેરમાં 125 બેઠકોનો ટાર્ગેટ આપે છે પરંતુ રઘુ શર્મા 85 બેઠકો લાવવા માટે મહેનત કરી રહ્યા છે જેથી તેમનું સારું દેખાય.