આજે (મંગળવાર 25 જુલાઈ 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સંસદીય દળને સંબોધતા વિપક્ષના નવા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષે UPAને તરછોડીને પોતાના નવા ગઠબંધનનું નામ ‘I.N.D.I.A’ રાખ્યું છે તથા તેને ‘INDIA’ કહીને પ્રચાર કરવામાં વિપક્ષ એડી-ચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં વડાપ્રધાન મોદીએ આતંકવાદી સંગઠન ‘ઇન્ડીયન મુજાહિદ્દીન’ અને અંગ્રેજ આક્રાંતાઓની ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’નું ઉદાહરણ આપીને વિપક્ષના નવા ગઠબંધનને અવળે હાથે લીધું હતું.
વડાપ્રધાને કહ્યું હતું કે, નામમાં ‘INDIA’ લગાવવાથી કશું નથી થઇ જવાનું. નોંધનીય છે કે વિપક્ષ મણિપુર હિંસા પર હોબાળો કરીને સંસદનું કાર્ય થતું અટકાવી રહ્યો છે, જોકે પીએમ મોદી તેના પર ચર્ચા કરવા તૈયાર છે. આ દરમિયાન વડાપ્રધાને તેમ પણ કહ્યું હતું કે તેમણે આવો ‘દિશાહીન’ વિપક્ષ ક્યારેય નથી જોયો. તેમણે જણાવ્યું કે આ લોકો ભ્રમિત છે અને તેમના વર્તાવથી તેવું લાગી રહ્યું છે કે તેઓ દશકાઓ સુધી સત્તામાં નથી આવવા માંગતા. વડાપ્રધાન મોદીએ વિપક્ષ વિખરાયેલો અને હતાશ હોવાનું કહ્યું હતું.
વડાપ્રધાન મોદીએ કરેલા ગઠબંધન પર પ્રહારો દ્વારા એક રીતે જાહેર કરી દીધું છે કે તેઓ સંસદમાં વિપક્ષના ઉપદ્રવ સામે નમતું નહીં જોખે. તેમણે એમ પણ જણાવ્યું કે આતંકવાદી સંગઠન PFIના નામમાં પણ ‘INDIA’ શબ્દ છે. તો બીજી તરફ તેવા પણ સમાચાર મળી રહ્યા છે કે વિપક્ષ હવે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં મણીપુર પર જવાબો આપવા તૈયાર છે. વડાપ્રધાનના સંસદમાં પહોંચતા જ ભાજપના સંસદસભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમણે જુસ્સાથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
#WATCH | BJP MP Ravi Shankar Prasad, says "We are proud of our PM. We are coming back to power in 2024. PM Modi has given a statement that Indian National Congress, East India Company was founded by a foreign national. Today people are using names like Indian Mujahideen and… pic.twitter.com/XRpkEXl0eF
— ANI (@ANI) July 25, 2023
તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, “અમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ગર્વ છે, તેમણે એક નવી આશા જગાડી છે.” પટના સાહેબ લોકસભા ક્ષેત્રના સાંસદ પ્રસાદે જણાવ્યું હતું કે 2024માં પણ NDA જ સત્તા પર આવશે. તેમણે કહ્યું કે “દેશ-દુનિયા જાણે જ છે અને વિપક્ષ પણ તે સમજે છે, તેમ છતાં તેઓ વારંવાર વિરોધ કરે છે, કારણકે તેઓ સ્વીકારી ચુક્યા છે કે તેમને સત્તા પર નથી આવવું.” વધુમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, “ઇસ્ટ ઇન્ડિયા કંપની અને કોંગ્રેસ બંનેને અંગ્રેજોએ જ બનાવ્યા છે, 2024નું પરિણામ આવશે ત્યારે હારેલા અને થાકેલા તથા નિરાશ વિપક્ષની સંખ્યા હજુ પણ ઘટી જવાની છે.”