દેશમાં ચાલતી યુનિફોર્મ સિવિલ કોડની (UCC) ચર્ચાઓ વચ્ચે બુધવારે (28 જૂન, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે. પી નડ્ડા અને પાર્ટી મહાસચિવ બી. એલ સંતોષ સાથે એક અગત્યની બેઠક યોજી હતી. લગભગ પાંચેક કલાક ચાલેલી આ બેઠકમાં UCCને લઈને ચર્ચા થઇ હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત, લોકસભા ચૂંટણી પહેલાં મોદી મંત્રીમંડળ અને ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી પણ અટકળો વહેતી થઇ છે.
આગામી સમયમાં દેશનાં ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. તેના ત્રણથી ચાર મહિના બાદ લોકસભાની ચૂંટણી યોજાશે. ઉપરાંત, આગામી મહિને રાજ્યસભા ચૂંટણી પણ યોજાનાર છે. આ બધું જોતાં રાજ્યોના પ્રભારીઓ, અધ્યક્ષો બદલવામાં આવે તેવી શક્યતાઓ છે તો ભાજપ કેન્દ્રીય સંગઠનમાં પણ ફેરફાર થવાની વકી છે. ખાસ કરીને જ્યાં ચૂંટણી છે તે રાજ્યોમાં સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવશે તેમ જણાવાઈ રહ્યું છે.
મંત્રીમંડળમાં ફેરફાર થઇ શકે
રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફારો જોવા મળી શકે છે. જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના નેતાઓને સ્થાન મળી શકે છે. આ મહિને વિદેશ મંત્રી એસ જયશંકરનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. તેઓ ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે. તેઓ ફરીથી રિપીટ કરવામાં આવે તે લગભગ નક્કી છે. તેમની સાથે ગુજરાતમાંથી પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પણ રાજ્યસભામાં મોકલાય તેવી અટકળો પણ ચાલે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર પાટીલે નીતિન પટેલને મોટી જવાબદારી મળવાનો સંકેત કર્યો હતો.
UCCને લઈને ભાજપ અને સરકારે સક્રિયતા વધારી
તાજેતરમાં જ પીએમ મોદીએ ભોપાલ ખાતે એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે યુનિફોર્મ સિવિલ કોડનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક જ દેશમાં બે કાયદાઓ હોય શકે નહીં અને બંધારણ પણ સમાન હકોની વાત કરે છે તો સુપ્રીમ કોર્ટે પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેની ભલામણ કરી છે. તેમણે વિપક્ષી પાર્ટીઓ ઉપર વોટબેન્કના રાજકારણ માટે મુસ્લિમોને ભડકાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ કલાક ચાલેલી આ બેઠકમાં UCCને લઈને પણ ચર્ચા થઇ હોય શકે.