દિલ્હી ભાજપ પ્રવક્તા તેજીન્દર બગ્ગાની પંજાબ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેજીન્દર બગ્ગા ઉપર પંજાબ સાઈબર સેલમાં ફરિયાદ દાખલ થતા તેમની પંજાબ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે,મળતી માહિતી પ્રમાણે મોહાલી પોલીસે તેજીન્દરના વિરુદ્ધ સાઈબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી, જેને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને રાજકારણમાં પણ ગરમાટો આવ્યો છે, બગ્ગા ની ધરપકડને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પંજાબની ભગવંત માન સરકારને ઘેરી છે. તેજીન્દર પાલ ધરપકડ બાદ ચર્ચામાં છે .
તેજીન્દર પાલ સિંહ બગ્ગા પર કથિત આરોપ છે કે તેમણે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધમાં આપત્તિ જનક શબ્દપ્રયોગ કરીને ધર્મ અને જાતિ આધારિત ભેદભાવ ઉભો કરવાની કોશિશ કરી હતી.
બગ્ગાની ધરપકડ બાદ ભાજપના નેતાઓમાં આક્રોશ
ભાજપ નેતા કપિલ મિશ્રાએ તેજીન્દર બગ્ગાની ધરપકડ પર આક્રોશ ઠાલવતા ટવીટ કર્યું હતું કે “તેજીન્દર બગ્ગાને પંજાબ પોલીસના 50 જવાનો ઘરેથી ધરપકડ કરીને લઇ ગયા છે.” પોતાના ટવીટમાં કપિલ મિશ્રા બગ્ગાને મેન્શન કરીને લખે છે કે “તેજીન્દર બગ્ગા એક સાચા સરદાર છે. આવી હરકતોથી ના તો તેમને ડરાવી શકશો કે ના તો તેમને કમજોર બનાવી શકશો.” સાથેજ આમઆદમી પાર્ટીને ઘેરતા કહ્યું કે “એક સાચા સરદારથી આટલો ડર શા માટે?”
સાથેજ દિલ્હીના બીજેપી પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે બગ્ગાની ધરપકડ પર કહ્યું કે,આ એક શરમજનક બાબત છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં તેમની પાર્ટીને મળેલી સત્તાનો દૂરપયોગ રાજનૈતિક વિરોધીઓને ડરાવવા ધમકાવવા માટે શરુ કરી દીધો છે. દિલ્હીના નાગરિકો આ સંકટ સમયમાં તેજીન્દર પાલ સિંહ બગ્ગાના પરિવાર સાથે ઉભો છે.
તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલીયાને બીજેપીને લુચ્ચા-લફંગાઓ ની પાર્ટી કહી હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે બગ્ગાએ અરવિંદ કેજરીવાલને ‘જીવવા નહિ દઈએ’ તેવી ધમકી આપી હતી.
શું છે આખો મામલો
તેજીન્દર બગ્ગાની પંજાબ પોલીસે ધરપકડ કરી છે, અગાઉ પણ એક વાર આમ આદમી પાર્ટીના નેતા ડૉ. સની સિંહની ફરિયાદ ના આધારે પંજાબ પોલીસે બગ્ગા વિરુધમાં ફરિયાદ દાખલ કરી હતી, ત્યારબાદ બગ્ગાની ધરપકડ કરવા પંજાબ પોલીસ દિલ્હી આવી હતી પરંતુ તેમને પરત ફરવું પડ્યું હતું. તેજીન્દર પાલ બગ્ગાએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ટીપ્પણી બાદ કેજરીવાલ પર નિશાનો સાધ્યો હતો, બગ્ગાએ કેજરીવાલને કાશ્મીરી પંડિતોના વિરોધી ગણાવ્યા હતા, ત્યાર બાદ બગ્ગાના વિરુદ્ધમાં પંજાબમાં FIR દાખલ કરવામાં આવી હતી.