હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત બાદ સરકાર તો બની છે પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો પર સંકટ મંડરાઈ રહ્યું છે. શિમલા ગ્રામીણના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. રાજસ્થાનની એક કોર્ટે વિક્રમાદિત્ય સિંહ વિરુદ્ધ ઘરેલુ હિંસાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. વિક્રમાદિત્ય સિંહ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ તેની પત્ની સુદર્શનાએ દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ, શિમલા ગ્રામીણ બેઠકથી ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહની પત્ની સુદર્શના ચંદાવતે ઉદયપુર (રાજસ્થાન) કોર્ટમાં પોતાના પતિ અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ 17 ઓક્ટોબર 2022ના રોજ આપવામાં આવી હતી.
हिमाचल : कांग्रेस नेता विक्रमादित्य पर घरेलू हिंसा का आरोप, गैर-जमानती वारंट जारी#VikramadityaSingh #Congress #HimachalPradeshhttps://t.co/QKa4wnpj6n
— Patrika Hindi News (@PatrikaNews) December 14, 2022
17 નવેમ્બર 2022 ના રોજ પ્રથમ સુનાવણીમાં, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉદયપુરની કોર્ટે વિક્રમાદિત્ય સિંહ, સાસુ પ્રતિભા સિંહ, નણંદ અપરાજિતા, નણદોઈ અંગદ સિંહ અને ચંદીગઢની એક છોકરીને ઘરેલુ હિંસાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે. તમામ આરોપીઓને 14 ડિસેમ્બરે એટલેકે આજે ઉદયપુર કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોણ છે વિક્રમાદિત્ય સિંહ
વિક્રમાદિત્ય સિંહ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર છે. વિક્રમાદિત્યની રાજકીય સફર 2013માં શરૂ થઈ હતી. એ વર્ષે તેઓ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ કમિટીમાં જોડાયા અને તેમને યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. વિક્રમાદિત્ય 2017 સુધી આ પદ પર રહ્યા. નોંધનીય છે કે 2022ની ચૂંટણીમાં તેઓ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીની રેસમાં પણ હતા.
વિક્રમાદિત્યના પિતા વીરભદ્ર સિંહ હિમાચલ પ્રદેશના 6 વખત મુખ્યમંત્રી રહ્યા હતા. 2021માં તેમના મૃત્યુ બાદ વિક્રમાદિત્યને રાજા બનાવવામાં આવ્યા હતા. વિક્રમાદિત્ય સિંહની માતા રાણી પ્રતિભા સિંહ હિમાચલ કોંગ્રેસના અધ્યક્ષ છે. વીરભદ્ર સિંહની પત્ની અને રાણી પ્રતિભા સિંહે આ વર્ષે મંડી લોકસભા પેટાચૂંટણીમાં ભાજપને હરાવ્યું હતું.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022
8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા સાથે જ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું પણ પરિણામ બહાર આવ્યું હતું, જેમાં કોંગ્રેસે સફળતા મેળવી હતી.
અંતિમ પરિણામમાં કોંગ્રેસને 68માંથી 40, ભાજપને 25 અને અપક્ષને 3 બેઠકો મળી હતી. પણ ઉલ્લેખનીય બાબત એ છે કે ચૂંટણીમાં કોંગ્રેસના ભાગે 43.90% વોટ પડ્યા હતા, જયારે ભાજપના ભાગે 43% વોટ પડ્યા હતા. આમ માત્ર 1% થી પણ ઓછા વોટશેરના માર્જીનથી ભાજપ આ ચૂંટણી હાર્યું હતું.