બિહાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને જનતા દળ (યુનાઇટેડ)ના નેતા મહેશ્વર હજારીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ‘CM નીતિશ કુમારમાં PM માટેના જરૂરી તમામ ગુણો છે. જ્યારે પણ I.N.D.I ગઠબંધન PM પદ માટે ઉમેદવારના નામની જાહેરાત કરશે ત્યારે તેમાં માત્ર નીતિશ કુમારનું જ નામ હશે. આ દાવો કરનાર વ્યક્તિ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર હોવાની સાથે JDUના વરિષ્ઠ નેતા અને નીતિશ કુમારના નજીકના સહયોગી પણ છે.
તેમણે દાવો કરતાં કહ્યું કે ભારતના વડાપ્રધાન પદ માટે નીતિશ કુમારથી વધુ લાયક કોઈ નથી. મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે JDUના તમામ સેલ પ્રમુખોની મિટિંગ શનિવારે (24 સપ્ટેમ્બરે) યોજવામાં આવી હતી. આ બેઠક બાદ મહેશ્વરી હજારીએ આ નિવેદન આપ્યું હતું. હજારીએ આગળ જણાવ્યું હતું કે, “નીતિશ કુમાર આ દેશના સૌથી મોટા સમાજવાદી નેતા છે, વડાપ્રધાન મોદીએ પોતે કહ્યું છે કે રામ મનોહર લોહિયા અને જેપી (જયપ્રકાશ) પછી નીતિશ કુમાર સૌથી મોટા સમાજવાદી નેતા છે.” ડેપ્યુટી સ્પીકરે ઉમેર્યું કે “નીતિશ કુમાર ભારત સરકારમાં 5 વખત મંત્રી રહી ચૂક્યા છે અને 18 વર્ષથી બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમનાથી વધુ લાયક કોઈ નથી.”
#WATCH | Maheshwar Hazari, JD(U) leader and Deputy Speaker of the Bihar Assembly says, "CM Nitish Kumar has all the qualities needed for PM…Whenever the INDIA alliance will announce the name for the PM candidate, it will be Nitish Kumar's name…" pic.twitter.com/ardWTxxFNz
— ANI (@ANI) September 24, 2023
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જેવી રીતે ઈંટ જોડીને દીવાલ બનાવવામાં આવે છે, તેવી જ રીતે નીતિશ કુમારે સમગ્ર વિપક્ષને એક કરવાનું કાર્ય કર્યું છે. એટલે આજે નહીં તો કાલે PM ઉમેદવાર તરીકે નીતિશ કુમારના નામની ઘોષણા થશે.
નીતિશ કુમાર નકારી ચૂક્યા છે
નીતિશ કુમાર પીએમ પદના ઉમેદવાર હોવાને લઈને ભૂતકાળમાં પણ ઘણી વખત રાજનીતિક વર્તુળોમાં ચર્ચાઓ ચાલી છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, તેઓ PM ઉમેદવારની રેસમાં સામેલ નથી. તેમનો ધ્યેય માત્ર વિપક્ષને એક કરવાનો અને BJP સરકારને સત્તામાંથી દૂર કરવાનો છે. એટલું જ નહીં પણ તેઓ પાર્ટી કાર્યકર્તા અને નેતાઓને એ અપીલ પણ કરી ચૂક્યા છે કે PM કેન્ડિડેટ તરીકે તેમના નામના નારા લગાવવામાં ન આવે. પરંતુ હવે તેમની જ પાર્ટીના નેતા અને બિહાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મહેશ્વર હજારીએ નીતિશ કુમારના PM પદનો દાવો કરીને ફરી ચર્ચાઓ વહેતી કરી છે.
આ ઉપરાંત જ્યારે JDUના બીજા એક નેતા નીરજ કુમારને આ વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમને આ આખી ઘટનાક્રમ વિશેની કોઈ જાણકારી નથી. કુમારે ઉમેર્યું હતું કે “હું જાણું છું કે BJPના એક રાજ્યસભા સાંસદે એકવાર કહ્યું હતું કે નીતિશ કુમાર PM મટિરિયલ છે, જેમાં વિપક્ષના વડાપ્રધાન પદનો ચેહરો બનવાની તમામ ક્ષમતાઓ છે. જોકે, નીતિશ કુમારે આ વિશે અગાઉ જ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેમનું ધ્યેય કોઈ પદ પ્રાપ્ત કરવાનું નથી.”
બીજી તરફ, I.N.D.I ગઠબંધનની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાના ઈરાદે કોંગ્રેસ, ટીએમસી, એનસીપી (શરદ પવાર જૂથ), ડીએમકે, જેડીયુ સહિતની પાર્ટીઓએ આ ઝુંડ બનાવ્યું છે. તેની બે-ત્રણ બેઠકો પણ થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી પીએમ પદના ઉમેદવાર તરીકે કોઈના નામની ઘોષણા કરવામાં આવી નથી.