ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણી માટે બુધવારે (13 માર્ચ) બીજી યાદી જાહેર કરી. જેમાં કુલ 72 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. ગુજરાતની પણ 7 બેઠકો આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રીઓથી લઈને પૂર્વ મુખ્યમંત્રીઓ સુધીના દિગ્ગજ નેતાઓનાં નામ સામેલ છે.
હરિયાણાના મુખ્યમંત્રી પદેથી તાજેતરમાં જ રાજીનામું આપનાર મનોહરલાલ ખટ્ટર હવે લોકસભા ચૂંટણી લડશે. તેમને કરનાલ બેઠક પરથી પાર્ટીએ ટીકીટ આપી છે. તેઓ કરનાલની જ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા, જે પદ પરથી તેમણે રાજીનામું આપ્યું છે. આ સિવાય, હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને રીપીટ કરવામાં આવ્યા છે. તેઓ આ જ બેઠક પરથી લડતા આવ્યા છે અને વધુ એક વખત પાર્ટીએ તેમની ઉપર જ વિશ્વાસ દાખવ્યો છે.
Union Minister Anurag Thakur to contest from Himachal Pradesh's Hamirpur, former Karnataka CM Basavaraj Bommai to contest from Haveri, BJP MP Tejasvi Surya to contest from Bangalore South, Union Minister Nitin Gadkari to contest from Nagpur, Union Minister Piyush Goyal to contest… https://t.co/FMsQL4yX1M
— ANI (@ANI) March 13, 2024
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ પણ હવે લોકસભા લડશે. તેમને પાર્ટીએ હાવેરી બેઠક પરથી ઉમેદવાર ઘોષિત કર્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી ધારવાડ બેઠક પરથી લડશે. તેઓ અહીંથી 2009થી સતત જીતતા આવ્યા છે. પાર્ટીએ ફરી તેમને જ ઉતાર્યા છે. બેંગ્લોર (દક્ષિણ) બેઠક પર પણ ભાજપ યુવા મોરચા પ્રમુખ તેજસ્વી સૂર્યાને રીપીટ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના નાગપુરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ફરી ચૂંટણી લડશે, પાર્ટીએ તેમને રિપીટ કર્યા છે. કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે મહારાષ્ટ્રની જાલના બેઠક પરથી ફરી ચૂંટણી લડશે. તેઓ પણ રીપીટ થયા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર બેઠક પરથી લડશે. તેઓ પહેલી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. હાલ તેઓ રાજ્યસભા સાંસદ છે. જ્યારે બિડ બેઠક પરથી પંકજા મુંડેને ટીકીટ આપવામાં આવી છે.
ઉત્તરાખંડની ગઢવાલ બેઠક પરથી અનિલ બલૂની, જ્યારે હરિદ્વાર બેઠક પરથી ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંઘ રાવત ચૂંટણી લડશે.
આ બીજી યાદીમાં દિલ્હી 2, ગુજરાતની 7, હરિયાણાની 6, હિમાચલ પ્રદેશની 2, કર્ણાટકની 20, મધ્ય પ્રદેશની 5, મહારાષ્ટ્રની 20, તેલંગાણાની 6, ઉત્તરાખંડની 2 અને ત્રિપુરાની 1 બેઠકો પર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા-નગરહવેલી બેઠક પરથી ભાજપે કલાબેન ડેલકરને ઉતાર્યાં છે. તેઓ દિવગંત નેતા મોહન ડેલકરનાં પત્ની છે.
આ સાથે ભાજપે બે યાદી મળીને કુલ 267 બેઠકો પર ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. પહેલી યાદી 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવી હતી, જેમાં 195 ઉમેદવાર જાહેર કરાયા હતા.