Monday, November 25, 2024
More
    હોમપેજરાજકારણ‘PM મોદીની જાતિને 1994માં અપાયો હતો OBCનો દરજ્જો, કોંગ્રેસની હતી સરકાર’: તત્કાલીન...

    ‘PM મોદીની જાતિને 1994માં અપાયો હતો OBCનો દરજ્જો, કોંગ્રેસની હતી સરકાર’: તત્કાલીન ડેપ્યુટી સીએમ નરહરિ અમીને ખોલી નાખી રાહુલ ગાંધીના દાવાની પોલ

    રાહુલ ગાંધીના દાવાનું ખંડન કરતાં તેમણે લખ્યું કે, “25 જુલાઈ, 1994ના રોજ જ્યારે મોઢ-ઘાંચી સમુદાયને OBCમાં સમાવવામાં આવ્યો, ત્યારે કોંગ્રેસ સરકારમાં હું જ ગુજરાતના ઉપ-મુખ્યમંત્રી તરીકેની સેવા આપી રહ્યો હતો. આ એ જ જ્ઞાતિ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે."

    - Advertisement -

    ગુરુવારે (8, જાન્યુઆરી 2024) ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની જાતિ અંગે ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે PM મોદી OBC તરીકે જન્મ્યા ન હતા અને 2000ની સાલમાં ભાજપની સરકારે તેમની જાતિને OBCનો દરજ્જો આપ્યો હતો. જેની ઉપર ચાલતી ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના જ પૂર્વ નેતા અને ભાજપ સાંસદ નરહરિ અમીને તેમના દાવાઓનું ખંડન કર્યું છે.

    ગુજરાતના પૂર્વ ડેપ્યુટી CM અને પૂર્વ કોંગ્રેસ નેતા નરહરિ અમીને X પર એક પોસ્ટ કરી રાહુલ ગાંધીના દાવાઓને ખોટા સાબિત કરતા નકારી કાઢ્યા છે. તેમણે રાહુલ ગાંધીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મોઢ-ઘાંચી સમુદાય, જેમાંથી નરેન્દ્ર મોદી આવે છે, તેને વર્ષ 1994માં ગુજરાત સરકારે OBCનો દરજ્જો આપ્યો હતો અને ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને તેઓ પોતે ડેપ્યુટી સીએમ હતા.

    રાહુલ ગાંધીના દાવાનું ખંડન કરતાં તેમણે લખ્યું કે, “25 જુલાઈ, 1994ના રોજ જ્યારે મોઢ-ઘાંચી સમુદાયને OBCમાં સમાવવામાં આવ્યો, ત્યારે કોંગ્રેસ સરકારમાં હું જ ગુજરાતના ઉપ-મુખ્યમંત્રી તરીકેની સેવા આપી રહ્યો હતો. આ એ જ જ્ઞાતિ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું, ‘રાહુલ ગાંધી આ મુદ્દે જુઠ્ઠાણું ફેલાવીને OBC સમુદાયનું અપમાન કરી રહ્યા છે. મોઢ-ઘાંચી જ્ઞાતિને ઓબીસીનો દરજ્જો આપવાનું નોટિફિકેશન આવ્યું ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તો દૂર, ધારાસભ્ય-સાંસદ પણ બન્યા ન હતા. મારી માંગ છે કે રાહુલ ગાંધી તરત જ તેમનું નિવેદન પાછું લે. તેમણે ઓબીસીને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નફરત ફેલાવવા બદલ ગુજરાતની માફી માંગવી જોઈએ.” 

    નરહરિ અમીન ગુજરાતના વરિષ્ઠ નેતાઓમાંથી એક છે. તેઓ વર્ષ 1994થી 1995 સુધી ગુજરાત રાજ્યના ઉપ-મુખ્યમંત્રી રહ્યા હતા. તેમણે 1974માં થયેલા ‘નવનિર્માણ’ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પછીથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. હાલ તેઓ રાજ્યસભા સાંસદ છે.

    ઉલ્લખનીય છે કે, વડાપ્રધાન મોદીએ સંસદમાં ભાષણ દરમિયાન કહ્યું હતું કે, તેઓ OBC સમુદાયમાંથી આવે છે. જેને ટાર્ગેટ કરીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન PM મોદીની જાતિ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, PM મોદી OBCમાં જન્મ્યા ન હતા અને 2000માં ભારતીય જનતા પાર્ટીની સરકારે તેમના સમુદાયને OBC કેટેગરીમાં સ્થાન આપ્યું હતું. 

    એક વિડીયોમાં તેઓ કહેતા નજરે ચડે છે કે, “સૂનો ભૈયા, મેં બહુત ગહેરી બાત બોલ રહા હું. આપ લોગો કો ભયંકર બેવકૂફ બનાયા જા રહા હૈ…નરેન્દ્ર મોદીજી OBC પેદા થયા ન હતા. નરેન્દ્ર મોદી તેલી જાતિમાં જન્મ્યા હતા. તેમના સમુદાયને ભાજપે વર્ષ 2000માં OBC બનાવી. તમારા વડાપ્રધાન OBC નહીં પણ સામાન્ય કેટેગરીમાં જન્મ્યા હતા. તેઓ આખી દુનિયામાં જુઠ્ઠાણું ફેલાવે છે કે તેઓ OBCમાં જન્મ્યા.” પરંતુ રાહુલ ગાંધી એ ભૂલી ગયા હતા કે, હકીકતમાં PM મોદીની જાતિને વર્ષ 2000માં નહીં પરંતુ 1994માં OBCનો દરજજો મળ્યો હતો, અને તેને ભાજપે નહીં પરંતુ કોંગ્રેસની શાસિત સરકારે આપ્યો હતો.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં