સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અવારનવાર વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં રહે છે. રામચરિતમાનસ વિશે પણ તેમણે વિવાદિત ટિપ્પણી કરી હતી. જે બાદ હવે ફરી એકવાર તેમણે કારસેવકોને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે અયોધ્યામાં મુલાયમ સરકારના આદેશ પર કારસેવકો પર થયેલા ગોળીબારને યોગ્ય ઠેરવ્યો છે. સાથે જ તેમણે કારસેવકોને ‘અરાજક તત્વો’ પણ કહ્યા છે. તેમના આવા નિવેદનનો સોશિયલ મીડિયામાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે.
સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. તેમણે કારસેવકો પર ગોળીબાર કરવાના મુલાયમ સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, “અયોધ્યા રામ મંદિરને લઈને જે ઘટના ઘટી હતી, ત્યાં કોઈપણ ન્યાયપાલિકાના નિર્દેશ વગર, કોઈ પ્રશાસનિક આદેશ વગર મોટી સંખ્યામાં ભેગા થયેલા અરાજક તત્વોએ જે તોડફોડ કરી હતી, તત્કાલીન સપા સરકારે બંધારણની રક્ષા માટે, કાયદાની રક્ષા માટે, અમન અને શાંતિ કાયમ રાખવા માટે તે સમયે જે ગોળીઓ ચલાવી હતી, તે સરકારની પોતાની ફરજ હતી અને તે ફરજ સરકારે નિભાવી હતી.” આ ઉપરાંત તેમણે આ ઘટનાને યોગ્ય અને વાજબી ઠેરવી હતી.
#WATCH | Kasganj (UP): On Ram temple, Samajwadi Party leader Swami Prasad Maurya says, "…To safeguard the constitution and the law and to protect peace, the then government gave shoot at sight orders. The government merely did its duty…" pic.twitter.com/tpYf8wdMnJ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2024
આ ઉપરાંત તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે, “મોદી સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે, બેરોજગારી વધી રહી છે, મોંઘવારી ચરમ સીમા પર છે, પરંતુ મોદી સરકાર રામ મંદિર દ્વારા લોકોને મૂળ મુદ્દાઓ પરથી ભટકાવી રહી છે.”
1990ના દશકમાં કારસેવકો પર થયો હતો ગોળીબાર
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1990માં રામ જન્મભૂમિ માટે આંદોલન ચાલી રહ્યું હતું. તે સમય દરમિયાન મોટી સંખ્યામાં સાધુ-સંતો અને કારસેવકો અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારે ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંઘ યાદવની સરકાર હતી. તે દરમિયાન આખા અયોધ્યા શહેરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. તે સમયે ત્યાં કારસેવકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. 30 ઓકટોબર, 1990ના રોજ મુલાયમ સરકારના આદેશ પર પોલીસે નિ:શસ્ત્ર કારસેવકો પર ગોળીબાર કર્યો હતો. જેમાં 5 કારસેવકો વીરગતિ પામ્યા હતા. આ ઘટના બાદ રામ જન્મભૂમિ આંદોલને વધુ ગતિ પકડી હતી. જ્યારે આ ઘટનાને સ્વામી પ્રસાદ મૌર્યએ યોગ્ય ઠેરવી છે. જેને લઈને સોશિયલ મીડિયામાં આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે.
રામચરિતમાનસ પર કરી હતી વિવાદિત ટિપ્પણી
આ પહેલાં પણ સ્વામી પ્રસાદ મૌર્યે રામચરિતમાનસ અંગે ટિપ્પણી કરીને તેને બકવાસ ગ્રંથ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “રામચરિતમાનસ તુલસીદાસે પોતાના આનંદ માટે લખ્યું હતું. સરકારે તેનું સંજ્ઞાન લઈને જે વાંધાજનક હિસ્સો છે તેને દૂર કરવો જોઈએ અથવા તો આખું પુસ્તક જ પ્રતિબંધિત કરી દેવું જોઈએ.” આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે, “બ્રાહ્મણ ભલે ખરાબ હોય પણ તે બ્રાહ્મણ છે તો તેને પૂજનીય ગણવવામાં આવશે અને શુદ્ર કેટલો પણ જ્ઞાની અને વિદ્વાન હોય તો તેનું સન્માન નહીં થાય. જો આ જ ધર્મ છે તો હું આવા ધર્મને નમસ્કાર કરું છું. એવા ધર્મનો સત્યનાશ થાય જે આપણો સત્યનાશ ઇચ્છતા હોય.”