Wednesday, September 11, 2024
More
    હોમપેજદેશ'મોદીની ગેરંટી' પુરી થવાની શું છે ગેરંટી? શા માટે જનતા ઈચ્છે છે...

    ‘મોદીની ગેરંટી’ પુરી થવાની શું છે ગેરંટી? શા માટે જનતા ઈચ્છે છે ‘ત્રીજીવાર મોદી સરકાર’?: 2014 અને 2019માં મોદી સરકારે પૂરા કરેલા આ 10 વાયદા પરથી સમજો

    મોદી સરકારે પોતાના મહત્વના 10 વાયદા પૂર્ણ કર્યા છે. એ સિવાય પણ દેશમાં અનેક વિકાસકાર્યોને ગતિ મળી છે. વિદેશનીતિથી લઈને સરકારની જન કલ્યાણની યોજનાઓ સુધીમાં પણ ધરખમ પરિવર્તન આવ્યું છે.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીએ 14 એપ્રિલ 2024ના રોજ પોતાનું ‘સંકલ્પ પત્ર’ એટલે કે લોકસભા ચૂંટણી 2024 માટે તેમનું ઘોષણપત્ર બહાર પાડ્યું છે. ભાજપનું ઘોષણાપત્ર ‘મોદીની ગેરંટી’ ટેગલાઇન સાથે બહાર પાડવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીના શંખનાદ પહેલાં ઘણા મહિનાઓથી ભાજપ ‘મોદીની ગેરંટી’ શબ્દનો ઉપયોગ કરી રહ્યું છે. ભાજપે તેના ઘોષણપત્રમાં ઘણા મહત્વપૂર્ણ વચનો આપ્યા છે, જેમાં UCC, વન નેશન-વન ઈલેક્શન, મહિલા સશક્તિકરણ, યુવાનો અને ગરીબોનું ઉત્થાન મુખ્ય છે. નોંધનીય છે કે પાછલા 10 વર્ષમાં મોદી સરકારે 10 મહત્વના વાયદા કર્યા હતા જે હવે પૂર્ણ થયા છે.

    ભાજપનું ઘોષણાપત્ર જોવાની સાથે એ જાણવું પણ જરૂરી છે કે મોદી સરકારે તેના છેલ્લા બે કાર્યકાળમાં કયા મોટા ચૂંટણી વચનો આપ્યા હતા અને તેમાંથી કેટલા પૂરા થયા છે. અહીં અમે તે 10 મોટા વાયદા રજૂ કરી રહ્યા છીએ જે મોદી સરકારે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કર્યા હતા અને તે પૂર્ણ થયા છે.

    રામ મંદિર નિર્માણ

    મોદી સરકારે 10 વાયદા કર્યા હતા, તેમ સૌથી મહત્વનો વાયદો હતો રામ મંદિર નિર્માણ. 2014 અને 2019ના બંને મેનિફેસ્ટોમાં ભાજપે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની વાત કરી હતી અને સુપ્રીમ કોર્ટના આદેશ પર નિર્ભરતાની વાત કરી હતી. 2014માં, ભાજપે કહ્યું હતું કે “ભાજપ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સુવિધા માટે બંધારણના માળખામાં તમામ શક્યતાઓ શોધવા માટે તેના વલણને પુનરાવર્તિત કરે છે”. 2019ના ઘોષણપત્રમાં ભાજપે કહ્યું હતું કે, “અમે રામ મંદિર પર અમારું વલણ પુનરાવર્તિત કરીએ છીએ. અમે બંધારણીય માળખામાં તમામ શક્યતાઓ શોધી કાઢીશું અને અયોધ્યામાં રામ મંદિરના શીઘ્ર નિર્માણની સુવિધા માટે તમામ જરૂરી પ્રયાસો કરીશું.” આ તે મુદ્દો છે જેના પર વિપક્ષ સતત ભાજપની મજાક ઉડાવી રહ્યો છે. એમ કહીને કે ‘મંદિર વહી બનાએંગે, લેકિન તારીખ નહીં બતાએંગે.’

    - Advertisement -

    વિપક્ષ દ્વારા ઠેકડી ઉડાવવા છતાં ભાજપે આ મુદ્દે કોઈ હડબડાટ નહોતો કર્યો. નવેમ્બર 2019માં જ્યારે સુપ્રીમ કોર્ટે હિંદુઓની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે રામ મંદિરનો માર્ગ મોકળો થયો અને હવે પરિણામ જુઓ કે ભાજપ સરકારે ખૂબ જ ઝડપથી કામ કર્યું અને આ વર્ષના પ્રથમ મહિનામાં જ ભગવાન રામના ભવ્ય મંદિરમાં રામલલાનાની પ્રાણપ્રતિષ્ઠા પણ થઈ ચૂકી છે.

    ખાસ વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંદિર નિર્માણની દેખરેખના તમામ કામોમાં સતત જોડાયેલા રહ્યા હતા. મંદિરમાં એક પણ રૂપિયો સરકારનો લાગ્યો નથી, પરંતુ કરોડો ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનથી એ શક્ય બન્યું છે. તેમ છતાં સરકાર મંદિર નિર્માણ કાર્ય માટે સતત અગ્રેસર રહી હતી. હવે દરરોજ હજારો ભક્તો રામલલાના દર્શન કરી રહ્યા છે અને ખાસ પ્રસંગોએ આ સંખ્યા લાખોને વટાવી જાય છે.

    કલમ 370 અને 35Aને દૂર કરવી

    મોદી સરકારે જે મહત્વના 10 વાયદા કર્યા હતા તેમાં કલમ 370 અને 35Aને નાબૂદ કરવાની વાત પણ હતી. ભાજપે તેના 2014ના ઘોષણપત્રમાં કલમ 370 નાબૂદ કરવાનું વચન આપ્યું હતું , 2019ના ઘોષણપત્રમાં પાર્ટીએ માત્ર સારી દૂરંદેશી જ દર્શાવી ન હતી પરંતુ કલમ 35A નાબૂદ કરવાની પણ વાત કરી હતી. વર્ષ 2014ના ઘોષણપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, “ભાજપ કલમ 370 પર તેના સ્ટેન્ડને પુનરાવર્તિત કરે છે. તે તમામ હિતધારકો સાથે ચર્ચા કરશે અને આ કલમને રદ કરવા માટે પ્રતિબદ્ધ છે.” બીજી તરફ, 2019ના ઘોષણપત્રમાં સમજાવવામાં આવ્યું કે, કેવી રીતે શાસક પક્ષે નિર્ણાયક પગલાં અને મક્કમ નીતિ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રયાસો કર્યા.

    વર્ષ 2019માં, મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં સંસદના પ્રથમ પૂર્ણ સત્રમાં તેનું સૌથી મોટું વચન પૂરું કર્યું અને જણાવી દીધું કે દેશમાં ‘એક દેશ, એક સંવિધાન અને એક વિધાન’નો સમય આવી ગયો છે. મોદી સરકારે કલમ 370 અને કલમ 35A નાબૂદ કરી. સરકારને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તે વાત ફગાવી દીધી હતી. આજે દેશના અન્ય રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીરમાં પણ કેન્દ્રના તમામ કાયદા લાગુ પડે છે. જમ્મુ-કાશ્મીરમાં વિકાસનો નવો પવન ફૂંકાયો છે.

    ‘મેક ઇન ઇન્ડિયા ઇન ડિફેન્સ’ અને સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રકચર

    2014 અને 2019માં ભાજપના બંને ઘોષણપત્રોમાં સંરક્ષણ ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’ને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું. ભાજપે સશસ્ત્ર દળોના આધુનિકીકરણ, સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસમાં વધારો અને સ્વદેશી સંરક્ષણ તકનીકોના વિકાસની ઘોષણા કરી હતી, જે તમામ મોદી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આજે ભારતની સંરક્ષણ નિકાસ 20 ગણો વધારો થયો છે. ભારતીય શસ્ત્રોનો ઉપયોગ વિશ્વના તમામ દેશો કરી રહ્યા છે.

    ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે વિદેશી રોકાણ પણ અનેકગણું વધ્યું છે. ફાઈટર જેટ્સના એન્જિન પણ બનાવવાનું કામ ભારતમાં શરૂ થઈ રહ્યું છે, જ્યારે ડ્રોન, તોપો, તેજસ એરક્રાફ્ટ, સબમરીન જેવી તમામ ભારે મશીનરી ભારતમાં જ બની રહી છે. ભારત સરકારે 928 સામાનની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે અને તેનું ઉત્પાદન પણ ભારતમાં જ થઈ રહ્યું છે. કટોકટીની પરિસ્થિતિઓ સિવાય દારૂગોળાની ખરીદી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

    આ ઉપરાંત વર્ષોથી અટવાયેલા અનેક પ્રોજેક્ટ મોદી સરકારમાં ઝડપથી આગળ વધ્યા છે. ઉદાહરણ તરીકે, આનું મુખ્ય ઉદાહરણ ભારતનું સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ, એલસીએ તેજસ છે. તેજસને 1980ના દાયકામાં મંજૂરી આપવામાં આવી હતી, જેની પ્રથમ સફળ ઉડાન 2001માં વાજપેયી સરકાર દરમિયાન થઈ હતી. આ પછી, પ્રોજેક્ટ ધીમી ગતિએ આગળ વધતો રહ્યો હતો.

    મોદી સરકારમાં આ પ્રોજેક્ટને વેગ મળ્યો. તેજસને 2015માં પહેલીવાર એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. હાલમાં, ભારતીય વાયુસેના પાસે લગભગ 40 તેજસ Mk1 એરક્રાફ્ટ છે, જ્યારે તેમણે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ને લગભગ 83 વધુ તેજસ Mk1 (તેજસ માર્ક-1Aનું અપગ્રેડેડ વર્ઝન)નો ઓર્ડર આપ્યો છે. તાજેતરમાં જ ભારતીય વાયુસેનાએ ખતરનાક લડાયક હેલિકોપ્ટર સામેલ કર્યા હતા, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ સિવાય સેનાએ 550 અર્જુન માર્ક-1 ટેન્કનો ઓર્ડર આપ્યો છે.

    રસ્તાઓ અને રાજમાર્ગ (ધોરીમાર્ગો)

    2014ના ઘોષણપત્રમાં ભાજપે પૂર્વોત્તર અને જમ્મુ-કાશ્મીરમાં વર્લ્ડ ક્લાસ હાઈવે, કોસ્ટલ હાઈવે અને બહેતર રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી હતી. 2019ના ઘોષણપત્રમાં, ભાજપે કહ્યું કે તેણે ગામડાઓને ગ્રામીણ રસ્તાઓ સાથે જોડવા માટે 60,000 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવાની યોજના બનાવી છે. આ હાઈવે, વેરહાઉસ અને અન્ય જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો ભાગ છે. પાર્ટીએ 2022 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ બમણી કરવાનું વચન પણ આપ્યું હતું. દેશની પ્રગતિમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ખૂબ મહત્વ છે અને મોદી સરકારે આ ક્ષેત્રમાં મોટા પાયે કામ કર્યું છે.

    ભાજપે વાયદો કર્યો હતો કે, 2023 સુધીમાં 99% ગામડાઓને રસ્તાઓથી જોડવામાં આવશે. 2013-14માં રોડ બાંધકામ 11.6 કિમી/દિવસ હતું. ઉપલબ્ધ માહિતી અનુસાર, તે સમયગાળા દરમિયાન માત્ર 4,300 કિલોમીટરના હાઇવેનું નિર્માણ થયું હતું. જોકે, મોદી સરકાર સત્તામાં આવ્યા પછી, ગતિ ઝડપથી વધી અને 2022-23માં 28.3 કિમી/દિવસ સુધી પહોંચી ગઈ. જો આપણે કુલ રોડ નિર્માણ વિશે વાત કરીએ તો જુલાઈ 2023 સુધીમાં તે 91 કિમી પ્રતિ દિવસના દરે 7,42,398 કિમી હતી. માર્ચ 2014 સુધીમાં, કુલ રસ્તાઓ 80 કિમી પ્રતિ દિવસના દરે 3,81,393 કિમી હતી.

    માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના (MoRTH) સચિવ અનુરાગ જૈનના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દાયકામાં સમગ્ર દેશમાં 95,000 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં આવ્યા છે. 2014ના આંકડા સાથે સરખામણી કરવામાં આવે તો, આ 28.3 કિમીથી વધુ હાઇવેના સરેરાશ દૈનિક બાંધકામમાં અનુવાદ કરે છે, જે 143% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

    રેલવે

    2014ના ઘોષણપત્રમાં ભાજપે તીર્થયાત્રા રેલ, રેલવે મોડરેશન અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર ઉપયોગિતાઓ સાથે તમામ સ્ટેશનોના આધુનિકીકરણનું વચન આપ્યું હતું. 2019માં, ભાજપે રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ, વંદે ભારત એક્સપ્રેસ જેવી નવી ટ્રેનો અને અન્ય ઘણા વચનો આપ્યા હતા. આજે દેશભરમાં 51 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. છેલ્લા એક દાયકામાં ભારતીય રેલ્વે નેટવર્કમાં વ્યાપક પરિવર્તન થયું છે. રેલવેમાં આધુનિકીકરણના પ્રયાસો ચાલી રહ્યા છે અને મોદી સરકારે આ પ્રયાસ માટે નોંધપાત્ર ભંડોળ ફાળવ્યું છે. રેલવે બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે દેશભરમાં તેજસ, વંદે ભારત અને ગતિમાન એક્સપ્રેસ જેવી ટ્રેનોની શરૂઆત શક્ય બની છે.

    મોદી સરકારની સૌથી નોંધપાત્ર સિદ્ધિ, ખાસ કરીને રેલ્વે ક્ષેત્રમાં નેટવર્કના 94%નું વિદ્યુતીકરણ છે. 2014માં જ્યારે મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે દેશના રેલવે નેટવર્કના માત્ર 21,801 કિલોમીટરનું જ વિદ્યુતીકરણ થયું હતું. હાલમાં, દેશના 61,000 કિમીથી વધુ રેલવે નેટવર્કનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. UPA સરકારમાં દૈનિક વિદ્યુતીકરણ દર 1.42 કિલોમીટર પ્રતિ દિવસ હતો, જ્યારે મોદી સરકારના શાસનમાં તે વધીને 14 કિલોમીટર પ્રતિ દિવસ થયો છે. મોદી પ્રશાસને વિદ્યુતીકરણના પ્રયાસો માટે ₹43,346 કરોડ ફાળવ્યા છે.

    આ ઉપરાંત, માત્ર વિદ્યુતીકરણમાં જ નહીં પરંતુ નવી રેલવે લાઈનો નાખવામાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન કુલ 25,871 કિલોમીટરની નવી લાઈનો નાખવામાં આવી છે. મોદી સરકારના કાર્યકાળમાં રેલવેને પૂરતા પ્રમાણમાં ભંડોળ ફાળવવામાં આવ્યું છે. 2014માં, રેલવેને અંદાજે ₹29,000 કરોડનું બજેટ મળ્યું હતું. વર્ષ 2024-25 સુધીમાં આ બજેટ લગભગ આઠ ગણું વધીને ₹2.90 લાખ કરોડ થઈ ગયું છે. નવી લાઈનો અને ઈલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા ઉપરાંત, મોદી સરકાર સ્ટેશન રિડેવલપમેન્ટ પહેલ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

    ઉર્જા

    છેલ્લા 10 વર્ષમાં કરાયેલા કામોમાં ઉર્જાના રિન્યુએબલ સ્ત્રોતો પ્રત્યે ભાજપની પ્રતિબદ્ધતા દેખાઈ આવે છે. 2014ના ઘોષણપત્રમાં ભારતના ઉર્જા મિશ્રણના મહત્વના ઘટક તરીકે ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 2019 સુધીમાં, આ ક્ષેત્રમાં ઘણું કામ કરવામાં આવ્યું હતું અને મેનિફેસ્ટોમાં ભવિષ્ય માટેનો સ્પષ્ટ રોડમેપ હતો.

    2019ના ઘોષણાપત્રમાં ભાજપે ઉલ્લેખ કર્યો હતો કે, અસરકારક અને વ્યવહારુ હસ્તક્ષેપ દ્વારા જળવાયુ પરિવર્તનને સંબોધવામાં ભારત વૈશ્વિક ચેમ્પિયન બન્યું છે. તે સમય સુધીમાં, ભારતે 76.87 ગીગાવોટની સંચિત સ્થાપિત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા હાંસલ કરી લીધી હતી, સાથે જ 175 ગીગાવોટના નિર્ધારિત લક્ષ્યને પણ હાંસલ કર્યો હતો.

    6 ડિસેમ્બર 2023ના રોજ નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, 31 ઓક્ટોબર 2023 સુધીમાં દેશમાં બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઉર્જા સંસાધનોમાંથી કુલ 186.46 GW ક્ષમતા સ્થાપિત કરવામાં આવી હતી. જેમાં 178.98 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો સમાવેશ થાય છે. એનર્જી અને 7.48 GW ન્યુક્લિયર પાવર. વધુમાં, 114.08 GW ક્ષમતા અમલીકરણ હેઠળ છે અને 55.13 GW ક્ષમતા ટેન્ડર હેઠળ છે.

    સ્વાસ્થ્ય કાળજી

    શાસક પક્ષના 2014ના મેનિફેસ્ટોમાં યોગ અને આયુષ સહિત ટેલીમેડિસિન, મોબાઈલ હેલ્થકેર અને ભારતીય દવાઓની પ્રણાલીઓ વિશે વાત કરવામાં આવી હતી. 2019 સુધીમાં, આયુષ્માન ભારત હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાએ 10.74 કરોડ ગરીબ પરિવારોને આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે. આ સિવાય MBBSની સીટોમાં 18,000 અને PG મેડિકલની સીટોમાં 12,000નો વધારો કરવામાં આવ્યો છે. નવી AIIMSની સ્થાપનાઓ કરવામાં આવી છે.

    2019ના ઘોષણપત્રમાં ભાજપે ફરીથી ટેલીમેડિસિન વિશે વાત કરી. ખાસ કરીને વર્ષ 2020માં જ્યારે કોવિડ-19 મહામારી આવી, ત્યારે આરોગ્ય માળખામાં અચાનક ફેરફાર થયો. ટેલીમેડિસિન એક આવશ્યકતા બની ગઈ હતી. દર્દીઓને ડોકટરો સાથે જોડવા માટે ભારત સરકારે eSanjeevani એપ લોન્ચ કરી હતી. ફેબ્રુઆરી 2023 સુધીમાં એપ પર 10 કરોડ ટેલી-કન્સલ્ટેશન્સ થયા હતા, જેનાથી તે એક મોટી સફળતા બની હતી. તદુપરાંત, જન ઔષધિ કેન્દ્રમાં પરવડે તેવી દવાઓએ આરોગ્ય પરના ખર્ચમાં અસરકારક રીતે ઘટાડો કર્યો, ખાસ કરીને ગરીબ પરિવારો માટે. 31 જાન્યુઆરી, 2024 સુધી દેશમાં 10,607 જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે. આ દુકાનોમાં લગભગ 1,965 દવાઓ અને 293 સર્જિકલ વસ્તુઓ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે.

    ન્યાયિક સુધારણા

    2014 અને 2019ના બંને મેનિફેસ્ટોમાં ભાજપે ન્યાયિક સુધારાની વાત કરી હતી. 2014માં, તેણે ન્યાય વિતરણને સરળ, ઝડપી અને વધુ અસરકારક બનાવવા માટે ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારો કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. 2019માં, તેણે પ્રક્રિયાગત કાયદાના સરળીકરણ તરફ કામ કરવાનું વચન આપ્યું હતું.

    ભારત સરકારે બ્રિટિશ યુગના IPC, CrPC અને એવિડન્સ એક્ટને બદલે નવા ફોજદારી કાયદાઓ રજૂ કર્યા છે. તે 1 જુલાઈ, 2024ના રોજ વર્તમાન સિસ્ટમને બદલી નાંખશે. ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્વિતીય) અને ભારતીય સાક્ષ્ય સંહિતા (દ્વિતીય) ઇન્ડિયન પીનલ કોડ 1860, કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) 1973, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 1872ની જગ્યા નવી સંહિતાઓ લેશે.

    ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયક તરીકે 11 ઓગસ્ટ, 2023 ના રોજ લોકસભામાં ત્રણ બિલો પ્રથમવાર રજૂ કરવામાં આવ્યા હતા. તેમને વધુ તપાસ માટે બૃજલાલની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવ્યા હતા. 21 ડિસેમ્બરે રાજ્યસભામાં પસાર થયા પહેલાં તેને 20 ડિસેમ્બરે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. 25 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંમતિ મળ્યા બાદ ત્રણ નવા ક્રિમિનલ કોડ બિલ કાયદો બન્યા હતા. બ્રિટિશ યુગના કાયદાઓમાંથી ભારતને છુટકારો મેળવતા 75 વર્ષ લાગ્યા. કાયદા વિશે વધુ માહિતી અહીં ચકાસી શકાય છે.

    નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA

    ભાજપે તેના 2019ના ઘોષણાપત્રમાં નાગરિકતા સંશોધન બિલ લાવવાનું વચન આપ્યું હતું. મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું કે, “અમે ઉત્પીડનથી બચનારા પાડોશી દેશોના અલ્પસંખ્યક સમુદાયોના વ્યક્તિઓની સુરક્ષા માટે નાગરિક સંશોધન વિધેયક લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” સાથે કહેવાયું હતું કે, “અમે ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તીના તે વર્ગોના મુદ્દાઓને સ્પષ્ટ કરવા માટે તમામ પ્રયાસો કરીશું જેમણે કાયદા વિશે આશંકા વ્યક્ત કરી છે. અમે ઉત્તર-પૂર્વના લોકોની ભાષાકીય, સાંસ્કૃતિક અને સામાજિક ઓળખના રક્ષણ માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. ભારતના પડોશી દેશોમાંથી અત્યાચારથી ભાગી રહેલા હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ અને ખ્રિસ્તીઓને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે.”

    નાગરિકતા સંશોધન બિલ (CAB) પહેલીવાર 15 જુલાઈ 2016ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે 11 ડિસેમ્બર 2019ના રોજ ભાજપ સરકારની રચનાના સાત મહિનાની અંદર લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. નાગરિકતા સંશોધન કાયદો ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળ્યા બાદ અમલમાં આવ્યો હતો. COVID-19 મહામારીના પગલે થયેલા વિરોધને કારણે CAA નિયમોને અધિસૂચિત કરવું શક્ય નહોતું. ભારત સરકાર ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહે વચન આપ્યું હતું કે, CAA નિયમો શક્ય તેટલી વહેલી તકે અધિસૂચિત કરવામાં આવશે. નિયમો આખરે 11 માર્ચ 2024 ના રોજ અધિસૂચિત કરવામાં આવ્યા હતા.

    CAA પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સહિત ભારતના ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના પ્રતાડિત અલ્પસંખ્યકો એટલે કે, હિંદુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી અને જૈનોને ભારતીય નાગરિકતા માટે અરજી કરીને ભારતમાં આશ્રય લેવાની મંજૂરી આપશે. જે લોકો 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારત આવ્યા હતા તેઓ CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરી શકે છે. ત્યાં એક સમર્પિત પોર્ટલ છે જેનો ઉપયોગ તેઓ નાગરિકતા માટે અરજી કરવા માટે કરી શકે છે.

    મહિલા આરક્ષણ

    ભાજપે 2014 અને 2019ના બંને મેનિફેસ્ટોમાં બંધારણીય સુધારા દ્વારા સંસદીય અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનું વચન આપ્યું હતું. 2014ના ઘોષણપત્રમાં જણાવાયું હતું કે, “મહિલા કલ્યાણ અને વિકાસને સરકારમાં તમામ સ્તરે ઉચ્ચ અગ્રતા આપવામાં આવશે અને ભાજપ બંધારણીય સુધારા દ્વારા સંસદીય અને રાજ્ય વિધાનસભાઓમાં 33% અનામત માટે પ્રતિબદ્ધ છે.” 2019ના મેનિફેસ્ટોમાં લખવામાં આવ્યું હતું કે “મહિલાઓના કલ્યાણ અને વિકાસને સરકારમાં તમામ સ્તરે ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે અને ભાજપ બંધારણીય સુધારા દ્વારા સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં 33% અનામત માટે પ્રતિબદ્ધ છે.”

    મહિલા અનામત બિલ 19 સપ્ટેમ્બર 2023ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કાયદા અનુસાર, નીચલા ગૃહ અથવા લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33% બેઠકો. તેમાં SC/ST સમુદાયની મહિલાઓ માટે અનામત બેઠકોનો સમાવેશ થશે. જોકે, તે સંસદમાં પસાર થઈ ગયું હતું, પરંતુ 2024ની ચૂંટણી પર અનામતની કોઈ અસર થઈ નથી. જોકે, તેની અસર 2029ની ચૂંટણી પર પડશે. આ બિલ 2027 પછી અમલમાં આવશે જ્યારે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે અને હાલના મતવિસ્તારોનું ફરીથી નિર્ધારણ કરવામાં આવશે. આમ મોદી સરકારે કરેલા મહત્વના 10 વાયદા પૂર્ણ થયા છે.

    આ રીતે મોદી સરકારે પોતાના મહત્વના 10 વાયદા પૂર્ણ કર્યા છે. એ સિવાય પણ દેશમાં અનેક વિકાસકાર્યોને ગતિ મળી છે. વિદેશનીતિથી લઈને સરકારની જન કલ્યાણની યોજનાઓ સુધીમાં પણ ધરખમ પરિવર્તન આવ્યું છે.

    આ લેખ મૂળ રીતે અંગ્રેજી ભાષામાં અનુરાગ દ્વારા લખવામાં આવ્યો છે. મૂળ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં