લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ વિપક્ષી પાર્ટીઓએ બનાવેલા INDI ગઠબંધનમાં ચાલતા વિખવાદો ખુલીને સામે આવી રહ્યા છે. પહેલાં બંગાળમાં સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ હવે TMC (તૃણમૂલ કોંગ્રેસ) સુપ્રીમો અને બંગાળના CM મમતા બેનર્જીએ કોંગ્રેસને આડે હાથ લેતાં ફરી એક નિવેદન આપ્યું છે. આ વખતે મમતા બેનર્જીએ કોંગ્રેસ પાર્ટી પર શંકા વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ 40 સીટ પણ જીતશે કે કેમ?
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક સભાને સંબોધતા CM મમતા બેનર્જીએ કહ્યું, “કોંગ્રેસની મને ખબર નથી કે તેઓ 300માંથી 40 સીટો પણ જીતશો કે નહિ. આવો અહંકાર શા માટે? તમે બંગાળ આવ્યા, આપણે એક ગઠબંધનમાં છીએ, તમારે અમને જણાવવું જોઈતું હતું. મને પ્રશાસન પાસેથી જાણવા મળ્યું હતું.”
આ સાથે કોંગ્રેસને પડકાર આપતાં હોય તે રીતે TMC નેતા મમતા બેનર્જીએ કોંગ્રેસને વારાણસી બેઠક જીતી બતાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું “જો તમારામાં તાકાત હોય તો વારાણસી બેઠક પર ભારતીય જનતા પાર્ટીને હરાવી બતાવો. તમે ત્યાં પણ હાર્યા છો જ્યાં પહેલાં જીત્યા હતા.” ઉલ્લેખનીય છે કે વારાણસી બેઠક પર સાંસદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. PM મોદી વર્ષ 2014 અને 2019 એમ બે વાર આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને વખત જંગી બહુમતથી જીત્યા હતા. ત્રીજી વખત પણ તેઓ અહીંથી જ ચૂંટણી લડશે તે લગભગ નક્કી છે.
કોંગ્રેસને ઘેરતાં મમતા બેનર્જીએ કહ્યું, “આપણે ઉત્તર પ્રદેશમાં એક નથી, ના તમે રાજસ્થાનમાં જીત્યા છો. જાઓ અને ત્યાં જીતો. હું જોઉં કે તમારામાં કેટલી હિંમત છે. જાઓ અને અલાહાબાદ અને વારાણસીમાં જીતો. જોઈએ કે તમારામાં કેટલી હિંમત છે.” આ ઉપરાંત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કરતાં તેઓએ કહ્યું, કે ‘આજકાલ એક નવી સ્ટાઈલ સામે આવી છે, ફોટોશૂટની. જે લોકો પહેલાં ક્યારેય ચાની લારીએ પર પણ ગયા નથી, તેઓ દેખાડી રહ્યા છે કે તેઓ બીડી વર્કરો સાથે બેઠા છે. આ બધા પ્રવાસી પક્ષીઓ છે.”
#WATCH | Pakur, Jharkhand | On West Bengal CM Mamata Banerjee's statement, Congress General Secretary in-charge Communications, Jairam Ramesh says, "…We will definitely go to Uttar Pradesh. Mamata Banerjee should not have any doubt in her mind. Bharat Jodo Nyay Yatra will be in… pic.twitter.com/oIDCC7LbRm
— ANI (@ANI) February 3, 2024
મમતા બેનર્જીના નિવેદન બાદ કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “અમે UP જઈશું, આ અંગે મમતા બેનર્જીને કોઈ શંકા કરવાની જરૂર નથી. તેઓએ કોંગ્રેસ પાર્ટી માટે ઘણું કહ્યું છે, ત્યારે હું પણ એટલું જ કહેવા માંગીશ કે, તેઓ વારે ઘડીએ કહી રહ્યા છે કે તેઓ INDI ગઠબંધનનો ભાગ છે. અમે પણ તેનો ભાગ છીએ. આપણો સૌનો ધ્યેય એક જ હોવો જોઈએ, અને એ છે ભાજપા સામે લડવું, આરએસએસની વિચારધારા સામે લડવું. રાજ્યસ્તરની રાજનીતિમાં આપણી વચ્ચે જે મતભેદ છે, તેને અલગ રાખવામાં આવે. INDI ગઠબંધન રાષ્ટ્રીયસ્તરે લોકસભા ચૂંટણી માટે છે ના કે વિધાનસભા ચૂંટણી માટે.”