મહારાષ્ટ્રમાં NCP નેતા અજિત પવારે (Ajit Pawar) બળવો કરીને સરકારને સમર્થન આપી દીધા બાદ લડાઈ હવે પાર્ટી પર આવીને પહોંચી છે. શરદ પવાર અને અજિત પવાર બંને પાર્ટી પર દાવો માંડી રહ્યા છે. આ જ ક્રમમાં આજે મુંબઈમાં બંને જૂથોએ શક્તિપ્રદર્શન કર્યું હતું. અજિત પવારે બાન્દ્રાની MET કોલેજમાં પાર્ટીના ધારાસભ્યો, સાંસદો, સંગઠનના જિલ્લા પ્રમુખો અને કાર્યકરોની એક બેઠક બોલાવી હતી. બીજી તરફ શરદ પવારે (Sharad Pawar) વ્હાય બી ચવ્હાણ સેન્ટર પર પાર્ટીના તમામ સભ્યોને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું.
બંને પવાર જૂથોએ પાર્ટીના ધારાસભ્યો, સાંસદો અને પાર્ટી કાર્યકરોને મોટી સંખ્યામાં પોતપોતાની બેઠકમાં સામેલ થવા માટે અપીલ કરી હતી. જેને લઈને સવારથી જ બંને ઠેકાણે સમર્થકો એકઠા થવા માંડ્યા હતા. અજિત પવાર સવારે 11 વાગ્યે MET કોલેજ પહોંચ્યા હતા, જ્યાં સમર્થકો સાથે NCPનો ધ્વજ ફરકાવ્યો હતો. તેમની સાથે છગન ભુજબળ, પ્રફુલ પટેલ વગેરે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ જોવા મળ્યા હતા. જ્યારે શરદ પવારની બેઠકમાં તેમનાં પુત્રી અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ, MLA જીતેન્દ્ર આવ્હાડ વગેરે નેતાઓ સામેલ થયા હતા.
અજિત પવાર સાથે વધુ ધારાસભ્યો: રિપોર્ટ્સ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજિત પવાર સાથે વધુ સંખ્યામાં ધારાસભ્યો જોડાયા છે, જ્યારે શરદ પવારની બેઠકમાં MLAની સંખ્યા ઓછી છે. બીજી તરફ અજિત પવારની બેઠકમાં છગન ભુજબળે એલાન કર્યું હતું કે તેમની સાથે 40 કરતાં વધુ MLA અને MLC જોડાયા છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે આમ જ શપથ લઇ લીધા ન હતા અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ચોક્કસ આંકડો જાણી શકાયો નથી પરંતુ રિપોર્ટ્સમાં અજિત પવારની બેઠકમાં 30થી વધુ ધારાસભ્યો પહોંચ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં NCPના 54 ધારાસભ્યો છે.
NCP (Ajit Pawar faction) leader Chhagan Bhujbal says "More than 40 MLAs and MLCs are with us. We have done all the due diligence before taking the oath. We did not take the oath just like that" pic.twitter.com/KkJmlUl8q0
— ANI (@ANI) July 5, 2023
અજિત પવારે અચાનક સરકારને સમર્થન આપી દીધું હતું
રવિવાર (2 જુલાઈ, 2023) સુધી મહારાષ્ટ્રનું રાજકારણ શાંત હતું પરંતુ રવિવારે અચાનક NCP નેતા અજિત પવારે ધારાસભ્યોની એક બેઠક બોલાવીને ચર્ચા કર્યા બાદ રાજભવન જઈને ડેપ્યુટી સીએમ પદના શપથ લઇ લીધા હતા અને સરકારમાં સામેલ થઇ ગયા હતા. તેમની સાથે અન્ય 8 નેતાઓએ મંત્રીપદના શપથ લીધા હતા. જેમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, દિલીપ વલસે પાટીલ વગેરે વરિષ્ઠ NCP નેતાઓનો સમાવેશ થાય છે તો પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ પણ શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.
સરકારને સમર્થન આપ્યા બાદ અજિત પવારે NCP પર દાવો માંડ્યો હતો અને કહ્યું હતું કે તેમની પાસે બહુમતી ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ જ સાચી NCP છે. તેઓ નવી પાર્ટી બનાવશે નહીં અને આ જ નામ અને ચિહ્ન પર ચૂંટણી લડશે તેમ કહીને અજિત પવારે NCPની પણ શિવસેનાવાળી કરવાનો સંકેત આપી દીધો હતો. બીજી તરફ શરદ પવારે પણ પોતે જ પાર્ટી અધ્યક્ષ હોવાનું જણાવીને દાવો માંડ્યો હતો. હવે પાર્ટી માટેની લડાઈ વચ્ચે બંને NCP જૂથોએ આજે શક્તિપ્રદર્શન કર્યું છે.