Friday, September 20, 2024
More
    હોમપેજદેશ‘અનામત વિરોધી છે કોંગ્રેસ, તેના નાટકથી સતર્ક રહો’: આરક્ષણ ખતમ કરવાની વાત...

    ‘અનામત વિરોધી છે કોંગ્રેસ, તેના નાટકથી સતર્ક રહો’: આરક્ષણ ખતમ કરવાની વાત કરતાં રાહુલ ગાંધી ઘેરાયા, ચિરાગ પાસવાન, માયાવતી સહિતના દલિત નેતાઓના તીખા પ્રહાર

    ચિરાગ પાસવાને કહ્યું કે, "આજે રાહુલ ગાંધીના નિવેદને કોંગ્રેસ પાર્ટીની માનસિકતા છતી કરી દીધી છે. કોંગ્રેસ ઇચ્છે છે અને તેમની પ્રાથમિકતાઓમાંની એક તે પણ રહી છે કે, બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી દ્વારા આપવામાં આવેલ અનામત નાબૂદ કરવામાં આવે.”

    - Advertisement -

    કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વર્તમાનમાં અમેરિકા પ્રવાસ પર છે અને જાહેર સંબોધન દરમિયાન વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. પહેલાં ભાજપ, RSS, શીખ ધર્મ અને હવે અનામત પર નિવેદન આપી તેમણે વિવાદ ઉભો કર્યો છે. ત્યારે આ મામલે કેન્દ્રીય મંત્રી અને ‘લોક જનશક્તિ પાર્ટી’ (LJP) (રામવિલાસ) અધ્યક્ષ ચિરાગ પાસવાને (Chirag Paswan) તીખો પ્રતિસાદ આપ્યો હતો. બીજી તરફ બહુજન સમાજ પાર્ટીના (BSP) અધ્યક્ષ માયાવતી (Mayawati) પણ રાહુલથી દલિતોને ચેતવતા જોવા મળ્યા હતા.

    રાહુલ ગાંધીને અમેરિકાની એક યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ દ્વારા અનામત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જાતિના આધાર પર દેશમાં ક્યાં સુધી અનામત લાગુ રહેશે. ત્યારે આ પ્રશ્નનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “કોંગ્રેસ ત્યારે અનામત ખતમ કરવાનું વિચારશે જયારે દેશમાં નિષ્પક્ષતા હશે. વર્તમાનમાં દેશમાં આવી સ્થિતિ નથી.” ત્યારે આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને માયાવતી બંને નેતાઓ ભડકી ઉઠ્યા હતા.

    ‘અનામત સમાપ્ત કરવાનું તો શું તે વિશે વિચારવું પણ અપરાધ’- ચિરાગ પાસવાન

    ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા માધ્યમ X પર રાહુલને જવાબ આપતા કહ્યું હતું કે, “અનામત સમાપ્ત કરવાનું ભૂલી જાઓ, તેના વિશે વિચારવું પણ ગુનો છે, રાહુલ ગાંધીજી!” તેમણે આગળ કહ્યું કે, “આજે રાહુલ ગાંધીના નિવેદને કોંગ્રેસ પાર્ટીની માનસિકતા છતી કરી દીધી છે. કોંગ્રેસ ઇચ્છે છે અને તેમની પ્રાથમિકતાઓમાંની એક તે પણ રહી છે કે, બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી દ્વારા આપવામાં આવેલ અનામત નાબૂદ કરવામાં આવે.”

    - Advertisement -

    આગળ ચિરાગે અનામત માટે વિશ્વાસ આપતા કહ્યું હતું કે, “બંધારણીય વ્યવસ્થાની સુચારૂ કામગીરી કરવા માટે અનામત જરૂરી છે. આવી સ્થિતિમાં અનામત નાબૂદીની વાત તો છોડો, એ જોગવાઈ સાથે ચેડા કરવાનું કોઈ વિચારી પણ ન શકે. હું ખાતરી આપું છું કે જ્યાં સુધી હું અને મારી પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) છે ત્યાં સુધી અનામત કે બંધારણને કોઈ ખતરો નથી.”

    અનાતમ નાબુદ કરવાની માનસિકતા કોંગ્રેસની…

    કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે એમ કહેતા તેમણે આગળ કહ્યું કે, “અનામતનો મુદ્દો કોંગ્રેસનું ચૂંટણી સ્લોગન છે, જેનાથી આપણે સૌએ સાવચેત રહેવાની જરૂર છે. કેન્દ્રમાં લાંબા સમયથી સત્તામાં હોવા છતાં કોંગ્રેસ ન તો જાતિગત ગણના કરાવી શકી કે ન તો ઓબીસી અનામતનો અમલ કરી શકી. આના પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસની વિચારધારા શરૂઆતથી જ અનામત વિરોધી રહી છે.”

    તેમણે કહ્યું કે, અનામત નાબુદ કરવાની માનસિકતા કોંગ્રેસની છે, પણ તે આ માટે બીજાઓ પર દોષારોપણ કરે છે. આગળ તેમણે કહ્યું કે, “બંને ગઠબંધન વચ્ચે શું ફરક છે કે એક તરફ વિપક્ષી નેતાઓ અનામત ખતમ કરવાનું વિચારી રહ્યા છે અને બીજી તરફ NDAના નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અનામતની તમામ જોગવાઈઓને એ જ સ્વરૂપમાં લાગુ રાખવા માટે કટિબદ્ધ છે.”

    કોંગ્રેસ અનામત બચાવવાના નાટક કરે છે

    આ અંગે BSP અધ્યક્ષ માયાવતી પણ મેદાને ઉતર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “કેન્દ્રમાં લાંબા સમય સુધી સત્તામાં રહીને પણ કોંગ્રેસ પાર્ટીની સરકાર ઓબીસી આરક્ષણનો અમલ ના કરી શકી અને ના જાતિગત ગણના કરાવી શકી. આ પાર્ટી હવે તેની આડમાં સત્તામાં આવવાના સપના જોઈ રહી છે. તેમના નાટકથી વાકેફ રહો તે ક્યારેય જાતિગત જનગણના કરાવી શકશે નહીં.”

    તેમણે આગળ કહ્યું કે, “હવે કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા શ્રી રાહુલ ગાંધીના આ નાટકથી સચેત રહો, જેમાં તેમણે વિદેશમાં કહ્યું છે કે જ્યારે ભારત વધુ સારી સ્થિતિમાં હશે ત્યારે અમે SC, ST, OBCની અનામત નાબુદ કરી નાખીશું. આનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ વર્ષોથી અનામત નાબુદ કરવાનું ષડ્યંત્ર કરી રહી છે.”

    માયાવતીએ કહ્યું કે, લોકો આ પાર્ટીથી વાકેફ હોવા જોઈએ, જે બંધારણ અને અનામતને બચાવવાનું નાટક કરે છે, જ્યારે વાસ્તવમાં કોંગ્રેસ શરૂઆતથી જ અનામત વિરોધી વિચારસરણી ધરાવે છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ઉલ્લેખ કરીને પણ કોંગ્રેસથી લોકોને સાવધાન રહેવા સૂચવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ આગાઉ પણ રાહુલ RSS વિરોધી નિવેદન માટે ઘેરાયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં