દિલ્હીના મુખ્યમંત્રી છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી જેલમાં બંધ છે, પરંતુ તેમણે રાજીનામું આપ્યું નથી અને સરકાર ચાલી રહી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી સરકારની ખામીઓ પણ એક પછી એક બહાર આવી રહી છે. તાજેતરમાં એક RTI દ્વારા જાણવા મળ્યું કે કેજરીવાલ શાસિત દિલ્હી સરકારે 2021 પછી નોકરીઓ જ આપી નથી. RTI એક્ટિવિસ્ટ વિવેક પાંડેએ કરેલી એક RTIના જવાબમાં આ બાબત જાણવા મળી.
RTIના જવાબ અનુસાર, 2020માં દિલ્હી સરકારના રોજગાર વિભાગના ‘એમ્પ્લોયમેન્ટ પોર્ટલ’ પરથી માત્ર 28 નોકરીઓ પૂરી પાડવામાં આવી હતી. ત્યારથી લઈને આજદીન સુધી નોકરી વાંચ્છુકોને કોઇ રોજગારની તક પૂરી પાડવામાં આવી નથી.
આ RTI જવાબની સરખામણી વિવેક પાંડે દ્વારા 2022માં કરવામાં આવેલી અન્ય એક RTIના જવાબ સાથે કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, કેજરીવાલ સરકારે 2015માં 176 નોકરીઓ, 2016માં 102 નોકરી, 2017માં 66 નોકરીઓ, 2018માં 68 નોકરીઓ અને 2019માં 0 નોકરીઓ પૂરી પાડી છે.
જેથી છેલ્લાં 9 વર્ષમાં એમ્પ્લોયમેન્ટ પોર્ટલ દ્વારા આપવામાં આવેલી કુલ નોકરીઓની વાત કરવામાં આવે તો આ આંકડો માત્ર થાય છે 440. જ્યારે આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 12 લાખ નોકરીઓ પૂરી પાડવામાં આવી હોવાના દાવા કરતા રહે છે. દિલ્હી સરકારના એમ્પ્લોયમેન્ટ પોર્ટલ અનુસાર, કેજરીવાલ સરકાર દ્વારા લૉન્ચ કરવામાં આવેલા આ પ્લેટફોર્મ પર કુલ 16.22 લાખ નોકરી વાંચ્છુકોએ નોંધણી કરાવી છે.
કેજરીવાલ સરકારના 12 લાખ યુવાનોને નોકરી આપવાના દાવાને ગત વર્ષે એપ્રિલ મહિનામાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ પણ પડકાર્યો હતો. એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, “કેજરીવાલ કહે છે કે તેમની સરકારે 12 લાખ નોકરીઓ આપી છે. તેઓ 7 વર્ષમાં આટલી નોકરીઓ કઈ રીતે આપી શકે, જ્યારે દિલ્હીમાં માત્ર 1.5 લાખ જ જગ્યા ખાલી છે.
એપ્રિલ, 2023માં ભાજપ નેતા મનોજ તિવારીએ પણ આ મુદ્દે કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “કેજરીવાલ ખોટા છે અને આ દેશમાં સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. 12 લાખ નોકરીઓ આપી હોવાનું સાંભળવામાં સારું લાગે તેમ છે, પરંતુ તેમની જ સરકારે RTIના જવાબમાં આપેલી માહિતી અનુસાર તે ખોટું ઠરે છે.”
તે સમયે આમ આદમી પાર્ટીએ એવું કહીને બચાવ કર્યો હતો કે RTIમાં આપવામાં આવેલો જવાબ એમ્પ્લોયમેન્ટ પોર્ટલના ડેટા પૂરતો સીમિત હતો અને સંપૂર્ણ ડેટા નથી. પાર્ટીએ કહ્યું હતું કે, “જો ભાજપ નેતાઓ ભણેલા હોત તો તેમણે આ પ્રકારનાં હાસ્યાસ્પદ નિવેદન આપીને ફજેતી ન કારવી હોત. તેઓ દિલ્હી સરકારના એમ્પ્લોયમેન્ટ ડિરેક્ટોરેટના જવાબને ટાંકી રહ્યા છે, જે જણાવે છે કે તે નોકરીના સરકારી કે રાજ્યભરના આંકડા આપતું નથી.”
આગળ કહ્યું હતું કે, “દિલ્હીની બસમાં જે બસ માર્શલ મૂકવામાં આવ્યા તે 1300થી વધુ છે. દિલ્હી સરકારે વિધાનસભામાં 12 લાખ નોકરીઓ વિશે વિગતવાર જાણકારી આપી છે, જેમાંથી સરકારમાં 2 લાખ નોકરીઓ સામેલ છે.”