રવિવારે (11 જૂન, 2023) કર્ણાટકમાં નવી ચૂંટાયેલી કોંગ્રેસ સરકારે રાજ્યમાં મહિલાઓ માટે ફ્રી બસ સર્વિસ શરૂ કરી હતી. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ પોતપોતાના મતવિસ્તારોમાંથી આ સેવાઓ શરૂ કરાવી હતી. દરમ્યાન પાર્ટીનાં મહિલા ધારાસભ્ય રૂપકલા પણ આ ફ્રી બસ સર્વિસ શરૂ કરાવવા પહોંચ્યાં હતાં. અહીં તેઓ પોતે બસની ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયાં હતાં. પણ પછી એવા લોચા માર્યા કે નાનકડું નુકસાન થઇ ગયું હતું.
कर्नाटक में महिलाओं के लिए फ्री बस सर्विस शुरु: कांग्रेस MLA रूपकला ने खुद बस चलाई, गलती से बैक गियर लगाया, पार्किंग की गाड़ियां क्षतिग्रस्तhttps://t.co/qLcLRoEwQt #Karnataka pic.twitter.com/DmUq49pS7v
— Dainik Bhaskar (@DainikBhaskar) June 12, 2023
કર્ણાટકમાં ફ્રી બસ સેવા શરૂ કરાવ્યા બાદ અન્ય મહિલાઓને બેસાડીને પોતે બસની ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયેલાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય રૂપકલાએ ભૂલથી રિવર્સ ગિયર લગાવી દીધો હતો, જેના કારણે બસ આગળ વધવાની જગ્યાએ પાછળ જવા માંડી અને પાછળ પાર્ક કરવામાં આવેલાં વાહનોમાં જઈને અથડાઈ હતી. જોકે, તેમની પાછળ જ ઉભેલા બસના ડ્રાઈવરે તરત સ્ટિયરિંગ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને બસ અટકાવી દીધી હતી.
કોંગ્રેસી ધારાસભ્ય પાસે બસ ચલાવવાનું કોઈ લાયસન્સ હતું કે પછી તેઓ આમ જ હંકારી રહ્યાં હતાં, તેની કોઈ જાણકારી મળી શકી નથી.
કોંગ્રેસે ચૂંટણી પહેલાં વાયદો કર્યો હતો કે તેઓ સત્તામાં આવશે તો ‘શક્તિ’ યોજના હેઠળ સરકાર સંચાલિત બસમાં મહિલાઓને મફત બસ સવારી પૂરી પાડશે. સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને પરિવહન મંત્રી રામાલિંગા રેડ્ડીએ આ યોજના લૉન્ચ કરી હતી અને અમુક લાભાર્થીઓને સ્માર્ટકાર્ડ આપ્યા હતા. જોકે, આ માત્ર પ્રતિકૃતિ હતી અને સરકારનું કહેવું છે કે આગામી 3 મહિનામાં સાચા કાર્ડ જારી કરવામાં આવશે.
જે-તે બસના કંડક્ટરે મહિલાઓને ફ્રી ટિકિટ ઇસ્યૂ કરવાની રહેશે. જોકે, સોશિયલ મીડિયા પર લોકો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે આ યોજના દિલ્હીની જેમ જ કર્ણાટકમાં પણ મહિલાઓ માટે સમસ્યાઓ સર્જી શકે છે, જ્યાં બસના કંડક્ટરો ભાડું ન આપતી હોવાના કારણે મહિલાઓને બેસાડવામાં આનાકાની કરતા હોય છે. તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં દિલ્હીમાં મહિલા મુસાફરો માટે બસ રોકવામાં આવી ન હતી. પછીથી કંડક્ટર વિરુદ્ધ કાર્યવાહી પણ થઇ હતી.
કર્ણાટક ચૂંટણી ગત મે મહિનામાં યોજાઈ હતી, જેમાં કોંગ્રેસે 135 બેઠકો સાથે જીત મેળવીને સરકાર બનાવી હતી. ભાજપને આ ચૂંટણીમાં 66 બેઠકો મળી હતી.