મુંબઈ ખાતે શુક્રવારે (1 સપ્ટેમ્બર, 2023) વિપક્ષી પાર્ટીઓના ઝુંડ I.N.D.I.A.ની બેઠક મળી હતી. જેમાં લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ જોડાયા. આ દરમિયાન કપિલ સિબ્બલ પર પહોંચી ગયા. હાલ તેઓ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટી તરફથી સાંસદ છે. તેઓ ‘બિન બુલાયે મહેમાન’ તરીકે ત્યાં આવ્યા અને પછી સીધા જ સ્ટેજ પર પહોંચ્યા. તેમની હાજરી ઘણા કોંગ્રેસી નેતાઓને કઠી અને પછીથી અન્ય નેતાઓ પણ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, કપિલ સિબ્બલ જ્યારે સ્ટેજ પર પહોંચ્યા તે સમયે કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ઉદ્ધવ ઠાકરેને ફરિયાદ કરી હતી. જોકે, ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં મુખ્ય યજમાન હોવાથી તેમણે વેણુગોપાલને તે બાબતને ગંભીરતાથી ન લેવાની સલાહ આપી હતી. તે દરમિયાન અખિલેશ યાદવ અને ફારૂક અબ્દુલ્લાએ આ મામલો સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે શક્ય થયું નહીં. ત્યારબાદ રાહુલ ગાંધીને વિષયની જાણ થઇ હતી. જોકે તેમને કપિલ સિબ્બલના હાજર રહેવાથી કોઈ વાંધો ન હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંચ પર ફોટો પડાવતી વખતે સિબ્બલ છેલ્લે ઉભેલા નજરે પડ્યા હતા. ત્યારે ઉદ્ધવ ઠાકરેની એક બાજુ સોનિયા ગાંધી અને બીજી બાજુ મલ્લિકાર્જુન ખડગે ઉભેલા જોવા મળ્યા હતા.
ઘણા અગત્યના કેસમાં સિબ્બલ રાહુલ-સોનિયા-કોંગ્રેસના વકીલ
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી અને સોનિયા વિરુદ્ધ અનેક કેસ ચાલી રહ્યા છે. જેમાંથી મોટાભાગના કેસમાં કપિલ સિબ્બલ જ વકીલ છે. આ ઉપરાંત અનેક કેસમાં તેઓ કોંગ્રેસ પાર્ટી તરફથી પણ લડી ચૂક્યા છે. કોંગ્રેસમાં બહુ લાંબો સમય સુધી તેઓ સક્રિય રહ્યા અને યુપીની સરકારોમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. જોકે, ગયા વર્ષે તેમને રાજ્યસભાની બેઠક ન મળતાં પાર્ટીથી અંતર બનાવવાનું શરૂ કરી દીધું હતું. આખરે 2022માં તેઓ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા. સમાજવાદી પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. હાલ તેઓ રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ છે.
I.N.D.I.A ગઠબંધનની વાત કરવામાં આવે તો દેશની લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓએ સાથે મળીને તેની રચના કરી છે. જેની એક બેઠક અગાઉ યોજાઈ ગઈ અને બીજી બેઠક હાલ મુંબઈમાં યોજાઈ રહી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવવા માટે જેઓ ભૂતકાળમાં સામસામે લડ્યા હતા તેવા નેતાઓ એક થઇ રહ્યા છે પરંતુ તેમ છતાં ફાવટ આવતી જણાઈ રહી નથી.