Thursday, May 2, 2024
More
    હોમપેજસ્પેશ્યલ1 વર્ષ, 10 કાર્યક્રમો, લાખો લોકોને નોકરી….. PM મોદીએ શરૂ કરાવેલા રોજગાર...

    1 વર્ષ, 10 કાર્યક્રમો, લાખો લોકોને નોકરી….. PM મોદીએ શરૂ કરાવેલા રોજગાર મેળા દેશના યુવાનોને કેટલા ફળ્યા?- એક નજર

    મોદી સરકાર યુવાનો વિશે ન વિચારતી હોવાની વિપક્ષી પાર્ટીઓની વાતોમાં કેટલું સત્ય? 1 વર્ષમાં લાખો યુવાનોને નોકરી મળી, દર મેળામાં હજારોને નિયુક્તિ પત્રો સોંપાયા.

    - Advertisement -

    નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી વિપક્ષી પાર્ટીઓ અમુક મુદ્દાને લઈને તેમને કાયમ ઘેરતી રહે છે. બેરોજગારી આવો જ એક મુદ્દો છે, જેને લઈને કોંગ્રેસ સહિતની પાર્ટીઓ કાયમ સરકાર પર આરોપો લગાવતી રહે છે. આ પાર્ટીઓ કાયમ મોદી સરકાર પર યુવાનોને નોકરીના વાયદા આપીને સત્તામાં આવ્યા બાદ તે પૂર્ણ ન કરવા અને તેમનાં ભવિષ્ય સાથે ખિલવાડ કરવાના આક્ષેપો કરતી રહે છે. દેશમાં કોઇ પણ મુદ્દે ચર્ચા ચાલતી હોય તેમાં વિરોધીઓ બેરોજગારીનો મુદ્દો કાયમ લઇ આવે છે.

    વિપક્ષી પાર્ટીઓએ ભેગી થઈને I.N.D.I ગઠબંધન નામનું એક ઝુંડ બનાવ્યું છે, તે પણ કાયમ આ મુદ્દે ઘોંઘાટ કરતું રહે છે. પીએમ મોદી એક તરફ યુવાનો માટે નવી તકો પૂરી પાડવાની, તેમનાં સપનાં પૂરાં કરવા માટે નવા વિકલ્પો શોધવાની વાત કરતા રહે છે ત્યાં બીજી તરફ કોઇ આધાર-પુરાવા વગર વિરોધી પાર્ટીઓ તેમની ઉપર આ બેરોજગારીના આરોપો માથે મારતી રહે છે. આવું ઘણાં વર્ષોથી ચાલતું આવ્યું છે. પરંતુ એ નોંધવું ખૂબ જરૂરી છે કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં સરકાર કાયમ આ મુદ્દે ચિંતિત અને સક્રિય રહી છે અને જે-જે, જ્યાં-જ્યાં વાયદાઓ કર્યા છે તેને પૂર્ણ કરવા માટે પૂરેપૂરું જોર લગાવ્યું છે. જેમાંથી રોજગાર ક્ષેત્ર પણ બાકાત નથી અને આ જ વાયદાઓ પૂર્ણ કરવા માટેનું એક અગત્યનું પગલું છે- રોજગાર મેળા.

    શનિવારે (28 ઓક્ટોબર, 2023) દેશભરમાં રોજગાર મેળાનું આયોજન થયું. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 હજારથી વધુ યુવાનોને નિયુક્તિ પત્ર અર્પણ કર્યા. આ મેળાઓ રોજગાર પૂરો પાડવાની PM મોદીની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાય છે. 51 હજારથી વધુ યુવાનોને તેમની મહેનતના ફળ સ્વરૂપે નિયુકતી પત્ર એનાયત કરવામાં આવ્યા એટલું જ નહીં, હમણાં સુધીમાં આવા 9 રોજગાર મેળા સફળતાપૂર્વક સંપન્ન થયા છે. જ્યારે આ તેમનું 10મુ સંસ્કરણ ગણાય છે. PM મોદીએ તમામ યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કર્યા બાદ સંબોધન પણ આપ્યું હતું.

    - Advertisement -

    PM મોદીએ 28 ઓકટોબર, 2023 (શનિવાર)ના રોજ બપોરના 1 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 10માં રોજગાર મેળાનો શુભારંભ કર્યો અને યુવાનોને નિયુક્તિ પત્ર સોંપ્યા. રોજગાર મેળો દેશભરમાં 37 સ્થળોએ આયોજિત કરવામાં આવ્યો હતો. આ રોજગાર મેળાના માધ્યમથી 51,000 યુવાનોને કેન્દ્ર સરકારની સાથે-સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ રોજગારી મળશે.

    રોજગાર મેળો દેશના અલગ-અલગ એવા 36 સ્થળો પર આયોજિત કરવામાં આવ્યો હતો. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ભરતી થઈ રહી છે. દેશભરમાંથી નવી ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારો રેલ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સહિત વિવિધ મંત્રાલયો તથા વિભાગોમાં પોતાની ફરજ બજાવશે.

    દેશમાં લાખો યુવાનોને મળી છે રોજગારી

    વિપક્ષી પાર્ટીઓ હમેશાંથી મોદી સરકાર પર આરોપ લગાવતી આવી છે કે દેશમાં યુવાનોને પૂરતી રોજગારી નથી મળી રહી. પરંતુ PM મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકાર સતત રોજગારીના ક્ષેત્રે આગળ વધતી રહી છે. છેલ્લા એક જ વર્ષની વાત કરવામાં આવે તો લાખો યુવાનોને રોજગારી મળી છે. તેમ છતાં વિપક્ષો રોજગારીના રોદણાં રડ્યા કરે છે. કેન્દ્ર સરકાર સતત આ ક્ષેત્રે કાર્યરત છે. તેના કાર્યોનું પરિણામ પણ રોજગાર મેળાના આંકડાઓ દ્વારા જોઈ શકાય છે.

    PM નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર, 2022માં 10 લાખ યુવાનોને રોજગારી આપવાના ધ્યેય સાથે રોજગાર મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આજે એક વર્ષ બાદ આંકડાઓ જોઈએ તો જાણવા મળે છે કે આ વર્ષમાં રોજગાર મેળો લાખો યુવાનોને ફળ્યો છે. રોજગાર મેળાનાં પરિણામો વિશે ચર્ચા કરવામાં આવે તો મોદી સરકારનું લાખો યુવાનોને રોજગારી પૂરી પાડવાનું લક્ષ્ય પૂર્ણ થતું જોઈ શકાય છે. દેશના યુવાનોના ભવિષ્યમાં પરિવર્તન આવ્યું છે. દેશભરમાં વર્ષ 2022થી વર્ષ 2023 સુધીમાં 10 રોજગાર મેળા યોજાયા છે. જેમાં દેશના લાખો યુવાનોને સરકારી વિભાગમાં રોજગારી પૂરી પાડવામાં આવી છે. આપણે એક વર્ષ દરમિયાન થયેલા તમામ રોજગાર મેળા વિશેની માહિતી મેળવીશું અને જાણીશું કે રોજગાર મેળાના મિશનથી કેટલા યુવાનો રોજગાર મેળવી શક્યા.

    વર્ષ 2022થી વર્ષ 2023 સુધીમાં યોજાયા છે 10 રોજગાર મેળાઓ

    આગળ જોયું તેમ વર્ષ 2022થી વર્ષ 2023 સુધીમાં 10 રોજગાર મેળા યોજાયા છે. દેશભરમાં અલગ-અલગ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લાખો નવનિયુક્ત યુવાનોને નિયુક્તિ પત્રો એનાયત કર્યા છે. 22 ઓકટોબર, 2022ના રોજ વડાપ્રધાન મોદીએ રોજગાર મેળાના પ્રથમ તબક્કાની શરૂઆત કરી હતી. ત્યારે PM મોદીએ કહ્યું હતું કે, આપણું લક્ષ્ય 2023ના અંત સુધીમાં દેશના યુવાનોને 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું છે.

    રોજગાર મેળા એ રોજગારીના સર્જન પર મહત્તમ ભાર આપવાના વડાપ્રધાનના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં કરવામાં આવેલી એક પહેલ છે. જેનો ઉદ્દેશ્ય રોજગારીમાં વૃદ્ધિ અને યુવા સશક્તિકરણ સાથે રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભાગીદારી માટે સાર્થક અવસરો સર્જવાનો છે. આ કાર્યક્રમમાં યુવાનોને સરકારી નોકરી માટે નિયુક્તિ પત્રો સોંપવામાં આવે છે, જેઓ પછીથી વિવિધ રાજ્ય અને કેન્દ્ર સરકારોના વિભાગોમાં નિમણૂક પામે છે. 

    22 ઓકટોબર, 2022ના રોજ યોજાયો હતો પહેલો રોજગાર મેળો

    PM નરેન્દ્ર મોદીએ 22 ઓકટોબર, 2022ના રોજ પહેલા રોજગાર મેળાનો શુભારંભ કર્યો હતો. તેમણે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લગભગ 75,000 ઉમેદવારોને વિભિન્ન સરકારી નોકરી માટેના નિયુક્તિ પત્ર એનાયત કર્યા હતા. આ રોજગાર મેળામાં પસંદગી પામેલા યુવાનોએ ભારત સરકાર હેઠળના 38 મંત્રાલય અને વિભાગોમાં ફરજ સોંપવામાં આવી હતી. આ રોજગાર મેળો દેશના અન્ય પણ ઘણા સ્થળોએ યોજવામાં આવ્યો હતો.

    પસંદી પામેલા યુવાનોને સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ પર્સનલ, સબ-ઇન્સ્પેકટર, કોન્સ્ટેબલ, LDC, સ્ટેનો PA, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેકટર, MTS તરીકે ફરજ સોંપવામાં આવી હતી. આ સિવાય અન્ય પણ ઘણા વિભાગોમાં યુવાનોને ફરજ સોંપવામાં આવી હતી. લગભગ 75,000 યુવાનોને આ રોજગાર મેળા થકી રોજગારી મળી હતી.

    22 નવેમ્બર, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજો રોજગાર મેળો યોજ્યો હતો. જેમાં તેમણે 71,000 નવનિયુક્ત યુવાનોને નિયુક્તિ પત્ર સોંપ્યા હતા. આ રોજગાર મેળામાં દેશભરના 45 સ્થળો પર નિયુક્તિ પત્ર સોંપવામાં આવ્યા હતા. જેમાં અગાઉ ભરેલી જગ્યાઓ સિવાય શિક્ષક, લેક્ચરર, નર્સ, નર્સિંગ ઓફિસર, ડૉક્ટર, ફાર્માસિસ્ટ, રેડિયોગ્રાફર અને અન્ય ટેકનિકલ અને પેરામેડિકલની જગ્યાઓ પણ ભરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)માં મોટી સંખ્યામાં જગ્યાઓ ભરવામાં આવી હતી.

    જાન્યુઆરી, 2023માં યોજાયો હતો ચાલુ વર્ષનો પ્રથમ રોજગાર મેળો

    20 જાન્યુઆરી, 2023ના રોજ ત્રીજો રોજગાર મેળો યોજવામાં આવ્યો હતો. જે ચાલુ વર્ષનો પ્રથમ રોજગાર મેળો હતો. આ રોજગાર મેળા અંતર્ગત પણ PM મોદીએ 71,000 યુવાનોને નિયુક્તિ પત્ર સોંપ્યા હતા. એ ઉપરાંત PM મોદીએ વિડીઓ કોન્ફરન્સિંગના માધ્યમથી યુવાનોને સંબોધિત પણ કર્યા હતા.

    દેશભરમાંથી પસંદગી પામેલા યુવાનોને આ રોજગારી મેળા અંતર્ગત જુનિયર એન્જિનિયર, લોકો પાઈલટ, ટેકનિશિયન, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, ગ્રામીણ પોસ્ટ સેવક, ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર, શિક્ષક, નર્સ, ડોક્ટર, સામાજિક સુરક્ષા અધિકારી, પી.એ. ભારત સરકાર હેઠળ MTS. જેવી વિવિધ પોસ્ટ પર તૈનાતી આપવામાં આવી હતી.

    સરકારના અનેક વિભાગમાં અનેક પદો પર કરવામાં આવી ભરતી

    13 એપ્રિલ, 2023ના રોજ ચોથો રોજગાર મેળો યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 71,000 યુવાનોને નિયુક્તિ પત્ર આપ્યા હતા. સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા નવનિયુક્ત કર્મચારીઓને ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સિનિયર કોમર્શિયલ ક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટની જગ્યાઓ આપવામાં આવી હતી. ભારત સરકાર હેઠળના વરિષ્ઠ ડ્રાફ્ટ્સમેન, JE./સુપરવાઈઝર, આસિસ્ટન્ટ પ્રોફેસર, શિક્ષક, ગ્રંથપાલ, નર્સ, પ્રોબેશન ઓફિસર, PA, MTS અને અન્ય જેવી પોસ્ટ્સ પર કામ કરવા માટે સામેલ કરવામાં આવ્યા હતા.

    16 મે, 2023ના રોજ પાંચમા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળા હેઠળ પ્રધાનમંત્રી મોદીએ 71,000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કર્યા હતા. દેશભરમાંથી નવા ભરતી થયેલા યુવાનોને પોસ્ટ ઓફિસ વિભાગ, ભારતીય રેલ્વે, રાજ્ય કક્ષાની મેડિકલ કોલેજ, ફાયર બ્રિગેડ વગેરે વિભાગોમાં નોકરીઓ આપવામાં આવી હતી. નવી નોકરી મેળવનારાઓને ગ્રામીણ પોસ્ટ સેવક, ટપાલ નિરીક્ષક, કોમર્શિયલ અને ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને ટાઇપિસ્ટ, જુનિયર એકાઉન્ટ ક્લાર્કની જગ્યાઓ પર મૂકવામાં આવ્યા હતા.

    આ સિવાય ટ્રેક મેઈન્ટેનર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, લોઅર ડિવિઝન ક્લાર્ક, સબ ડિવિઝનલ ઓફિસર, ટેક્સ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, ઈન્સ્પેક્ટર, નર્સિંગ ઓફિસર, આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર, ફાયર ઓફિસરની જગ્યાઓ પર નોકરીઓ આપવામાં આવી હતી. તે જ સમયે, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, ડિવિઝનલ એકાઉન્ટ ઈન્સ્પેક્ટર, ઓડિટર, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, પ્રિન્સિપાલ, પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ પર મોટી સંખ્યામાં યુવાનોને મૂકવામાં આવ્યા હતા.

    દર મેળામાં હજારો યુવાનોને નિયુક્તિ પત્રો સોંપાયા

    13 જૂન, 2023ના રોજ દેશભરમાં છઠ્ઠા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વડાપ્રધાન મોદીએ 70,000 યુવાનોને નિયુક્તિ પત્ર સોંપ્યા હતા. કેન્દ્ર સરકારના વિભાગો ઉપરાંત, આ નિમણૂક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવી હતી. દેશભરમાં જે નવા નિયુક્ત કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી તેઓ સરકારના વિવિધ વિભાગો જેવા કે નાણાકીય સેવાઓ વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મહેસૂલ વિભાગ, આરોગ્ય મંત્રાલય અને કુટુંબ કલ્યાણ, અણુ ઊર્જા મંત્રાલય, રેલ્વે, ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ અને ગૃહ મંત્રાલય સાથે જોડાયા હતા.

    22 જુલાઈ, 2023ના રોજ દેશના અનેક સ્થળો પર સાતમા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળા અંતર્ગત વડાપ્રધાન મોદીએ 70,000 યુવાનોને નિયુક્તિ પત્ર સોંપ્યા હતા. આ રોજગાર મેળાનું આયોજન દેશના 22થી વધુ રાજ્યોમાં 45 કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું.

    દેશભરમાંથી પસંદ કરાયેલા નવા યુવાનો વિવિધ સરકારી વિભાગોમાં જોડાયા હતા. તેમાં નાણાકીય સેવાઓ વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મહેસૂલ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, અણુ ઉર્જા વિભાગ, રેલવે મંત્રાલય, ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ અને ગૃહ મંત્રાલયનો સમાવેશ થતો હતો.

    ઓગસ્ટ મહિનાની 28 તારીખે દેશભરમા આઠમા રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. આ મેળા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51,000થી વધુ યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કર્યા હતા. આ રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ એકસાથે યોજવામાં આવ્યો હતો.

    આ રોજગાર મેળા દ્વારા કેન્દ્રની મોદી સરકારે સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સીસ માટે કર્મચારીઓની નિમણૂક કરી હતી. જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સશસ્ત્ર સીમા બળ (SSB), આસામ રાઈફલ્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF), ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) અને દિલ્હી પોલીસ વગેરેનો સમાવેશ થતો હતો. આ તમામ સંસ્થાઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. નવા જોડાનારા કર્મચારીઓ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર વગેરે જેવી જનરલ ડ્યુટી અને નોન જનરલ ડ્યુટી કેડર પોસ્ટ પર નિયુક્ત થયા હતા.

    26 સપ્ટેમ્બર, 2023ના રોજ દેશભરમા 45 સ્થળો પર નવમા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ 51,000 જેટલા યુવાનોને નિયુક્તિ પત્ર અર્પણ કર્યા હતા. આ રોજગાર મેળો દેશના અલગ-અલગ એવા 46 સ્થળો પર આયોજિત કરવામાં આવ્યો હતો. દેશભરમાંથી નવી ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારો ભારતીય પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, પરમાણુ ઊર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયો તથા વિભાગોમાં નિયુક્ત કરાયા હતા.

    28 ઓકટોબર, 2023એ યોજાયો દસમો રોજગાર મેળો

    PM મોદીએ 28 ઓકટોબર, 2023 (શનિવાર)ના રોજ બપોરના 1 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 10મા રોજગાર મેળાનો શુભારંભ કર્યો હતો. આ મેળો દેશભરમા 37 સ્થળોએ યોજાયો હતો. જે અંતર્ગત PM મોદીએ 51,000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કર્યા. દેશભરમાંથી નવી ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારો રેલ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સહિત વિવિધ મંત્રાલયો તથા વિભાગોમાં પોતાની ફરજ બજાવશે.

    આ તમામ રોજગાર મેળા દ્વારા અંદાજિત 7 લાખ જેટલા યુવાનોને સંપૂર્ણપણે રોજગારી પૂરી પાડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા રોજગાર મેળા દ્વારા હમણાં સુધી લાખો યુવાનોને રોજગારી મળી છે. એ ઉપરાંત આવનારા સમયમાં પણ રોજગાર મેળા જેવા મિશનો થકી લાખો યુવાનોને રોજગારી મળી પણ શકશે. વર્ષ 2022થી વર્ષ 2023 સુધીમાં 10 રોજગાર મેળા યોજાયા છે અને અંદાજિત 7 લાખ જેટલા યુવાનોને રોજગાળ મેળા થકી નોકરી મળી છે. હજુ પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાવાના ચાલુ રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં