Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ51 હજાર કરતાં વધુ યુવાનોને એકસાથે નિયુક્તિ પત્રો સોંપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી:...

    51 હજાર કરતાં વધુ યુવાનોને એકસાથે નિયુક્તિ પત્રો સોંપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી: દેશનાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળા, જાણો વધુ

    આ રોજગાર મેળા દ્વારા કેન્દ્રની મોદી સરકાર સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સીસ માટે કર્મચારીઓની નિમણૂક કરશે. કાર્યક્રમ દેશનાં 45 સ્થળોએ એકસાથે યોજવામાં આવશે અને વડાપ્રધાન નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (28 ઓગસ્ટ, 2023) વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 51 હજાર લોકોને નિયુક્તિ પત્રો એનાયત કરવાના છે. આ કાર્યક્રમ ‘રોજગાર મેળા’ તરીકે ઓળખાય છે. અત્યાર સુધી આવા સાત ‘રોજગાર મેળા’ યોજાઈ ગયા છે અને આ તેનું આઠમું સંસ્કરણ છે. 

    આ ‘રોજગાર મેળા’ દેશનાં 45 સ્થળોએ એકસાથે યોજવામાં આવશે અને વડાપ્રધાન મોદી નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે. તેઓ 51 હજાર યુવાનોને નિયુક્તિ પત્રો આપશે અને સાથે સંબોધન પણ કરશે. આ સ્થળોમાંથી અમુક સ્થળોએ કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ સામેલ રહેશે. 

    આ રોજગાર મેળા દ્વારા કેન્દ્રની મોદી સરકાર સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સીસ માટે કર્મચારીઓની નિમણૂક કરશે. જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સશસ્ત્ર સીમા બળ (SSB), આસામ રાઈફલ્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF), ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) અને દિલ્હી પોલીસ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. નવા જોડાનારા કર્મચારીઓ કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર વગેરે જેવી જનરલ ડ્યુટી અને નોન જનરલ ડ્યુટી કેડર પોસ્ટ પર નિયુક્ત થશે. 

    - Advertisement -

    ઓક્ટોબર, 2022માં રોજગાર મેળાની શરૂઆત થઇ હતી

    વડાપ્રધાન મોદીએ 22 ઓક્ટોબર, 2022ના રોજ રોજગાર મેળાની શરૂઆત કરાવી હતી. ત્યારથી અત્યાર સુધી કુલ 7 કાર્યક્રમો થઇ ચૂક્યા છે અને દરેક કાર્યક્રમમાં 70 હજારથી વધુ લોકોને નિયુક્તિ પત્ર સોંપવામાં આવી ચૂક્યાં છે. અંતિમ રોજગાર મેળો 22 જુલાઈ, 2023ના રોજ યોજાયો હતો. આ વર્ષે ચાર રોજગાર મેળાનું આયોજન થઇ ચૂક્યું છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, આ પહેલ રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટેના વડાપ્રધાન મોદીના સંકલ્પનું એક ઉદાહરણ છે. 

    22 જુલાઈએ યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આર્થિક ક્ષેત્રે દેશની સતત થઇ રહેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “માત્ર 9 વર્ષમાં ભારત દુનિયાની 10મા ક્રમની અર્થવ્યવસ્થા પરથી પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા બની ગયો છે. આજે દરેક નિષ્ણાત એ કહી રહ્યો છે કે થોડાં જ વર્ષોમાં ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ત્યાં પહોંચવું એ ભારત માટે અસામાન્ય સિદ્ધિ બનશે. એટલે કે દરેક સેક્ટરમાં રોજગારના અવસર પણ વધશે અને સામાન્ય નાગરિકની આવક પણ વધશે.” ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા ત્યારથી જ આર્થિક વિકાસ અને રોજગાર- બંને બાબતોનો ઉલ્લેખ અવારનવાર કરતા રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં