દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ કોંગ્રેસના મોટા નેતાઓ તેમની વિરુદ્ધ અયોગ્ય શબ્દો અને નામો વાપરતા આવ્યા છે, જેમ કે ‘ચા વાળો’ અને ‘મોતનો સોદાગર’ વગેરે. હવે આમાં વધુ એક નામ ઉમેરાયું છે, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, જેમણે એક પ્રેસવાર્તામાં પ્રધાનમંત્રી મોદીને ‘રાવણ’ સાથે સરખાવ્યા છે.
પ્રધાનમંત્રી મોદીને રાજા રાવણની જેમ ‘અભિમાન’ આવી ગયું છે: કોંગ્રેસ નેતા લલિત કગથરા#PMModi #Gujarat #Congress pic.twitter.com/mb6OIy2CZZ
— Zee 24 Kalak (@Zee24Kalak) August 29, 2022
લલિત કગથરા કોંગ્રેસના ટંકારાના ધારાસભ્ય છે અને ગત મહિને જ એમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે. પોતાની એક પ્રેસવાર્તામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અસભ્ય ભાષાનો ઉપયોગ કરીને હાલ તેઓ વિવાદમાં સપડાયા છે.
આગામી 10 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા બંધની એલાન કરવામાં આવ્યું છે. તે વિષયમાં મીડિયા સામે વાત કરતા કગથરાએ આ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ મોદી સાહેબને રાજા રાવણની જેમ અભિમાન ચડી ગયું છે.” આ અભિમાન ઉતારવા માટે સૌને વિનંતી કરતા તેઓ 10 સપ્ટેમ્બરના ભારત બંધમાં જોડાવાની હાકલ કરતા નજરે પડ્યા હતા.
કગથરાએ આ પહેલા કર્યા હતા આ ભાજપ નેતાના વખાણ
થોડા સમય પહેલા જ ગુજરાત સરકારમાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરાયા હતા. રાજ્ય સરકારના 2 સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા હતા. ત્યારે પણ રાજેન્દ્ર ત્રિવેદીના કામકાજને લઈ કોંગ્રેસ નેતાએ તેમના વખાણ કર્યા હતા.
કગથરાએ કહ્યું હતું કે નાયકની જેમ રાજેન્દ્ર ત્રિવેદી કામ કરતા હતા. આ સાથે સરકાર પર કટાક્ષ કર્યો હતો કે “ભાજપને પ્રજાના કામ કરે તેવા પ્રધાનો કે નેતા ગમતા નથી, કમલમનાં ઓર્ડરને ફોલો કરનાર પ્રધાન જ ભાજપને ગમે છે. ભૂતકાળમાં મહેસૂલ વિભાગમાં આવી સારી કામગીરી કોઇએ નથી કરી.”
અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા જ એવા સમાચાર મીડિયામાં વહેતા થયા હતા કે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા અન્ય નેતાઓની સાથે ભાજપમાં જોડાવાના છે. જે બાદ પણ તેમને મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું હતું અને તે વાતને અફવા ગણાવીને ફગાવી દીધી હતી.
રામ પર પ્રશ્ન ઉઠાવનારી કોંગ્રેસના ગુજરાતના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાને લાગે છે નરેન્દ્ર મોદી ‘રાજા રાવણ’ જેવા