લોકસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી (દેસાઈ) ભાજપમાં જોડાયા છે. ગોવાભાઈ રબારી ડીસા માર્કેટયાર્ડ ખાતે જાહેરસભા યોજ્યા બાદ ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ સાથે તેમના પુત્ર સંજય રબારી પણ ભાજપમાં સામેલ થયા હતા. ગોવાભાઈ રબારીની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઈના ભાઈ જગમલભાઈ રબારી, લાખણી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિપક ઓઝા પણ ભાજપમાં જોડાયા હતા.
LIVE: ઉત્તર ગુજરાત બક્ષીપંચ સમાજના આગેવાન તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત | સ્થળ: ડીસા, જિ.બનાસકાંઠા https://t.co/HVDsFKYnYO
— BJP Gujarat (@BJP4Gujarat) June 19, 2023
ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના રાજીનામાંને લઈને કોંગ્રેસને ફટકો લાગ્યો છે. ગોવાભાઈને પક્ષમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.
ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી પરંતુ તેમનો કારમો પરાજય થયો હતો.
સીઆર પાટીલે આવકાર્યા, કહ્યું- ‘લોકસભામાં 26માંથી 26 બેઠકો જીતવાની છે’
ગુજરાતમાં કોંગ્રેસને આજે વધુ એક મોટો ફટકો લાગ્યો. ત્રણ દાયકા કરતાં વધુ સમયથી કોંગ્રેસમાં રહેલા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી આજે ભાજપમાં સામેલ થયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. જે બાદ સંબોધનમાં સીઆર પાટીલે કહ્યું, “ગોવાભાઈએ આવવામાં થોડુ મોડું કર્યું વહેલા આવ્યા હોત તો ક્યાંક સારી જગ્યા બેઠા હોત.”
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું, “વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું પરંતુ એમના કોઈ કામ ના થાય, અનેક કાર્યકર્તાઓના કામ નથી થયા એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. મોદી સાહેબ અને અમિતભાઈ શાહ બંને નેતાઓ ઉત્તર ગુજરાતના છે. કોંગ્રેસ કોઈને હિસાબ નથી આપતી. રાજીવ ગાંધી કહેતા હતા કે હું રૂપિયા મોકલું અહીં માત્ર 5 પૈસા મળે. મોદી સાહેબના ચરણોમાં આપણે બધાએ 156 સીટો આપી. આ વખતે પણ 26માંથી 26 લોકસભાની સીટ જીતાડવાની છે. તમારી તાકાતનો પરચો બતાવવાનો છે.”