મધ્ય પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે સોમવારે (9 ઓક્ટોબર) પ્રેસ કોન્ફરન્સ યોજીને આ તારીખો જાહેર કરી હતી.
પાંચમાંથી ચાર રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થશે. તમામ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓનું એલાન: 4 રાજ્યોમાં 1 તબક્કામાં, છત્તીસગઢમાં 2 તબક્કામાં યોજાશે મતદાન
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 9, 2023
-3 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ #BreakingNews #Elections2023 #MadhyaPradeshElection2023 #RajasthanElection2023 pic.twitter.com/mPGWITNFUt
સૌથી પહેલી ચૂંટણી મિઝોરમમાં યોજવામાં આવશે. મિઝોરમમાં 7 નવેમ્બરના રોજ મતદાન થશે. આ જ દિવસે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. ત્યારબાદ 17 નવેમ્બરના રોજ મધ્ય પ્રદેશમાં મતદાન થશે અને આ જ દિવસે છત્તીસગઢમાં દ્વિતીય તબક્કાનું મતદાન પણ યોજાશે. ત્યારબાદ 23 નવેમ્બરે રાજસ્થાનની ચૂંટણી અને 30 નવેમ્બરના રોજ તેલંગાણામાં ચૂંટણી યોજાશે. ત્યારબાદ 3 ડિસેમ્બરના રોજ એકસાથે પરિણામ ઘોષિત કરવામાં આવશે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પાંચમાંથી મધ્ય પ્રદેશમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો (230) છે. ઉપરાંત, રાજસ્થાનમાં 200 બેઠકો પર, છત્તીસગઢમાં 90 બેઠકો પર, તેલંગાણામાં 119 બેઠકો પર અને મિઝોરમમાં 40 બેઠકો પર ચૂંટણી યોજાશે. હાલ એમપીમાં ભાજપની સરકાર છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ જ્યારે તેલંગાણામાં કેસીઆરની પાર્ટી બીઆરએસ સત્તામાં છે. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર શાસન ચલાવે છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, પાંચમાંથી મિઝોરમનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂર્ણ થઈ રહ્યો છે, જ્યારે બાકીનાં ચાર રાજ્યોમાં સરકારોનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં પૂર્ણ થશે. પાંચ રાજ્યમાં કુલ 679 વિધાનસભા બેઠકો છે. કુલ મતદારોની સંખ્યા 16.14 કરોડ જેટલી થાય છે. જેમાંથી 8.2 કરોડ પુરૂષો અને 7.8 કરોડ મહિલાઓ છે. આ રાજ્યોમાં કુલ 60.2 લાખ વોટરો એવા હશે જેઓ પ્રથમ વખત મતદાન કરશે.
For the upcoming Assembly elections 2023 in five states, 1.77 lakh polling stations will be set up in 679 assembly constituencies: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/VZm8RWZhF9
— ANI (@ANI) October 9, 2023
કુલ 679 વિધાનસભાઓ માટે 1.77 લાખ મતદાન મથકો ઊભાં કરવામાં આવશે. જેમાંથી 1.01 લાખ પોલિંગ સ્ટેશનોમાં વેબકાસ્ટિંગ કરવામાં આવશે. સૌથી વધુ મતદાન મથકો મધ્યપ્રદેશમાં (64,523) હશે. ત્યારબાદ રાજસ્થાનમાં 51,756, તેલંગાણામાં 35,356, છત્તીસગઢમાં 24,109 અને મિરોરમમાં 1,276 મતદાન મથકો સ્થાપવામાં આવશે.
ગત વિધાનસભા ચૂંટણીઓની વાત કરવામાં આવે તો 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જીત મેળવી હતી. જોકે, માર્ચ 2020માં કોંગ્રેસમાં આંતરિક વિખવાદને પગલે અમુક ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતાં સરકાર પડી ભાંગી હતી અને ભાજપે બહુમતી સાથે સરકાર રચી હતી. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ અને તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ જીત મેળવીને સરકાર બનાવી હતી. જોકે, તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું નામ હવે ભારત રાષ્ટ્ર સમિતિ કરી દેવામાં આવ્યું છે.