દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં વારંવાર સમન્સ પાઠવવા છતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ED સામે હાજર ન થતાં હવે એજન્સી ફરી એક વખત કોર્ટ પહોંચી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને સમન્સ પર હાજર ન થવા બદલ કેજરીવાલ સામે કાર્યવાહીની માગ કરી છે. આ મામલે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની કોર્ટ ગુરુવારે (7 માર્ચ, 2024) સુનાવણી હાથ ધરશે.
આ પહેલાં 3 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલે પાંચમી વખત સમન્સ પર હાજરી ન પુરાવતાં એજન્સી કોર્ટ પહોંચી હતી અને CrPCની કલમ 190 અને 200 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે દિલ્હી CMને 17 ફેબ્રુઆરીના રોજ હાજર થવા માટે આદેશ આપ્યો હતો. કેજરીવાલ વિડીયો કોન્ફરસનિંગના માધ્યમથી હાજર થયા હતા, પરંતુ ત્યાં તેમણે કહ્યું હતું કે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરવામાં આવ્યો હોવાના કારણે તેઓ હાજરી આપી શકે તેમ નથી.
બીજી તરફ એજન્સીએ આઠમી વખત સમન પાઠવીને કેજરીવાલને 4 માર્ચના રોજ હાજર થવા માટે જણાવ્યું હતું. પરંતુ તેઓ ત્યારે પણ ગયા ન હતા. ત્યારબાદ એજન્સીને જણાવ્યું હતું કે તેઓ 12 માર્ચના રોજ હાજર થવા માટે તૈયાર છે, પરંતુ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે. પરંતુ હવે એજન્સી કોર્ટ પહોંચી ગઈ છે.
Liquorgate Probe: ED files another complaint in court citing 'Kejriwal's non-compliance'.
— TIMES NOW (@TimesNow) March 6, 2024
ED had earlier filed a complaint against Delhi CM Arvind Kejriwal, stating his non-compliance with three summons of the ED…: @RameyRana1& @bhavatoshsingh shares more details. pic.twitter.com/w18o9wZvx5
આ પહેલાં EDએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કેજરીવાલ પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો. એજન્સીએ કહ્યું હતું કે, “સામાન્ય વ્યક્તિ હોય કે મુખ્યમંત્રી, દરેક વ્યક્તિને કોઇકને કોઇ કામ હોય જ છે પરંતુ સમન્સ જ્યારે પાઠવવામાં આવે ત્યારે જે-તે વ્યક્તિ તેનું પાલન કરવા માટે કાયદાકીય રીતે બંધાયેલા હોય છે. કોઇ મુખ્યમંત્રી હોય તેથી તેમને વ્યસ્તતાનું કારણ ધરીને સમનનું પાલન ન કરવાની સત્તા મળી જતી નથી.
નોંધવું જોઈએ કે આ પહેલાં એજન્સીએ આઠ વખત કેજરીવાલને સમન પાઠવ્યું અને તેઓ એક પણ વખત હાજર થયા નથી. સૌથી પહેલું સમન ઑક્ટોબર અંતમાં પાઠવીને 2 નવેમ્બરના રોજ હાજર થવા માટે પાઠવવામાં આવ્યું હતું, પરંતુ કેજરીવાલ MPમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર કરવા જવાનું હોવાનું બહાનું કાઢી ગયા ન હતા. ત્યારબાદ ક્રમશઃ સમન પાઠવવામાં આવતાં રહ્યાં અને કેજરીવાલ કોઇકને કોઇક બહાને ટાળતા રહ્યા. આખરે હવે એજન્સીએ બીજી વખત કોર્ટમાં જવું પડ્યું છે.