G20 સમિટ પહેલાં પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસ નેતા ડૉ. મનમોહન સિંઘે નરેન્દ્ર મોદી સરકારનાં કામોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, તેઓ દેશના વિકાસ માટે ચિંતિત ઓછા અને આશાવાદી વધુ છે. સાથે રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના વૈશ્વિક મુદ્દાઓમાં મોદી સરકારે લીધેલા સ્ટેન્ડને પણ તેમણે વખાણ્યું હતું અને કહ્યું કે દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે.
પૂર્વ પીએમ મનમોહન સિંઘે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે G20 સમિટ તેમજ વૈશ્વિક માનચિત્ર પર ભારતના વધ કદથી લઈને મોદી સરકારના નેતૃત્વમાં થતાં દેશના આર્થિક વિકાસને લઈને પોતાનો મત રજૂ કર્યો.
G20 સમિટને લઈને તેમણે કહ્યું કે, મને એ વાતનો આનંદ છે કે જીવનમાં ભારતને G20ની અધ્યક્ષતા કરતું અને વૈશ્વિક નેતાઓની યજમાની કરતું જોવાનો લ્હાવો મળ્યો. સાથે કહ્યું કે, વિદેશ નીતિ હંમેશા ભારત માટે એક અગત્યની બાબત રહી છે પરંતુ એમ કહી શકાય કે સ્થાનિક રાજકારણ માટે અગાઉની સરખામણીએ આજે વિદેશ નીતિ વધુ પ્રાસંગિક અને મહત્ત્વપૂર્ણ થઈ ગઈ છે. આગળ તેમણે ઉમેર્યું કે, “રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમી દેશો સાથે ચીનના મતભેદો પછી વૈશ્વિક સમીકરણો બદલાયાં છે અને અને તેમાં ભારતની ભૂમિકા અગત્યની છે. સાથે એમ પણ કહ્યું કે, એક શાંતિપૂર્ણ લોકતંત્ર અને આગળ વધતી અર્થવ્યવસ્થા તરીકે આજે ભારતને વિશ્વમાં અત્યાધિક સન્માન મળી રહ્યું છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના વલણની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, જ્યારે બે કે તેથી વધુ મહાશક્તિઓ વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે અન્ય દેશો પર કોઇ પણ પક્ષ લેવાનું દબાણ હોય છે પરંતુ ભારતે પોતાના સાર્વભૌમિક અને આર્થિક હિતો આગળ રહીને શાંતિની અપીલ કરીને બિલકુલ યોગ્ય કર્યું છે.
ચીન મુદ્દે પીએમ મોદી તમામ જરૂરી પગલાં લેશે તેવો વિશ્વાસ
ઇન્ટરવ્યૂમાં ચીન સાથેના ભારતના સંબંધોને લઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “જટિલ કૂટનીતિક બાબતો સાથે કઈ રીતે કામ પાર પાડવું તેની વડાપ્રધાનને સલાહ આપવી હું યોગ્ય નથી સમજતો. મને આશા અને વિશ્વાસ છે કે વડાપ્રધાન (મોદી) ભારતની સરહદી અને સાર્વભૌમિક અખંડિતતાની રક્ષા કરવા માટે અને દ્વિપક્ષીય તણાવ સમાપ્ત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.”
ભારત એક આર્થિક મહાશક્તિ બની શકે છે
ભારતના આર્થિક વિકાસને લઈને આશા વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું કે, “બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત પાસે અઢળક તકો છે. એક મોટા બજાર અને પૂરતા પ્રમાણમાં માનવ અને પ્રાકૃતિક સંસાધનો સાથે ભારત આવનારા દાયકાઓમાં મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદન પર જોર આપીને દુનિયાની એક આર્થિક મહાશક્તિ બની શકે છે. જેમ-જેમ દુનિયા પર્યાવરણ અનુકૂળ વિકાસ મોડેલમાં પરિવર્તિત થઈ રહી છે તેમ ગ્રીન મોબિલિટી, ખનિજ અને ક્લીન ટેક્નોલોજીસ જેવા અનેક નવા માર્ગો ખુલશે અને તેના માટે ભારતે તૈયાર રહેવું જોઈએ, જેનાથી નાગરિકોને રોજગાર અને સમૃદ્ધિ પ્રદાન કરી શકાશે.”
અંતે તેમણે કહ્યું કે, તેઓ દેશના ભવિષ્ય માટે ચિંતાતુર ઓછા અને આશાવાદી વધુ છે. આગળ કહ્યું કે, “ભારતની સાહજિક વિવિધતાનું હંમેશા સ્વાગત અને સન્માન થવું જોઈએ અને તેને હંમેશા સંરક્ષિત કરવામાં આવવી જોઈએ.”
90 વર્ષીય ડૉ. મનમોહન સિંઘ વર્ષ 2004થી 2014 સુધી UPA સરકારોમાં દેશના વડાપ્રધાન રહ્યા હતા. હાલ તેઓ રાજ્યસભા સાંસદ છે. G20 સમિટ બાદ રાષ્ટ્રપતિ દ્વારા યોજાનાર ડિનર કાર્યક્રમમાં તેમને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ સ્વાસ્થ્યને જોતાં તેઓ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ ઓછી છે. આ ઉપરાંત, તમામ મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ વગેરેને પણ નિમંત્રણ છે. રાજકીય પાર્ટીઓના અધ્યક્ષોને આમંત્રણ અપાયું નથી.