Wednesday, October 16, 2024
More
    હોમપેજરાજકારણ‘તમે મને CM બનાવવા મત આપ્યા હતા પણ રાહુલ-સોનિયાની સલાહ સામે ઝૂકવું...

    ‘તમે મને CM બનાવવા મત આપ્યા હતા પણ રાહુલ-સોનિયાની સલાહ સામે ઝૂકવું પડ્યું’: સીએમ પદને લઈને બોલ્યા ડીકે શિવકુમાર, કહ્યું- હવે ધીરજ રાખીને રાહ જોવી પડશે

    ડેપ્યુટી CM બન્યા બાદ તો ડીકે શિવકુમારે કહ્યું હતું કે તેઓ સીએમ સિદ્ધારમૈયા સાથે મળીને કર્ણાટકના વિકાસમાં સહભાગી થશે પરંતુ હવે તેમણે મુખ્યમંત્રી ન બની શકવાનો અફસોસ જાહેર કરવા માંડ્યો છે.

    - Advertisement -

    તાજેતરમાં ગયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત મળ્યા બાદ કોંગ્રેસ સામે મોટો પ્રશ્ન એ હતો કે મુખ્યમંત્રી કોને બનાવવામાં આવે. પાર્ટી પાસે બે વિકલ્પો હતા- સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર. આખરે પાર્ટીએ પૂર્વ CM સિદ્ધારમૈયા પર પસંદગીનો કળશ ઢોળ્યો તો ડીકે શિવકુમારે ઉપમુખ્યમંત્રીના પદથી સંતોષ માની લેવો પડ્યો હતો. 

    ડેપ્યુટી CM બન્યા બાદ તો ડીકે શિવકુમારે કહ્યું હતું કે તેઓ સીએમ સિદ્ધારમૈયા સાથે મળીને કર્ણાટકના વિકાસમાં સહભાગી થશે પરંતુ હવે તેમણે મુખ્યમંત્રી ન બની શકવાનો અફસોસ જાહેર કરવા માંડ્યો છે. તાજેતરમાં તેઓ પોતાના મતવિસ્તારમાં ગયા હતા, જ્યાં સમર્થકો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, તેમણે તેમને સીએમ બનવા માટે મત આપ્યા હતા પરંતુ તેમણે ગાંધી પરિવાર અને ખડગેની સલાહ સામે ઝૂકી જવું પડ્યું. 

    મતવિસ્તારની મુલાકાતે ગયેલા ડીકે શિવકુમારે સમર્થકોને કહ્યું હતું કે, “તમે મને મુખ્યમંત્રી બનાવવા માટે મોટી સંખ્યામાં મત આપ્યા હતા, પણ શું કરી શકાય? નિર્ણય લેવાય ગયો હતો. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ મને થોડી સલાહ આપી અને મારે મસ્તક નમાવવું પડ્યું. મારે હવે ધીરજ રાખીને રાહ જોવી જોઈએ.” 

    - Advertisement -

    તેમણે તેમના સમર્થકોને આશ્વાસન આપ્યું હતું કે, કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે પોતાને જોવાની તેમની ઈચ્છા અધૂરી નહીં રહે. તેમણે કહ્યું, “મારી જેમ તમારે પણ ધીરજપૂર્વક રાહ જોવી પડશે.”

    ચૂંટણી વખતે ડીકે શિવકુમાર કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ હતા. (હાલ પણ આ જવાબદારી તેમની પાસે જ છે) તેમને કર્ણાટકમાં પાર્ટીના સંકટમોચક માનવામાં આવે છે અને ગાંધી પરિવારના પણ વિશ્વાસુ છે. પાર્ટી તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી અને 135 બેઠકો જીતી હતી. આ જ વાત તેઓ આગળ પણ કરી ચૂક્યા છે. જ્યારે સિદ્ધારમૈયા પણ કર્ણાટકના વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ પૈકીના એક છે. તેઓ વર્ષ 2013થી 2018 સુધી રાજ્યના સીએમ રહી ચૂક્યા હતા. 

    કર્ણાટકના સીએમ પદ માટે આ બંને નેતાઓ વચ્ચે હરીફાઈ હતી. જે માટે દિવસો સુધી દિલ્હીમાં મંથન ચાલ્યું અને આખરે સિદ્ધારમૈયાને સીએમ બનાવી દેવામાં આવ્યા હતા. જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. જોકે, એ પણ નોંધવું જોઈએ કે ડેપ્યુટી સીએમ કોઈ બંધારણીય પદ નથી કે ન તેમની પાસે કોઈ વિશેષ સત્તા હોય છે. પાર્ટીઓ સામાન્ય રીતે નેતાઓને રીઝવવા માટે આ પદ આપતી હોય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં