Friday, October 11, 2024
More
    હોમપેજસ્પેશ્યલકર્ણાટકમાં ભાજપને હરાવીને સત્તા તો મેળવી લીધી, પરંતુ કોંગ્રેસની મુશ્કેલીઓ પર નહીં...

    કર્ણાટકમાં ભાજપને હરાવીને સત્તા તો મેળવી લીધી, પરંતુ કોંગ્રેસની મુશ્કેલીઓ પર નહીં મૂકાય પૂર્ણવિરામ: સામે છે આ એક મોટો પડકાર

    મુખ્યમંત્રી પદ માટે બે મોટા દાવેદારો, પાર્ટી કોની પસંદગી કરશે? કે ફરી એક વખત રાજસ્થાન-એમપી જેવો અખતરો કરશે?

    - Advertisement -

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થઇ ગયાં. પાંચ વર્ષ બાદ કોંગ્રેસે ફરી સત્તામાં વાપસી કરી છે. બીજી તરફ, ભાજપનું પ્રદર્શન સંતોષકારક ન રહ્યું. બાકીના પક્ષોને નહીં નફો-નહીં નુકસાન જેવું થયું છે. કોંગ્રેસ પાર્ટીને કુલ 136 બેઠકો મળી છે, જે બહુમતીના આંકડા 113 કરતાં અનેકગણી વધારે છે. ભાજપને 65 બેઠકો જ્યારે જેડીએસને 19 બેઠકો મળી. 

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મળેલી આ જીતના કારણે કોંગ્રેસ નેતાઓ અને સમર્થકો ખુશ હશે અને હોવા જોઈએ. પાર્ટીને સરકાર બનાવવા માટે મોકળું મેદાન મળી ગયું છે. બહુમતી કરતાં અનેક બેઠકો વધારે મળી હોવાના કારણે ધારાસભ્યો તૂટવાનો ડર પણ નથી. પરંતુ તેમ છતાં પાર્ટી અને ખાસ કરીને હાઇકમાન્ડ માટે મુશ્કેલીઓ અહીં ઓછી થઇ નથી. કારણ કે હજુ એક મોટો પ્રશ્ન છે, જેનો જવાબ મેળવવાનો બાકી છે. એ છે- કોણ બનશે કર્ણાટકનો આગામી મુખ્યમંત્રી? કારણ કે પાર્ટીએ ચૂંટણી પહેલાં સીએમ ઉમેદવારની કોઈ જાહેરાત કરી ન હતી.

    સિદ્ધારામૈયા અને ડીકે શિવકુમાર પ્રબળ દાવેદારો 

    હાલના તબક્કે કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસના બે કદાવર નેતાઓ પ્રબળ દાવેદાર છે. 1- સિદ્ધારામૈયા અને 2- ડીકે શિવકુમાર. સિદ્ધારામૈયા અગાઉ એક ટર્મ માટે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જ્યારે ડીકે શિવકુમાર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. બંને વરિષ્ઠ નેતાઓ છે, બંનેની સારી પકડ છે, બંને ચૂંટણી લડ્યા હતા અને બંને સ્પષ્ટ બહુમતીથી જીત્યા છે. 

    - Advertisement -

    સિદ્ધારામૈયા વરૂણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. અહીં ભાજપે લિંગાયત સમુદાયના વી સોમન્નાને ઉતાર્યા હોવા છતાં કોંગ્રેસ નેતાએ સરળતાથી જીત મેળવી લીધી છે. તેમને 1.16 લાખ મત (60 ટકા) મળ્યા. આ જીત સાથે તેઓ સતત ચોથી વખત MLA બન્યા છે. 

    આમ તો સિદ્ધારામૈયા જાહેરાત કરી ચૂક્યા છે કે આ તેમની અંતિમ ચૂંટણી હશે, પરંતુ તેનાથી સીએમ પદમાંથી તેમનું નામ બહાર થઇ જતું નથી. તેમના સમર્થક નેતાઓ ઇચ્છશે કે તેઓ મુખ્યમંત્રી બને. અધૂરામાં પૂરું આ ચર્ચાઓ વચ્ચે તેમના પુત્રે આજે એક નિવેદન આપીને પિતાનું નામ સીએમ પદ માટે આગળ કર્યું હતું. તેણે કહ્યું કે, તેના પિતા જંગી બહુમતીથી જીતશે અને રાજ્યના હિતમાં મુખ્યમંત્રી પણ બનશે. 

    આમ તો પૂર્વ મુખ્યમંત્રી હોવાના કારણે અને પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાના કારણે સિદ્ધારામૈયાનું નામ સીએમ પદ માટે પહેલી પસંદગી હોય એ સ્વભાવિક છે, પરંતુ આ બાબત એટલી સરળ નથી. કારણ કે તેમની સામે બીજા દાવેદાર છે-આ આઠ ટર્મથી ચૂંટણી જીતતા અને હાલ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર. 

    ગાંધી પરિવાર અને ખડગેના નજીકના છે શિવકુમાર 

    ડીકે શિવકુમાર કનકપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જ્યાંથી 74.58 ટકા જેટલા જંગી વોટશેર સાથે તેમણે જીત મેળવી છે. તેઓ કર્ણાટકમાં કોંગ્રેસના ‘ટ્રબલશૂટર’ માનવામાં આવે છે. તેમજ તેમના નેતૃત્વમાં પાર્ટીને જીત મળી છે, જેથી થોડોઘણો શ્રેય તેમને પણ આપવામાં આવે તે દેખીતી વાત છે. 

    શિવકુમાર ગાંધી પરિવારના પણ નજીકના નેતા માનવામાં આવે છે. આજે જ્યારે ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ રહ્યાં હતાં અને કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી હતી ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરતાં ઈમોશનલ કાર્ડ પણ ખેલ્યો હતો. ભાવુક થઈને તેમણે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીનો આભાર માન્યો હતો અને સોનિયા ગાંધીનો વિશેષ ઉલ્લેખ કરીને કહ્યું કે, તેઓ તેમને જેલમાં મળવા માટે પણ આવ્યાં હતાં અને સતત તેમની પર વિશ્વાસ દાખવ્યો. 

    તેઓ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પણ વિશ્વાસુ નેતા છે. અગાઉ એક નિવેદન આપીને તેમણે કહ્યું હતું કે ખડગેને પણ સીએમ પદના દાવેદાર માનવામાં આવવા જોઈએ અને જો તેમ થાય તો તેમના નેતૃત્વમાં કામ કરવા માટે પોતે તૈયાર છે. ગાંધી પરિવાર અને મલ્લિકાર્જુન  ખડગે, બંનેના વિશ્વાસુ હોવાના કારણે તેમનું નામ પણ રેસમાંથી સરળતાથી કાઢી શકાય નહીં, કારણ કે કોંગ્રેસમાં અંતિમ નિર્ણયો ગાંધી પરિવાર જ લેતો હોય છે. 

    આ બંને નેતાઓને મૂકીને પાર્ટી મલ્લિકાર્જુન ખડગેને સીએમ તરીકે પસંદ કરે તેવી પણ શક્યતા છે. જોકે, તેમની પાસે પાર્ટી અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ છે. ઉપરાંત, તેઓ પોતે કહી ચૂક્યા છે કે તેમને સીએમ બનવામાં કોઈ રસ નથી, કારણ કે તેઓ પોતે સીએમ બનાવે છે. (પોતે પાર્ટી અધ્યક્ષ છે એ સંદર્ભમાં.)

    રાજસ્થાન-એમપી જેવો અખતરો અહીં પણ કરશે કોંગ્રેસ?

    એક શક્યતા એ પણ છે કે પાર્ટી એક નેતાને મુખ્યમંત્રી તો બીજાને ડેપ્યુટી સીએમ બનાવે. પરંતુ અગાઉ જ્યાં આ અખતરા કર્યા છે ત્યાં તેમને ફળ્યા નથી અને પાર્ટી વધુ મુશ્કેલીમાં મૂકાઈ છે. રાજસ્થાનમાં સીએમ ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ વચ્ચેનો આંતરિક વિખવાદ ક્યાંય છૂપો નથી તો મધ્ય પ્રદેશમાં પણ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચેના આ વિખવાદના કારણે આખી સરકાર પડી ભાંગી હતી અને આખરે સિંધિયા ભાજપમાં સામેલ થઇ ગયા હતા. આ સંજોગોમાં કોંગ્રેસ નહીં ઈચ્છે કે ભાજપ પાસેથી મહામહેનતે આંચકેલી સત્તા હાથમાંથી જતી રહે. 

    એટલે કર્ણાટકમાં કોંગ્રેસે સત્તા તો મેળવી લીધી છે પરંતુ હવે આગળ ઘણા કોયડા ઉકેલવાના અને પડકારોનો સામનો કરવાનો બાકી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં