દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસની તપાસ કરતી એજન્સી EDએ દિલ્હીના મુખ્યમંત્રી અને એમ આદમી પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, એજન્સીએ કેજરીવાલને આગામી 2 નવેમ્બરના રોજ હાજર થવા માટે જણાવ્યું છે. PTIએ પણ અધિકારીઓને ટાંકીને આ જ પ્રકારની માહિતી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, કેજરીવાલને દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું છે. PTIએ અધિકારીઓને ટાંકીને આ જાણકારી આપી છે.
ED (Enforcement Directorate) summons Delhi CM and AAP national convener Arvind Kejriwal, asking him to appear before them on 2nd November in connection with the Delhi excise policy case.
— ANI (@ANI) October 30, 2023
(File photo) pic.twitter.com/ZAyJsOPVZa
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અરવિંદ કેજરીવાલ એક વખત પૂછપરછનો સામનો કરી ચૂક્યા છે. જોકે, ત્યારે તેમને CBIએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. હવે EDએ તેડું મોકલ્યું છે. CBIએ એપ્રિલ મહિનામાં કેજરીવાલની પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેઓ હાજર પણ રહ્યા હતા.
અરવિંદ કેજરીવાલને ઇડીએ એવા સમયે તેડું મોકલ્યું છે જ્યારે થોડા જ કલાકો પહેલાં સુપ્રીમ કોર્ટ AAP નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે (30 ઓક્ટોબર) સિસોદિયાની બે નિયમિત જામીનની માંગ કરતી અરજી ફગાવી હતી અને ED અને CBI બંનેના કેસમાં રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
ચુકાદો સંભળાવતાં કોર્ટે કહ્યું કે, “વિશ્લેષણ કરતાં અમુક પાસાં શંકાસ્પદ લાગે છે, જેમકે 338 કરોડના ટ્રાન્સફર વિશે જાણવા મળ્યું છે. અમે જામીન રદ કર્યા છે.” જોકે સાથે કોર્ટે એજન્સીઓને 6થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે જો ટ્રાયલ ધીમી ગતિએ ચાલે તો AAP નેતા ફરીથી જામીન માટે અરજી કરી શકશે. જોકે, હાલ તો તેમણે જેલમાં જ રહેવું પડશે.
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ એવો કેસ છે જેને લઈને આમ આદમી પાર્ટી ઘણા સમયથી બેકફૂટ પર આવતી જણાય છે. AAP સરકારે એક નવી આબકારી નીતિ ઘડી હતી, જેમાં અનિયમિતતાઓની ફરિયાદ થયા બાદ એજન્સીઓએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ જ મામલે પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસે એક્સાઈઝ વિભાગ પણ હતો. ફેબ્રુઆરીમાં ધરપકડ થયા બાદથી જ મનીષ સિસોદિયા જેલમાં બંધ છે.