Saturday, May 4, 2024
More
    હોમપેજરાજકારણજેલમાં જ જશે AAP નેતા મનીષ સિસોદિયાની દિવાળી, સુપ્રીમ કોર્ટે ફગાવી જામીન...

    જેલમાં જ જશે AAP નેતા મનીષ સિસોદિયાની દિવાળી, સુપ્રીમ કોર્ટે ફગાવી જામીન અરજી: દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં કોઇ રાહત નહીં

    સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે 17 ઓક્ટોબરના રોજ સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. AAP નેતાએ બે અલગ-અલગ અરજી રજૂ કરીને નિયમિત જામીનની માંગ કરી હતી, પરંતુ કોર્ટે આ બંને ફગાવી દીધી છે.

    - Advertisement -

    દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં પકડાયેલા આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાંથી જામીન ન મળ્યા બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની ઉપર સોમવારે (30 ઓક્ટોબર, 2023) ચુકાદો આપવામાં આવ્યો હતો. 

    સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે 17 ઓક્ટોબરના રોજ સિસોદિયાની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. AAP નેતાએ બે અલગ-અલગ અરજી રજૂ કરીને નિયમિત જામીનની માંગ કરી હતી, પરંતુ કોર્ટે આ બંને ફગાવી દીધી છે અને ED અને CBI બંને કેસમાં જેલમુક્તિ આપવાની ના પાડી છે. 

    ચુકાદો સંભળાવતાં કોર્ટે કહ્યું કે, “વિશ્લેષણ કરતાં અમુક પાસાં શંકાસ્પદ લાગે છે, જેમકે 338 કરોડના ટ્રાન્સફર વિશે જાણવા મળ્યું છે. અમે જામીન રદ કર્યા છે.” જોકે સાથે કોર્ટે એજન્સીઓને 6થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે જો ટ્રાયલ ધીમી ગતિએ ચાલે તો AAP નેતા ફરીથી જામીન માટે અરજી કરી શકશે. જોકે, હાલ તો તેમણે જેલમાં જ રહેવું પડશે. 

    - Advertisement -

    હાલ મનીષ સિસોદિયા દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. જામીન રદ થવાના કારણે હવે તેમણે ત્યાં જ રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે ગત ફેબ્રુઆરી મહિનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ જેલમાં બંધ છે. આ કેસની તપાસ ED અને CBI જેવી એજન્સીઓ કરી રહી છે. 

    આ પહેલાં મનીષ સિસોદિયાએ દિલ્હી હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની ઉપર ઘણા સમયથી સુનાવણી ચાલી રહી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત મળી નથી. 

    વધુમાં, થોડા દિવસો પહેલાં સિસોદિયાની જામીન અરજી પર જ સુનાવણી કરતી વખતે એજન્સીઓએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ હવે આખી આમ આદમી પાર્ટીને આ કેસમાં આરોપી બનાવવા માટે વિચારી રહ્યા છે. જો તેમ થાય તો અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી માટે મોટો ઝાટકો હશે. નોંધવું જોઈએ કે આ કેસમાં AAP સાંસદ સંજય સિંઘની પણ ધરપકડ થઈ ચૂકી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં