ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાનો ગઈકાલે, ગુરુવાર, છેલ્લો દિવસ હતો. ઉમેદવારી નોંધાઈ ગયા બાદ પણ ગુજરાત કોંગ્રેસમાં ટિકિટ માટેનો કકળાટ થોભવાનું નામ નથી લઇ રહ્યો. યુવા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ગુરુરાજસિંહ ચૌહાણે રહી રહીને કોંગ્રેસ પર ટિકિટો વેચવાનો આરોપ લગાવ્યો હતો.
શુક્રવાર, 18 નવેમ્બર, ના દિવસે યુવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ગુરૂરાજસિંહ ચૌહાણે પોતાના મોટો આક્ષેપ કરીને ખળભળાટ મચાવ્યો છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે કે “કોંગ્રેસમાં ટિકિટ માટે પૈસા મંગાય છે. 2થી 9 કરોડમાં ટિકિટનો સોદો થયો છે.”
કોંગ્રેસમાં ફરી ટીકીટની સોદાબાજીનું ભૂત ધૂળ્યું, ગુરૂરાજસિંહ ચૌહાણે કર્યા અતિ ગંભીર આક્ષેપ#Gujarat #GujaratElections2022 #Congress #allegations https://t.co/rn2Jl1QE9V
— Zee 24 Kalak (@Zee24Kalak) November 18, 2022
તેમણે હાલોલમાં કોંગ્રેસના નબળા ઉમેદવારને ઉભા રાખવા સેટિંગ થયાનો આક્ષેપ કર્યો છે. તેમણે પૂર્વ મંત્રી અને ધારાસભ્યનું નામ લીધા વિના સોદાબાજીના આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, એક રાતમાં ત્રણ મેન્ડેટ કેન્સલ થયા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ગુરૂરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે કોંગ્રેસ વેચાય ગયેલી પાર્ટી છે.
ગુરુરાજસિંહ ચૌહાણે પ્રભારી ઉષા નાયડુ પર સોદાબાજીના આક્ષેપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે “કોંગ્રેસ પર ભરોસો ના રાખવો જોઈએ. ઉમેદવારો માટે 2 વર્ષથી નિરીક્ષકો મૂકી સર્વે કર્યો છતાં નબળા ઉમેદવારને મેન્ડટ આપ્યું છે. એક રાતમાં ત્રણ વખત મેન્ડેટ બદલાયા છે. મારું પણ મેન્ડેટ આવ્યું હતું, પરંતુ અચાનક કેન્સલ થયું. મને ફોન આવ્યો હતો કે તમને ઉમેદવાર બનાવવા જઈ રહ્યા છીએ અને છેલ્લા દોઢ કલાકમાં બીજાનું નામ જાહેર થયું હતું. જેથી હું આશ્ચર્યમાં મૂકાયો હતો.”
અહેવાલો મુજબ નારાજ થયેલ ગુરુરાજસિંહ ચૌહાણે ગઈકાલે (ગુરુવાર) પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી સહિત તમામ હોદ્દાઓ પરથી પોતાની ટીમ સાથે રાજીનામુ આપી દીધુ છે.
આ પહેલા દહેગામથી પણ આવા જ આરોપ લાગ્યા હતા
ટિકિટની નારાજગી, રિસામણાં-મનામણાં વચ્ચે હવે દહેગામ બેઠક પરના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડનો એક ઓડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ કોંગ્રેસ પાર્ટી પર ટિકિટ માટે પૈસા માંગવાનો આરોપ લગાવી રહ્યાં હતા.
આ વિડીયો સાચો હોવાની સ્વયં કામિની બા રાઠોડે પુષ્ટિ કરી હતી. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “પાર્ટીએ મારી પાસે 1 કરોડની માંગણી કરી, પછી 70 લાખ કહ્યા અને છેલ્લે 50 લાખમાં ફાઇનલ કરવા કહ્યું. એમ પણ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી હું પૈસા જમા નહીં કરાવું ત્યાં સુધી મારી ટિકિટ ફાઇનલ નહીં થાય. પૈસા આપશો તો જ તમારું નામ અને ટિકિટ ફાઇનલ થશે તેમ જણાવવામાં આવ્યું.”
કોંગ્રેસ કાર્યકર્તાઓએ જ ભરતસિંહ સોલંકીને ચોર કહ્યા હતા
રવિવારે (13 નવેમ્બર) કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની નવી યાદીને લઈને કકળાટ થયો હતો. અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને રીપીટ કરાતા કોંગ્રેસના જ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના અમદાવાદ કાર્યાલય ખાતે નારાજ કાર્યકરોએ તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીનો વિરોધ કર્યો હતો તેમના પોસ્ટરો ફાડ્યા હતા.
તે જ સમયે મોટી સંખ્યામાં પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોએ ભરતસિંહ સોલંકી પર ટિકિટ કૌભાંડનો આરોપ લગાવ્યો છે અને જાણી જોઈને આ બેઠક ભાજપની જોળીમાં નાખી દેવાનો આક્ષેપ કરાયો છે.