Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણએક્ઝિટ પોલથી અસમંજસ, હવે ‘રિસોર્ટ પોલિટિક્સ’ના સહારે કોંગ્રેસ: તેલંગાણામાં 70થી ઓછી બેઠકો...

    એક્ઝિટ પોલથી અસમંજસ, હવે ‘રિસોર્ટ પોલિટિક્સ’ના સહારે કોંગ્રેસ: તેલંગાણામાં 70થી ઓછી બેઠકો મળે તો ધારાસભ્યોને કર્ણાટક ખસેડવાની તૈયારી- રિપોર્ટમાં દાવો 

    આમ તો તેલંગણામાં એક્ઝિટ પોલ કોંગ્રેસને આગળ બતાવી રહ્યા છે, પરંતુ જરૂરી નથી કે પરિણામો તેવાં જ આવે. જો પાર્ટી બહુમતનો આંકડો પસાર ન કરી શકે તો જોડતોડની રાજનીતિથી બચવા માટે ધારાસભ્યોને કર્ણાટક ખસેડવામાં આવશે.

    - Advertisement -

    પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ હવે પરિણામોની રાહ જોવામાં આવી રહી છે. મિઝોરમ સિવાયનાં ચાર રાજ્યોની ચૂંટણીનાં પરિણામ રવિવારે (3 ડિસેમ્બર) ઘોષિત કરવામાં આવશે. વિવિધ એજન્સીઓએ જાહેર કરેલા એક્ઝિટ પોલ પણ સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શક્યા નથી, આ સ્થિતિમાં હવે ‘રિસોર્ટ પોલિટિક્સ’ની એન્ટ્રી થઈ છે. સમાચાર એવા છે કે તેલંગાણામાં કટોકટીની સ્થિતિમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને કર્ણાટક ખસેડી શકે છે. 

    આમ તો તેલંગાણામાં એક્ઝિટ પોલ કોંગ્રેસ પાર્ટીને આગળ બતાવી રહ્યા છે, પરંતુ જરૂરી નથી કે પરિણામો તેવાં જ આવે. જો પાર્ટી બહુમતનો આંકડો પસાર ન કરી શકે તો જોડતોડની રાજનીતિથી બચવા માટે ધારાસભ્યોને કર્ણાટક ખસેડવામાં આવશે, જ્યાં કોઇ રિસોર્ટમાં તેમના માટે વ્યવસ્થા કરવામાં આવશે. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટમાં એક વરિષ્ઠ નેતાને ટાંકીને લખવામાં આવ્યું કે, જો કોંગ્રેસ 70 બેઠકોનો આંકડો પસાર નહીં કરી શકે તો વાતચીત એવી ચાલે છે કે ધારાસભ્યોને બેંગ્લોર કે કોઈ અન્ય સ્થળોએ ખસેડી લેવામાં આવે અને સંભવતઃ તેમને હોટેલ કે રિસોર્ટમાં રાખવામાં આવે. 119 સભ્યોની તેલંગાણા વિધાનસભામાં સરકાર બનાવવા માટે 60 બેઠકોની જરૂર પડે છે. 

    - Advertisement -

    રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું કે, તૈયારીના ભાગરૂપે કોંગ્રેસે એવી વિધાનસભાઓમાં બબ્બે કો-ઓર્ડિનેટર મોકલી આપ્યા છે, જ્યાં તેમના ઉમેદવાર જીતવાની સંભાવનાઓ પ્રબળ છે. જેથી જેવા ઉમેદવારો જીતે કે ઈલેક્શન અધિકારી પાસેથી સર્ટિફિકેટ લઈને તેમને અન્ય સ્થળે પહોંચાડી દેવામાં આવે. 

    આ પ્રક્રિયામાં કર્ણાટકના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ડીકે શિવકુમારને મોટી જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેમણે અગાઉ 2018માં પણ ફ્લોર ટેસ્ટ સમયે ધારાસભ્યોને લાવવા-લઇ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. 

    અહીં ઉલ્લેખનીય છે કે ભારતીય રાજકારણમાં ‘રિસોર્ટ પોલિટિક્સ’ ઘણી સામાન્ય બાબત છે. કોઇ ચૂંટણી સમયે કે પછી સરકાર ભંગ કરવાના ઈરાદે આ પ્રકારે નેતાઓ સમર્થક ધારાસભ્યોને લઈને અજાણ્યા સ્થળે ઊપડી જાય છે અને ફ્લોર ટેસ્ટ સમયે તેમને લાવીને મતદાન કરાવે છે. મૂળ ઉદ્દેશ્ય એ હોય છે કે અન્ય પાર્ટીઓ કે અન્ય જૂથ તેમનો સંપર્ક ન કરી શકે. તાજેતરની આ ‘રિસોર્ટ પોલિટિક્સ’ની મોટી ઘટના મહારાષ્ટ્રમાં બની, જ્યારે જૂન 2022માં એકનાથ શિંદેએ બળવો કરી દીધો હતો. જેમાં પછીથી ઉદ્ધવ ઠાકરેએ આખી પાર્ટી ગુમાવવી પડી. 

    શું કહે છે તેલંગાણાના એક્ઝિટ પોલ?

    બીજી તરફ, તેલંગાણાના એક્ઝિટ પોલ્સની વાત કરવામાં આવે તો અહીં કોંગ્રેસ અને BRS વચ્ચે ટક્કર જોવા મળી શકે. ટુડેઝ ચાણક્ય મુજબ અહીં કોંગ્રેસને 62થી 80 બેઠકો મળી શકે, જ્યારે BRS 24થી 42 સીટ જીતી શકે. રિપબ્લિક અનુસાર, BRSને 46થી 56 જ્યારે કોંગ્રેસને 58થી 68 બેઠકો મળવાનું અનુમાન છે. ટાઈમ્સ નાઉ અનુસાર, BRS 37થી 45 અને કોંગ્રેસ 60થી 70 બેઠકો જીતી શકે. સી વોટર સરવેનું માનીએ તો કોંગ્રેસને 49થી 65 જ્યારે BRSને 38થી 54 બેઠકો મળી શકે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપને સરેરાશ 5થી 13 બેઠકો મળતી બતાવવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં