Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણલોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદી જાહેર: રાહુલ ગાંધીએ ફરી વાયનાડની...

    લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદી જાહેર: રાહુલ ગાંધીએ ફરી વાયનાડની વાટ પકડી, અમેઠીથી લડશે કે કેમ તે સસ્પેન્સ 

    પ્રથમ યાદીમાં કોંગ્રેસે છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મેઘાલય, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા અને ત્રિપુરા રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 39 ઉમેદવારો જાહેર કર્યા છે.

    - Advertisement -

    કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. શુક્રવારે (8 માર્ચ, 2024) પાર્ટીએ એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને અધિકારિક જાહેરાત કરી હતી. પહેલી યાદીમાં 39 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાહુલ ગાંધીનું નામ પણ સામેલ છે. આ ચૂંટણીમાં તેઓ ફરી એક વખત કેરળની વાયનાડ બેઠક પરથી લડવા જઈ રહ્યા છે. 

    થોડા દિવસ પહેલાં મીડિયા વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી કે રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ એમ 2 બેઠકો પરથી ચૂંટણી લડશે. પરંતુ પ્રથમ યાદીમાં અમેઠીનો ઉલ્લેખ જોવા મળ્યો નથી. જેથી હવે તેઓ ત્યાંથી લડશે કે કેમ તે પ્રશ્ન છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ 2 ઠેકાણેથી ઉમેદવારી કરી હતી. 2004થી તેઓ જે બાપ-દાદાની બેઠક અમેઠી પર જીતતા આવ્યા હતા તેની ઉપર હાર ભાળી જતાં કોંગ્રેસે તેમને કેરળના વાયનાડથી પણ ઉમેદવાર બનાવ્યા હતા. આખરે આશંકા સાચી પડી અને અમેઠી બેઠક પર રાહુલ ગાંધીની હાર થઈ. અહીંથી ભાજપનાં સ્મૃતિ ઈરાની જીત્યાં હતાં. આ વખતે પણ ભાજપ તરફથી તેઓ જ ઉમેદવાર હશે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર પર હજુ સસ્પેન્સ યથાવત છે. 

    - Advertisement -

    કોંગ્રેસે જે પહેલી યાદી જાહેર કરી તેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મેઘાલય, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા અને ત્રિપુરા રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 39 ઉમેદવારો જાહેર કર્યા છે. આ યાદીમાં અન્ય જાણીતા ચહેરાઓમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો સમાવેશ થાય છે. તેમને છત્તીસગઢના રાજનંદગાંવથી ટીકીટ આપવામાં આવી છે. બેંગ્લોર રૂરલ બેઠક પરથી ડીકે સુરેશ કોંગ્રેસ ઉમેદવાર હશે. 

    કેરળની તિરૂવનંતપુરમ બેઠક પરથી કોંગ્રેસે ફરી એક વખત સાંસદ શશિ થરૂરને જ ટીકીટ આપી છે. તેઓ હાલ આ જ બેઠક પરથી સાંસદ છે. અહીંથી ભાજપે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને ઉતાર્યા છે. જેથી આ બેઠક પર ટક્કર જોવા મળી શકે છે. આ સિવાય, કેરળની અલાપ્પુઝા બેઠક પરથી કે.સી વેણુગોપાલ ચૂંટણી લડશે. 

    નોંધનીય છે કે ભાજપે પહેલેથી જ 195 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં વડાપ્રધાન મોદીથી લઈને ગૃહમંત્રી શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓનાં પણ નામ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં