Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅયોધ્યામાં રામલલાના દર્શન કરવા જવું કોંગ્રેસ નેતા રાધિકા ખેડાને ભારે પડ્યું, પાર્ટીમાં...

    અયોધ્યામાં રામલલાના દર્શન કરવા જવું કોંગ્રેસ નેતા રાધિકા ખેડાને ભારે પડ્યું, પાર્ટીમાં વિરોધ થતાં આપી દીધું રાજીનામું, કહ્યું- છત્તીસગઢ પ્રદેશ કાર્યાલયમાં કરવામાં આવી અભદ્રતા

    રાધિકા ખેડાએ કહ્યું કે, "વર્તમાનમાં ભગવાન રામનું નામ લેનારાઓનો ઘણા લોકો આવી રીતે જ વિરોધ કરે છે. શ્રીઅયોધ્યાધામ, રામલલાની જન્મસ્થળી આપણાં સૌ હિંદુઓ માટે પવિત્ર સ્થળ છે અને હું ત્યાં દર્શન કરવા માટે પોતાની જાતને રોકી ન શકી. પરંતુ ત્યાં જવાનો વિરોધ આટલી હદે સહન કરવો પડશે, તેવું મે વિચાર્યું નહોતું."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, 2024ના રોજ યોજાવા જઈ રહ્યું છે. તે પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છત્તીસગઢ કોંગ્રેસના નેતા રાધિકા ખેડાએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ કોંગ્રેસના નેશનલ મીડિયા કોર્ડીનેટર પદ પર રહીને પાર્ટી માટે કાર્ય કરી રહ્યા હતા. પરંતુ તાજેતરમાં જ તેમણે હિંદુ હોવાના નાતે રામ મંદિર અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. કોંગ્રેસમાં તે બાબતને લઈને વિરોધ ફાટી નીકળ્યો હતો અને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં રાધિકા ખેડા સાથે અભદ્રતા થતાં, તેમણે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.

    લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના મોટા નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દીધું છે. તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા કોર્ડીનેટર તરીકે કાર્યરત હતા. તાજેતરમાં અયોધ્યામાં રામલલાના દર્શન કરવાથી પાર્ટીમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે અને તે માટે જ તેમણે રાજીનામું આપ્યું હોવાનું કહ્યું છે. તેમણે મીડિયા સાથે વાત પણ કરી છે અને રાજીનામાંમાં લખેલા કારણો વિશેની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, “આદિકાળથી લઈને આજ સુધી તે સત્ય છે કે, જેણે-જેણે ધર્મનો સાથે આપ્યો છે, તેનો વિરોધ થયો છે. હિરણ્યકશિપુથી લઈને રાવણ અને કંસ સુધીના તેના ઉદાહરણો છે.”

    તેમણે કહ્યું કે, “વર્તમાનમાં ભગવાન રામનું નામ લેનારાઓનો ઘણા લોકો આવી રીતે જ વિરોધ કરે છે. શ્રીઅયોધ્યાધામ, રામલલાની જન્મસ્થળી આપણાં સૌ હિંદુઓ માટે પવિત્ર સ્થળ છે અને હું ત્યાં દર્શન કરવા માટે પોતાની જાતને રોકી ન શકી. પરંતુ ત્યાં જવાનો વિરોધ આટલી હદે સહન કરવો પડશે, તેવું મે વિચાર્યું નહોતું. મારી સાથે છત્તીસગઢ પ્રદેશ કાર્યાલયમાં અભદ્રતા થઈ. મારી સાથે ત્યાં ધક્કામુક્કી કરવામાં આવી અને મને રૂમમાં બંધ કરી દેવામાં આવી. પરંતુ મને ન્યાય ન મળ્યો. હું નાનાથી લઈને શીર્ષ નેતૃત્વ સુધી અપીલ કરતી રહી, પરંતુ મને ન્યાય ન મળ્યો.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “માત્ર એટલા માટે ન્યાય ન મળ્યો કે, હું રામ મંદિર જઈને આવી અને રામલલાના દર્શન કરીને આવી. જે દિવસથી હું રામલલાના દર્શન કરીને આવી છું, ત્યારથી નિરંતર વિરોધનો સામનો કરી રહી છું. પ્રભુ રામના દર્શન કરવાથી આ હદ સુધી વિરોધ અને આવો વ્યવહાર કરવામાં આવશે, તે ક્યારેય વિચાર્યું નહોતું. 22 વર્ષ સુધી મે પાર્ટીમાં રહીને કામ કર્યું છે. પરંતુ આજે મને ન્યાયની જરૂર હતી તો પાર્ટી ચૂપ હતી અને મને કહી દીધું કે, ચૂપ રહો. કોઈ ન્યાય મળશે નહીં. ત્યારબાદ ખૂબ જ દુઃખ સાથે મે રાજીનામું આપ્યું છે. પરંતુ મને પૂર્ણ વિશ્વાસ છે કે, રામલલા મને ન્યાય જરૂરથી આપશે.”

    નોંધવા જેવુ છે કે, ગુજરાતમાં પણ ઘણા નેતાઓએ કોંગ્રેસના રામ મંદિર અને રામલલા પ્રત્યેના વલણને કારણે રાજીનામું આપ્યું હતું. તેમાં સૌથી મોટું નામ અંબરીશ ડેરનું હતું. તેમણે રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના કોંગ્રેસના વલણનો વિરોધ પણ કર્યો હતો. જે બાદ થોડા દિવસોમાં તેમણે રાજીનામું આપી દીધું હતું. તે પછી પણ અર્જુન મોઢવાડિયા સહિતના અનેક નેતાઓએ રામ મંદિરના મુદ્દે કોંગ્રેસને ‘રામ-રામ’ કહી દીધા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં