Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતBTP નેતા મહેશ વસાવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાશે ભાજપમાં: પૂર્વ કોંગ્રેસી...

    BTP નેતા મહેશ વસાવા મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાશે ભાજપમાં: પૂર્વ કોંગ્રેસી MLA અરવિંદ લાડાણી અને વિપક્ષી પાર્ટીઓના અનેક કાર્યકરો પણ કરશે કેસરિયા

    મહેશ વસાવાના ભાજપમાં જોડાવાથી સૌથી વધુ ફટકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને લાગી શકે છે. કારણ કે ભરૂચમાં મહેશ વસાવાના સમર્થકો પણ મોટી સંખ્યામાં છે. જ્યારે કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ હવે ભરૂચ લોકસભા માટે નિષ્ક્રિય સાબિત થતું હોય એવું લાગી રહ્યું છે.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. તમામ રાજકીય પક્ષોએ દાવપેચ ખેલવાની શરૂઆત કરી દીધી છે. જેમાં ખાસ કરીને ગુજરાત કોંગ્રેસને વધુ ફટકો લાગ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 10 માર્ચે હજુ તો માંડ પૂર્ણ થઈ હતી કે, દાહોદ કોંગ્રેસ અને પોરબંદર કોંગ્રેસમાં ધડાકો થઈ ગયો હતો. બંને શહેરોના લગભગ 800થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓએ રાજીનામાં ધરી દીધા હતા. પોરબંદરમાં તો કોંગ્રેસ પાસે હવે કાર્યકર્તા જેવુ કઈ બચ્યું પણ નથી. આ સાથે 11 માર્ચે ગુજરાત ભાજપમાં મોટો ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં BTPના અધ્યક્ષ મહેશ વસાવા પોતાના 400થી 800 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ ઉપરાંત માણાવદરના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાશે.

    સોમવારે (11 માર્ચ, 2024) ગુજરાત ભાજપનો મોટો ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ-AAPના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. સીઆર પાટીલની હાજરીમાં તમામ કાર્યકર્તાઓ કેસરિયા કરશે. જેમાં સૌથી મોટું નામ BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી)ના અધ્યક્ષ અને ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવાનું છે. તેઓ આદિવાસી નેતા અને પોતાના પિતા છોટુ વસાવાની છાવણીઓ છોડીને હવે ભાજપની વિચારધારા સાથે જોડાશે. 400થી 800 કાર્યકર્તાઓ સાથે વસાવાએ કમલમ ખાતે કેસરિયા કરવાની તૈયારી કરી લીધી છે.

    નોંધનીય છે કે 1લી માર્ચ 2024ના રોજ મહેશ વસાવાએ સૌ પહેલા ઑપઇન્ડિયાને એક્સક્લુઝિવલી જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાવાના છે. તેમણે વિસ્તૃત વાતચીતમાં ભાજપ અધ્યક્ષ સાથેની મુલાકાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતુ કે તેમની અને ભાજપની વિચારધારા એક જ છે અને વડાપ્રધાન મોદીની ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓ ભાજપને સમર્થન કરશે અને ભરૂચ જ નહીં પરંતુ આખા દેશમાં પાર્ટીને મજબૂત કરશે.

    - Advertisement -

    આ ઉપરાંત માણાવદરના પૂર્વ MLA અરવિંદ લાડાણીએ તાજેતરમાં જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ તેમણે કોંગ્રેસના તમામ પદો પરથી પણ રાજીનામું ધરી દીધું હતું. હવે તેઓ પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ, ભરૂચ, પોરબંદર અને દાહોદના અનેક વિપક્ષી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે.

    1200થી વધુ વિપક્ષી કાર્યકર્તાઓ જોડાશે ભાજપમાં

    સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 1200થી વધુ કાર્યકર્તાઓ કમલમ ખાતે કેસરિયા કરવાની તૈયારીમાં છે. આ તમામ કાર્યકર્તાઓએ તાજેતરમાં જ કોંગ્રેસ અને AAPમાંથી રાજીનામાં આપી દીધા હતા. દાહોદમાં જ 10 માર્ચે 350થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધા હતા. ભરૂચની વાત કરવામાં આવે તો એક તરફ આમ આદમી પાર્ટીના વિવાદિત ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભરૂચના મોટા આદિવાસી નેતા મહેશ વસાવા ભાજપમાં જોડાઈ રહ્યા છે.

    મહેશ વસાવાના ભાજપમાં જોડાવાથી સૌથી વધુ ફટકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને લાગી શકે છે. કારણ કે ભરૂચમાં મહેશ વસાવાના સમર્થકો પણ મોટી સંખ્યામાં છે. જ્યારે કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ હવે ભરૂચ લોકસભા માટે નિષ્ક્રિય સાબિત થતું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રસ નેતા મરહૂમ અહેમદ પટેલના બંને સંતાનો ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ કોંગ્રેસથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચના સ્થાનિક કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ચૈતર વસાવાનું સમર્થન કરી રહ્યા નથી અને તેમના માટે પ્રચાર કરવાની પણ ના પાડી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં