હાલ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર સંકટમાં છે. શિવસેના 39 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે જોડાઈને બળવો કરતા ઉદ્ધવ ઠાકરે સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. જે બાદ રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. ફ્લોર ટેસ્ટમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બહુમત સાબિત ન કરી શકે તો તેમણે રાજીનામું આપવું પડશે અને મહાવિકાસ આઘાડી સરકાર પડી ભાંગશે. જે બાદ શિંદે જૂથ સાથે ગઠબંધન કરીને ભાજપ સરકાર બનાવી શકે છે.
બળવો કરીને આસામ ગયેલા એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોની મુખ્ય માંગણી એ રહી છે કે શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે હાથ મિલાવે. શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વર્ષો સુધી NDA ગઠબંધનનો હિસ્સો રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પણ બંને પાર્ટીઓ સાથે લડી હતી. પરંતુ પરિણામ બાદ શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડીને એવી પાર્ટીઓ સાથે સરકાર બનાવી હતી, જેમની સામે તેઓ ચૂંટણી લડ્યા હતા અને જેમની ખામીઓ ગણાવીને મતો મેળવ્યા હતા!
ભાજપ અને શિવસેના હવે અલગ પાર્ટીઓ બની ગઈ છે અને એટલું જ નહીં પરંતુ છેલ્લા બે વર્ષમાં જે રીતે બંને પાર્ટીઓના સબંધો રહ્યા છે તેને જોતાં બંને નજીકના ભવિષ્યમાં સાથે આવે તેવું લાગી રહ્યું નથી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ભાજપ-શિવસેના ફરી સાથે આવી શકે છે, પરંતુ શિંદે જૂથ અલગ પડી જતાં હવે એ ચર્ચાનો વીંટો વળી ગયો છે.
એકનાથ શિંદેની આગેવાનીમાં નવી પાર્ટી બને (જેની ચર્ચા ચાલી રહી છે) તો એ ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે મોટો ફટકો હશે. એવું પણ બને કે મહારાષ્ટ્રના રાજકારણમાંથી તેઓ ધીમે-ધીમે બહાર થઇ જાય. કારણ કે જે રીતે તેમણે છેલ્લા બે વર્ષ સરકાર ચલાવી છે, તેને જોતાં મહારાષ્ટ્રની જનતા તેમને ફરીથી ચૂંટે તેવી શક્યતા બહુ ઓછી છે. બીજી તરફ, ભાજપનો હાથ ઉપર રહ્યો છે.
NDA ગઠબંધન તોડીને ભાજપ સામે પડેલી શિવસેના એક જ પાર્ટી નથી જેનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું હોય. ભૂતકાળમાં પણ તેલુગુ દેશમ પાર્ટી અને શિરોમણી અકાલી દળે એનડીએ છોડ્યા પછી ચૂંટણીઓમાં પછડાટનો સામનો કરવો પડ્યો છે.
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી એનડીએનો હિસ્સો હતી. બંને પાર્ટીઓ 2014 સુધી આંધ્રપ્રદેશ વિધાનસભા તેમજ લોકસભામાં સાથે ચૂંટણી લડી હતી. 2014 માં ચંદ્રબાબુ નાયડુની આગેવાનીમાં NDA ગઠબંધનની સરકાર પણ બની હતી. પરંતુ વર્ષ 2018 માં ટીડીપીએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવા મામલે વિવાદ થતાં ભાજપના એનડીએ ગઠબંધન સાથે છેડો ફાડી નાંખ્યો હતો.
2018 માં ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ વર્ષ 2019 માં થયેલી આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તેલુગુ દેશમને ભારે ફટકો પડ્યો હતો અને માત્ર 23 બેઠકો મળી હતી. જોકે, ચંદ્રબાબુ નાયડુએ સ્વીકાર્યું હતું કે ભાજપ સાથે અલગ થયા બાદ તેમને ભારે નુકસાન થયું હતું અને તેમણે ફરીથી NDA સાથે ગઠબંધન કરવાના સંકેતો પણ આપ્યા હતા. જોકે, ગૃહમંત્રી અમિત શાહ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ટીડીપી માટે એનડીએના તમામ દરવાજા હંમેશા માટે બંધ થઇ ચૂક્યા છે.
પંજાબની શિરોમણી અકાલી દળ દેશની સૌથી જૂની પાર્ટીઓ પૈકીની એક છે. ઘણાં વર્ષોથી શિરોમણી અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી ગઠબંધનમાં વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓ લડતા આવ્યા હતા. પરંતુ કેન્દ્ર સરકારે 2020 માં પસાર કરેલા કૃષિ કાયદાઓ બંને વચ્ચે વિવાદનું કારણ બન્યા અને સપ્ટેમ્બર 2020 માં અકાલી દળે ભાજપ સાથે છેડો ફાડીને દાયકાઓ જૂના સબંધોનો અંત આણ્યો હતો.
જોકે, ભાજપથી અલગ થયા પછી અકાલી દળને કોઈ ફાયદો તો ન થયો પરંતુ તાજેતરમાં જ યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન સાવ કથળી ગયું હતું અને માત્ર 3 બેઠકો મળી હતી.
ભાજપ સાથે છેડો ફાડીને અલગ થયેલી પાર્ટીઓનું પ્રદર્શન સુધરી તો શક્યું નથી પરંતુ વધુ નબળું પડી રહ્યું છે. ત્યારે શિવસેના પણ આ બંને પાર્ટીઓના રસ્તે ચાલતી દેખાય છે. શિવસેના ભાજપ સાથે ફરી ગઠબંધન કરે તેવી શક્યતાઓ જણાતી નથી ત્યારે હવે તેઓ સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે કે કેમ તે જોવું રહ્યું.