ભાજપે લોકસભા ચૂંટણી માટે પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની પણ 6 બેઠકો સામેલ છે. આ સિવાય અન્ય રાજ્યોમાં પણ ઘણી બેઠકો પર ઉમેદવારો જાહેર થયા છે. પાંચમી યાદીમાં કુલ 111 નામ જાહેર થયાં છે. યાદીમાં અનેક મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ રિપીટ થયા છે તો સિનેમાજગતમાંથી પણ અમુક હસ્તીઓને ટીકીટ આપવામાં આવી છે.
સૌપ્રથમ ગુજરાતની વાત કરવામાં આવે તો 6 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. મહેસાણા બેઠક પર હરિભાઇ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે તો સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા ચૂંટણી લડશે. સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ શિહોરાની પસંદગી કરવામાં આવી છે. જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે અમરેલીથી ભરતભાઈ સુતરિયા અને વડોદરા બેઠક પરથી ડૉ. હેમાંગ જોષીને ટીકીટ આપવામાં આવી.
BREAKING | ગુજરાતની બાકીની લોકસભા બેઠકો માટે ઉમેદવારોનાં નામની જાહેરાત
— ઑપઇન્ડિયા (@OpIndia_G) March 24, 2024
-મહેસાણાથી હરિભાઈ પટેલ, અમરેલીથી ભરતભાઈ સુતરિયાને ટીકીટ
-વડોદરાથી ડૉ. હેમાંગ જોષી ભાજપની ટીકીટ પર લોકસભા ચૂંટણી લડશે
-જૂનાગઢથી રાજેશ ચુડાસમા રિપીટ #Gujarat #LokSabhaElections2024 pic.twitter.com/84YXej0T1H
નવી યાદીમાં માત્ર રાજેશ ચુડાસમા જ રિપીટ થયા છે. સાબરકાંઠા અને વડોદરા બેઠક પર આ બીજી વખત જાહેરાત કરવામાં આવી. અગાઉ અનુક્રમે ભીખાજી ઠાકોર અને રંજનબેન ભટ્ટને ટીકીટ આપવામાં આવી હતી, પરંતુ તેમણે એક દિવસ પહેલાં જ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી.
પાંચમી યાદીમાં સૌથી ચર્ચાસ્પદ નામ અભિનેત્રી કંગના રણૌતનું છે. કંગના લોકસભા ચૂંટણી લડશે. ભાજપે તેમને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ટીકીટ આપી છે. આ સિવાય, સુપ્રસિદ્ધ ધારાવાહિક ‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને પણ ભાજપે ટીકીટ આપી છે. તેઓ ઉત્તર પ્રદેશની મેરઠ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
ઉત્તર પ્રદેશની સુલતાનપુર બેઠક પરથી મેનકા ગાંધી રિપીટ થયાં છે. પરંતુ પીલીભીતથી વરુણ ગાંધીની ટીકીટ કપાઈ છે. તેમના સ્થાને UP સરકારમાં મંત્રી જિતિન પ્રસાદને ટીકીટ આપવામાં આવી છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા ફરીથી ઓડિશાની પુરી બેઠક પરથી ચૂંટણી લડશે. 2019માં પણ તેઓ લડ્યા હતા, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઓડિશાની સંબલપુર બેઠક પરથી લડશે.
1/3 pic.twitter.com/1pTZsiyow2
— Sanjay Mayukh (Modi Ka Parivar) (@drsanjaymayukh) March 24, 2024
કોંગ્રેસમાં સામેલ થઈને ફરીથી ભાજપમાં ઘરવાપસી કરનાર પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર કર્ણાટકની બેલગામ બેઠક પરથી લડશે. જ્યારે તાજેતરમાં ભાજપમાં સામેલ થયેલા પૂર્વ TMC નેતા તપાસ રૉય કોલકત્તા ઉત્તર બેઠક પરથી લડશે. કોલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ પદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા અભિજિત ગંગોપાધ્યાય તામલુક બેઠક પરથી લડશે.
બિહારની ઉજિયારપુર બેઠક પરથી ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાય ચૂંટણની લડશે. જ્યારે પટના સાહિબથી રવિશંકર પ્રસાદને રિપિટ કરવામાં આવ્યા છે. ગિરિરાજસિંહ પણ બેગુસરાયથી રિપીટ થયા છે. તાજેતરમાં જ ભાજપમાં સામેલ થયેલા નવીન જિંદલ કુરુક્ષેત્ર બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે ઝારખંડની દુમકા બેઠક પરથી સીતા સોરેનને ટીકીટ અપાઈ છે. તેઓ તાજેતરમાં જ ઝારખંડ મુક્તિ મોરચા છોડીને ભાજપમાં સામેલ થયાં હતાં.