2024ની લોકસભા ચૂંટણીને લઈને દેશની અલગ-અલગ રાષ્ટ્રીય તેમજ સ્થાનિક પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી દીધી છે. સત્તાધીશ ભાજપે પણ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટે તૈયારીઓ હાથ ધરી દીધી છે. ભાજપે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને એક નવો નારો તૈયાર કર્યો છે. ભાજપ ‘અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર’ના નારા સાથે લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત ગુજરાત ભાજપે પણ 26 બેઠકો પર ભાજપની પ્રચંડ બહુમતી માટે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓને નવી જવાબદારીઓ સોંપાવમાં આવી છે.
મંગળવારે (2 જાન્યુઆરી) ભાજપની દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અહેવાલો અનુસાર, આ મિટિંગમાં પાર્ટીના નેતાઓ અને લોકસભા ચૂંટણીને લઈને અનેક મહત્વની ચર્ચા-વિચારણા થઈ હતી. સાથે જ ચૂંટણી પર એક કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, નવા મતદારો માટે દેશભરમાં વિધાનસભા કક્ષાએ સંમેલન અને મહિલા સંમેલનનું ખાસ આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં ‘અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર’નો નવો નારો આપ્યા બાદ કહેવાયું છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં જ વડાપ્રધાન, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાતો શરૂ થશે. તે સિવાય ગુજરાત ભાજપે પણ આ દિશામાં ડગ માંડી દીધા છે. 26 બેઠકોને ધ્યાને લઈને ગુજરાત ભાજપે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
ગુજરાત ભાજપે તૈયાર કર્યો એક્શન પ્લાન
જ્યારે બીજી તરફ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત ભાજપે પણ મેદાનમાં ઉતારવાની રણનીતિ તૈયાર કરી નાખી છે. તમામ 26 બેઠકો પર કમળ ખીલવવા માટે ભાજપે કમર કસી છે. જે અંતર્ગત ભાજપે પૂર્વ મંત્રીઓ તેમજ સિનિયર નેતાઓને લોકસભા બેઠકોની જવાબદારી સોંપી છે. ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે લોકસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં અનેક અગત્યના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 26 બેઠકો માટે અલગ-અલગ નેતાઓની જવાબદારી પણ નક્કી કરી દેવામાં આવી છે. જેમાં તમામ બેઠકો માટે 3-3 કલસ્ટર બનાવવામાં આવ્યા છે.
આ બેઠક અંતર્ગત, પૂર્વ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાને વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર, જૂનાગઢ અને અમરેલીની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ કૃષિ મંત્રી આર.સી. ફળદુને રાજકોટ, જામનગર અને પોરબંદર તેમજ સાંસદ નરહરિ અમીનને ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદની જવાબદારી સોંપાઈ છે. જ્યારે અમિત ઠાકરને બનાસકાંઠા, પાટણ અને કચ્છ, બાબુભાઈ જેબલિયાને સુરેન્દ્રનગર, મહેસાણા અને બનાસકાંઠા, કે.સી પટેલને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર બેઠક. તેમજ જ્યોતિબેન પંડયાને સુરત, નવસારી, વલસાડ અને બારડોલી બેઠકની જવાબદારી સોંપાઈ છે.