એક તરફ વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ હજુ પૂર્ણ જ થયો છે, ત્યાં જ ગુજરાત ભાજપ આગામી લોકસભા ચૂંટણીઓને લઈને એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે એકાએક ગુજરાતની તમામ 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 26 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવેલી પ્રક્રિયાને 2 જ દિવસમાં પતાવી લેવાના આદેશ આપવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલોમાં સુત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે સેન્સ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ભાજપના ઉપરના માળખાએ માત્ર 2 દિવસનો સમય નક્કી કર્યો છે. આજે બપોરે શરૂ કરવામાં આવેલી પ્રક્રિયા 27 ફેબ્રુઆરી 2024ના રોજ પૂર્ણ કરી દેવામાં આવશે. આ માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ પણ બનાવીને રવાના કરી દેવામાં આવી છે. સેન્સ લીધા બાદ રીપોર્ટને પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલી આપવામાં આવશે.
મીડિયા અહેવાલોમાં દર્શાવાયેલી સંભાવનાઓ અનુસાર સેન્સ લીધા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ અન્ય ઉપરની હરોળના આગેવાનોની હાજરીમાં રાજ્યની પાર્લામેન્ટ્રી મળશે. ત્યાર બાદ 29 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે. આ કારણે જ સેન્સ લેવાની પ્રક્રિયાને વહેલા પૂર્ણ કરવા પર જોર આપવામાં આવી રહ્યું છે. આ બેઠક પહેલા પસંદ કરવામાં આવેલા લોકસભા ઉમેદવારોની સેન્સ લઈ લેવામાં આવશે અને સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ગુજરાતની કેટલીક સીટોના નામ જાહેર કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે નિકોલ કોઠિયા હોસ્પિટલમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ બેઠકમાં મંત્રી મુળુ બેરા, ભરત બોઘરા અને સંગીતા પાટીલ સેન્સ માટે કોઠિયા હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ અમદાવાદ પૂર્વમાં સાંસદ હસમુખ પટેલ છે. બીજી તરફ ગાંધીનગર માટે પણ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અહીં હર્ષ સંઘવી, પ્રભારી સાંસદ મયંક નાયક, કે.સી.પટેલ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ગાંધીનગર માટે અમિત શાહનું નામ ફાઈનલ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
આ જ રીતે રાજકોટ કમલમ ખાતે પણ સેન્સ પ્રકિયા શરૂ થનાર છે. અહીં રાજ્યસભા સાંસદ મયંક નાયક સેન્સ લેવા માટે આવનાર છે. ત્યારે વડોદરામાં પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વડોદરામાં સયાજીગંજ મનુભાઈ ટાવર ભાજપ કાર્યલય ખાતે સેન્સ લેવામાં આવનાર છે. અહીં મહત્વની વાત તે છે કે તમામ બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખવામાં આવી હતી.