આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર કરી દેવાઇ છે. જેમાં 72 બેઠકો પર ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. જેની સાથે ભાજપના જાહેર થયેલા કુલ ઉમેદવારોની કુલ સંખ્યા 267 પર પહોંચી છે. પહેલી યાદીમાં 195 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોનાં નામ ઘોષિત કરવામાં આવ્યા છે, જેની સાથે ગુજરાતના જાહેર ઉમેદવારોની સંખ્યા 22 પર પહોંચી છે. હવે માત્ર ચાર બેઠકો પર ઘોષણા બાકી છે. પહેલી યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોને સમાવવામાં આવ્યા હતા, જેમાંથી 10 પર રીપીટ કરાયા હતા, જ્યારે 5 બેઠકો પર નવાં નામોની ઘોષણા કરવામાં આવી હતી.
BJP releases its second list of candidates for the upcoming Lok Sabha elections pic.twitter.com/bpTvxfMkDr
— ANI (@ANI) March 13, 2024
બીજી યાદી અનુસાર, સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોર ચૂંટણી લડશે. અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખભાઈ પટેલને ટીકીટ આપવામાં આવી છે. ભાવનગરથી નિમુબેન બાંભણીયાને ટીકીટ અપાઈ છે, જ્યારે વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યાં છે. સુરતથી દર્શનાબેન જરદોશના સ્થાને મુકેશભાઈ દલાલને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા અને વલસાડ બેઠક પરથી ધવલ પટેલને ટીકીટ અપાઈ છે.
7માંથી 5 બેઠકો પર નવા ઉમેદવારો
બીજી યાદીમાં જાહેર કરવામાં આવેલા ગુજરાત ભાજપના કુલ 7 ઉમેદવારમાંથી 5 ઉમેદવારો નવા છે, જ્યારે માત્ર 2 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યાં છે તો અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલને ફરી ટીકીટ આપવામાં આવી છે. આ સિવાયના તમામ ઉમેદવારો નવા છે. સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડની ટીકીટ કપાઈ છે. સુરત બેઠક પર કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશને રિપિટ કરવામાં આવ્યાં નથી. આ જ રીતે ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળને પણ ફરી તક આપવામાં આવી નથી. વલસાડ બેઠક પરથી કે.સી પટેલ પણ રીપીટ નહીં થાય. છોટા ઉદેપુર બેઠક પરથી ગીતાબેન રાઠવા પણ આ વખતે ચૂંટણી લડશે નહીં.
11 માર્ચે મળી હતી ભાજપ CECની બેઠક
નોંધનીય છે કે ગત 11 માર્ચે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ ભાગ લીધો હતો. ઉપરાંત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ પહોંચ્યા હતા. ગુજરાતથી પણ CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યની બાકીની 11 બેઠકો પર ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી. CEC બેઠકમાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગ્યા બાદ હવે યાદી જાહેર કરી દેવામાં આવી છે. જોકે, 11માંથી ચાર બેઠકો બાકી રાખવામાં આવી છે.
લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો હવે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. આગામી 15-16 માર્ચે જાહેરાત થવાની શક્યતા છે. આ માટે ચૂંટણી પંચ એક પ્રેસ કૉન્ફરન્સ કરશે. આ વખતે પણ વિવિધ તબક્કાઓમાં ચૂંટણી યોજાશે તેવું અનુમાન છે.