ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વિપક્ષી દળોના એક પછી એક ધારસભ્યો, કાર્યકરો પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે, અને સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, લોકસભાની ચુંટણી પહેલા વિરોધ પક્ષના મોટા નેતાઓ સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાવાના છે. જેમાં કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયા કે જેઓને કોંગ્રેસ પાર્ટીએ થોડા દિવસ અગાઉ જ પક્ષમાંથી હટાવ્યા હતા, તેઓ પણ વિધિવત રીતે પોતાના સર્મથકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છે. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય ત્રણ મોટા નેતાઓ પણ પક્ષનો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરે તેવું લાગી રહ્યુ છે.
અહેવાલો પ્રમાણે લોકસભાની ચુંટણી પૂર્વે જ રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તથા જિલ્લા કોંગ્રેસના પીઢ નેતા અર્જુન ખાટરિયા આજે 16 જાન્યુઅરી 2024ના રોજ 12 બસ, 3 મીનીબસ અને 20 કારના કાફલા સાથે ગાંધીનગર સ્થિત કમલમમાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને મળશે અને તેમના હસ્તે ખેસ પહેરીને વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
તેઓની સાથે જિલ્લા પંચાયતના ચારથી પાંચ સભ્યો પણ ભાજપમાં જોડાશે. અટકળો પ્રમાણે 1 હજારથી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસી નેતા શક્તિ પ્રદર્શન કરશે અને પછી કેસરિયો ધારણ કરશે. નોંધનીય છે કે અર્જુન ખાટરિયા કોટડા સાંગાણી પંથકમાં પ્રભુત્વ ધરાવતા નેતા છે. અર્જુન ખાટરિયાના કોટડા સાંગાણી ઉપરાંત જસદણ, પડધરી અને લોધિકા તાલુકાઓમાંથી પણ મોટી સંખ્યામાં સમર્થકો-આગેવાનો કોંગ્રેસ પાર્ટીને છોડીને ભાજપનો ખેસ પહેરશે એવું લાગી રહ્યું છે.
અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે તેવી અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જે પછી કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાય તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ એક્શન લેતા તેમને પક્ષમાંથી હટાવી દીધા હતા. અર્જુન ખાટરિયા અને તેમના પત્ની રાજકોટ જિલ્લા પંચાયતમાં મહત્વના પદો પર રહી ચૂકયા છે. તેઓ વર્ષ 2017માં વિધાનસભાની ચુંટણી લડ્યા પરંતુ હાર્યા હતા.
આ સાથે જ ભારતીય જનતા પાર્ટી પણ મંગળવારે (16 જાન્યુઆરી 2024) એક કાર્યક્રમનું આયોજન કરશે જેમાં અન્ય પક્ષોમાંથી ભાજપમાં જોડાવા માંગતા આગેવાનોને વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરાવશે. સાથે જ સી.આર.પાટીલ કિસાન મોરચાના પ્રદેશના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે.