કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનને કેન્દ્ર સરકારે Z+ સિક્યુરિટી આપી છે. આ વિશેની માહિતી કેરળના રાજભવન તરફથી જ આપવામાં આવી છે. સાથે આધિકારિક X હેન્ડલ પરથી પણ આ વિશે જાણકારી આપવામાં આવી છે. આ સમાચાર તેવા સમયે સામે આવી રહ્યા છે, જ્યારે અમુક કલાક પહેલાં જ કેરળના કોલ્લમમાં વાંમપંથી સંગઠન SFI (સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા)ના લોકોએ કાળા ઝંડા લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાથે રાજ્યપાલના કાફલાને પણ રોકવામાં આવ્યો હતો. જેના વિરોધમાં રાજ્યપાલ કારમાંથી બહાર નીકળીને રસ્તા પર જ ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા હતા અને કેરળ સરકાર તથા પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ ગૃહ મંત્રાલય તરફથી રાજ્યપાલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Union Home Ministry has informed Kerala Raj Bhavan that Z+ Security cover of CRPF is being extended to Hon'ble Governor and Kerala Raj Bhavan :PRO,KeralaRajBhavan
— Kerala Governor (@KeralaGovernor) January 27, 2024
કેરળના રાજ્યપાલ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, “CRPF કર્મીઓનું Z+ સુરક્ષા કવચ ખાન અને રાજભવન સુધી વધારી દેવામાં આવ્યું છે.” પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, “કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેરળ રાજભવનને સૂચિત કર્યું છે કે, CRPFનું Z+ સુરક્ષા કવચ માનનીય રાજ્યપાલ અને કેરળ રાજભવન સુધી લંબાવવામાં આવ્યું છે.” ગૃહ મંત્રાલયે આ નિર્ણય રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનની સુરક્ષાને ધ્યાને લઈને લીધો છે.
રોડ પર ખુરશી લઈને ધરણા પર બેસી ગયા હતા રાજ્યપાલ
ઉલ્લેખનીય છે કે, કેરળના કોલ્લમ જિલ્લામાં શનિવારે (27 જાન્યુઆરી) થયેલા પ્રદર્શન બાદ સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં વામપંથી સંગઠન SFIના કાર્યકર્તાઓ કાળા ઝંડા સાથે પ્રદર્શન કરી રહ્યા હતા. સાથે જ આ લોકોએ રાજ્યપાલની કારને પણ ઘેરી લીધી હતી. વિરોધનો સામનો કરતાં રાજ્યપાલ તેમની કારમાંથી બહાર નીકળ્યા હતા, જે બાદ આંદોલનકારી વામપંથી વિદ્યાર્થી વિંગના કાર્યકર્તાઓ સાથે અથડામણ થઈ હતી.
જે બાદ રાજ્યપાલ રોડ પર જ ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા હતા અને મુખ્યમંત્રી પિનારાઈ પર સીધો હુમલો કર્યો હતો. સાથે તેમણે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ પણ કરી હતી. આ ઉપરાંત તેમણે ત્યાં હાજર પોલીસ અધિકારીને પણ ફટકાર લગાવી હતી. તેમના સહયોગીને વડાપ્રધાન સાથે વાત કરાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. રાજ્યપાલે આ અંગે આરોપ લગાવ્યા હતા કે, પોલીસે SFIના કાર્યકર્તાઓને કાળા ઝંડા લઈને પ્રદર્શન કરતાં અટકાવવા માટે કોઈ કાર્યવાહી કરી નહોતી.
#WATCH | "I will not leave from here. Police is giving them protection, " says Governor Arif Mohammed Khan after SFI activists held a protest against him in Kollam. Police present on the spot https://t.co/nQHF9PWqpr pic.twitter.com/RHFFBRCh9s
— ANI (@ANI) January 27, 2024
આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ તેમના એક સહયોગીને કહે છે કે, “મોહન, અમિત શાહ સાહેબ સાથે વાત કરાવ, કોઈપણ હોય વાત કરાવ, કોઈ નહીં તો વડાપ્રધાન સાથે વાત કરાવ.” સાથે તેમણે પોલીસને પણ ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે, “ના, હું અહીથી પાછો કેમ જાઉં? તમે (પોલીસે) તે લોકોને (SFI) સુરક્ષા આપી છે. હું અહીંથી જઈશ નહીં, જો પોલીસ પોતે જ કાયદો તોડશે તો કાયદાનું પાલન કોણ કરાવશે.” જે બાદ આખરે પોલીસે FIRની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ રાજ્યપાલ ધરણા પરથી ઉઠ્યા હતા. આ ઘટનાના થોડા કલાક બાદ જ ગૃહ મંત્રાલયે કેરળના રાજ્યપાલની સુરક્ષા વધારી દીધી છે.