Saturday, June 22, 2024
More
  હોમપેજગુજરાત'રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ન જવાનો હાઈકમાન્ડનો નિર્ણય દિશવિહીન': અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે...

  ‘રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ન જવાનો હાઈકમાન્ડનો નિર્ણય દિશવિહીન’: અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાર્ટીને કહ્યું ‘રામ રામ’, 200થી વધુ કાર્યકર્તા સાથે જોડાશે ભાજપમાં

  આ ઉપરાંત કોંગ્રેસ OBC સેલના પૂર્વ ચેરમેન ઘનશ્યામ ગઢવીનું પક્ષ છોડવા મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, "OBC સમાજનું કલ્યાણ કોંગ્રેસમાં રહીને કરવું અશક્ય છે. કોંગ્રેસ દિશાવિહીન છે જેના કારણે નેતાઓના કામના પરિણામો નથી આવતા."

  - Advertisement -

  લોકસભાની ચૂંટણીને આડે હવે થોડા દિવસો બચ્યા છે. તેવામાં તમામ રાજકીય પક્ષો પાર્ટીને મજબૂત કરવા માટે મેદાનમાં ઉતારી ચૂક્યા છે. ગુજરાત ભાજપે પણ દરેક જિલ્લામાં મધ્યસ્થ કાર્યાલયોનો શુભારંભ કરી દીધો છે અને મજબૂતીથી ચૂંટણીની તૈયારી પણ ચાલી રહી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ જોવા મળી રહી છે. ઘણા મોટા નેતાઓ કોંગ્રેસ છોડી ચૂક્યા છે તો ઘણા અલવિદા કહેવાની તૈયારીમાં છે. તેવા સમયે કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડી ગયું છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. સાથે કોંગ્રેસ OBC મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ પણ રાજીનામું આપી દીધું છે.

  લોકસભા ચૂંટણી પહેલાં જ ગુજરાત કોંગ્રેસની હાલત કફોડી બની રહી છે. તૈયારી તો દૂરની વાત છે પણ પોતાના નેતાઓ જ હવે કોંગ્રેસ છોડવાની તૈયારી દર્શાવી રહ્યા છે. ખાસ કરીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ના જવાનો કોંગ્રેસ હાઈકમાન્ડનો નિર્ણય હવે ભારે પડી રહ્યો છે. તે જ અનુક્રમે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીએ તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે OBC સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ પણ પાર્ટીને ‘સીતારામ’ કહી દીધું છે. આ બંને નેતા 29 જાન્યુઆરીએ 200થી વધુ કાર્યકર્તા સાથે ભાજપમાં કેસરીયો કરવા જઈ રહ્યા છે.

  ‘પ્રાણપ્રતિષ્ઠામાં ના જવાનો કોંગ્રેસનો નિર્ણય દિશાવિહીન’

  બળવંત ગઢવી 2022માં વિધાનસભા ચૂંટણી સમયે વટવાથી કોંગ્રેસના ઉમેદવાર હતા. જોકે, ભાજપના બાબુ જાદવ સામે તેમની હાર થઈ હતી. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ન જવાના હાઈકમાન્ડના નિર્ણયને અને તેના નેતૃત્વને દિશવિહીન ગણાવીને તેમણે રાજીનામું ધરી દીધું છે. આ અંગે તેમણે જણાવ્યું કે, “હું ગઢવી સમાજમાંથી આવું છું અને ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ સાથે વધુ ગાઢ નાટો છે. જે અમારી જ્ઞાતિને વધુ પ્રભાવિત કરે છે. ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતો પરંતુ હાઈકમાન્ડના રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં નહીં જવાનો નિર્ણય એ દિશવિહીન નિર્ણય લાગ્યો. જેથી પાર્ટીની દિશા જ જ્યાં નક્કી નથી હોતી ત્યાં હવે ના રહેવું જોઈએ તેવું મને લાગ્યું અને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો.”

  - Advertisement -

  ઘનશ્યામ ગઢવીએ પણ આપ્યું રાજીનામું

  આ ઉપરાંત કોંગ્રેસ OBC સેલના પૂર્વ ચેરમેન ઘનશ્યામ ગઢવીનું પક્ષ છોડવા મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, “OBC સમાજનું કલ્યાણ કોંગ્રેસમાં રહીને કરવું અશક્ય છે. કોંગ્રેસ દિશાવિહીન છે જેના કારણે નેતાઓના કામના પરિણામો નથી આવતા. PM મોદી ગરીબો અને પછાતો માટે કામ કરી રહ્યા છે તેમનો વિરોધ ક્યારેય ના કરી શકાય. કોંગ્રેસ પાસે કોઈ જ રણનીતિ નથી. આ બધા કારણોસર મે રાજીનામું આપ્યું છે.”

  નોંધનીય છે કે, બળવંત ગઢવીનું મૂળ નામ બળવંતસિંહ ગઢવી છે. તેઓનું ચારણ સમાજમાં ખૂબ મોટું નામ છે. બાવળા તાલુકાના ઢેઢાળના વાતની બળવંત ગઢવી રાઈસ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના દાદા અને પિતા પણ પહેલાં રાજકારણમાં હતા. તેમના પિતા ત્રણવાર ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા.

  અનેક વિપક્ષી નેતાઓના રાજીનામાં

  ઉલ્લેખનીય છે કે, ગત બે મહિનામાં ચાર ધારાસભ્યોએ રાજીનામુ આપી ચુક્યા છે. જેમા કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચીરાગ પટેલ અને વીજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામુ આપ્યુ છે. જ્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ગમે તે ઘડીએ કોંગ્રેસને અલવિદા કહે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. જ્યારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ભાજપમાં જોડાય તો નવાઈ નહીં. જ્યારે જુનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષીની પણ ભાજપમાં જોડાવાની ચર્ચા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામુ આપી ચુક્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં