ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યનો રાજકીય માહોલ દિવસેને દિવસે બદલાતો જાય છે. કોંગ્રેસ આને આમ આદમી પાર્ટીમાં પક્ષ પલટાની સિઝન ખીલેલી જોવા મળી રહી છે. તાજા અહેવાલો મુજબ ગુજરાતના ગોધરા અને જામનગર જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પહેલા જ આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સામુહિક રાજીનામુ ધરી દીધું છે.
ગોધરામાં પક્ષપલટો
અહેવાલો મુજબસોમવાર, 10 ઓક્ટોબરે, પંચમહાલના ગોધરામાં આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ગોધરાના નદીસર તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીમાંથી નારાજ કાર્યકરો ભાજપમાં જોડાયા છે અને તેના કારણે આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.
નદીસર તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા ઉમેદવાર હેમંતભાઈ પુવાર તથા તેમના 50થી વધુ સમર્થકો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા મતવિસ્તારના ધારાસભ્ય જેઠા ભરવાડની વિશેષ ઉપસ્થિતિમાં ભગવો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા.
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક લોકો પક્ષ પલટો કરીને પોતાની જગ્યા પાક્કી કરવા માંગી રહ્યા છે. ત્યારે હાલ સીઝન એકબીજાને ખેસ પહેરાવવાની ચાલી રહી છે આમ આદમી પાર્ટીમાંથી ૩૦થી વધુ સમર્થકો ભાજપમાં જોડાતા એકબીજાના મોં મીઠા કરી આવકાર્ય હતા.
જામનગરમાં પણ સામુહિક રાજીનામાં
જામનગરમાં વિધાનસભા ચૂંટણી પહેલા ‘આપ’થી નારાજ થયેલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીથી નારાજ થયેલા 15 જેટલા પૂર્વ હોદેદારો અને 200 જેટલા કાર્યકતાઓ ભાજપમાં જોડાયા હતા. અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા સહિતના સંગઠનના સભ્યોએ કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો હતો. આપના તાલુકા કારોબારી સભ્ય અને તાલુકા મોરચા સભ્ય સહિતના આગેવાનો અને પૂર્વ હોદેદારો ભાજપમાં જોડાયા હતા. અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા સહિત સંગઠનના સભ્યોએ કેસરિયો ખેસ પહેરાવીને AAPના કાર્યકર્તાઓને ભાજપમાં આવકાર્યા હતા.
કોંગ્રેસીઓએ પણ કર્યો હતો કેસરિયો
નોંધનીય છે કે, તાજેતરમાં જ વિસાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા હતા. એ સિવાય જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના અનેક નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા નટુ પોંકિયા પણ ભાજપમાં જોડાયા હતા. ભેંસાણ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ પણ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા.