ચૂંટણીઓમાં આમ તો હાર-જીત થતી રહે. જે પરિણામો આવે, જનતા જે આદેશ આપે તેને દરેક રાજકીય પક્ષે સ્વીકારવાનો જ હોય. પણ આપણે ત્યાંના વિપક્ષો નોખી માટીના છે. પરિણામ જો પોતાના પક્ષે આવે તો ચૂંટણી પ્રક્રિયા યોગ્ય, ચૂંટણી પંચ પણ સાચું, જનતા પણ જનાર્દન, મશીનો પણ ઠીકઠાક અને લોકતંત્ર પણ બરાબર. પણ જો પરિણામો વિપરીત આવ્યાં તો તેમને બંદૂકનું નાળચું આ બધા તરફ ફેરવવામાં બિલકુલ સમય લાગતો નથી.
2014 પછી ભારતના વિપક્ષનું સામૂહિક પતન શરૂ થયું ત્યારથી જે-જે ચૂંટણીમાં તેમની હાર થાય છે તેમાં હાર સ્વીકારવાના સ્થાને બહાનાં તૈયાર જ હોય છે. ‘EVM મશીન હૅક કરીને ભાજપ અને મોદી ચૂંટણી જીતે છે’વાળું તૂત વર્ષો સુધી ચલાવવામાં આવ્યું. 2014થી આ ચાલે છે અને આજે 2024 આવ્યું, પણ છતાં હજુ એક વર્ગ આ તદ્દન ખોટો નેરેટિવ આગળ ધપાવવામાં વ્યસ્ત રહે છે.
ચૂંટણી પંચ અગણિત વખત સમજાવી ચૂક્યું છે કે EVMમાં ચેડાં કોઈ કાળે શક્ય નથી. આમ તો આ સામાન્ય બુદ્ધિની વાત છે. EVM ન તો ઈન્ટરનેટ સાથે જોડાયેલું હોય કે ન તેમાં કોઇ બ્લૂટૂથ જેવી સુવિધા હોય છે. તેનું જોડાણ માત્ર બેલેટ યુનિટ અને VVPAT સાથે હોય. બાકીનાં સાધનો પણ એક સ્ટેન્ડ અલોન સિસ્ટમનો ભાગ હોય. તેમાં વળી હૅકિંગ કઈ રીતે શક્ય બને?
2024ની લોકસભા ચૂંટણી પહેલાં પણ એવો આભાસ હતો જ કે વિપક્ષો આખરે તો આ EVMનું જ તૂત લઇ આવશે, એટલે ચૂંટણી પંચે પહેલાં જ ચોખવટ કરીને કહી દીધું હતું કે આ મશીનો સંપૂર્ણ રીતે 100% સુરક્ષિત છે અને તેમાં કોઇ પ્રકારની ખામી નથી. ન હેક થવાની વાતમાં તથ્ય છે કે ન ચેડાં કરવાની વાતમાં. આ મામલો અનેક વખત કોર્ટમાં પણ પહોંચી ચૂક્યો છે અને કોર્ટે પણ દરેક વખત ચૂંટણી પંચને ક્લીન ચિટ આપી છે. એ જ કારણ છે કે હમણાં પણ ચૂંટણી EVMથી જ થાય છે.
EVM કામ જ એ રીતે કરે છે કે તેમાં ચેડાં શક્ય નથી. એક ચોક્કસ ક્રમમાં જ આ મશીનો કામ કરે છે. એક વખત બેલેટ યુનિટ એક્ટિવ કર્યા બાદ જ મતદાન થાય છે. મત પડી ગયા બાદ ફરીથી જ્યાં સુધી અધિકારી બેલેટ એક્ટિવ ન કરે ત્યાં સુધી તેમાં કશું જ થતું નથી. ત્યારબાદ અંતે કેટલા મત પડ્યા તે પણ બતાવાય છે, જેનો મતદાર યાદી અને અન્ય દસ્તાવેજો સાથે મેળ કરવામાં આવે છે. પરિણામના દિવસે રિઝલ્ટ મેળવાય છે અને સમગ્ર પ્રક્રિયા ક્લિયર થાય ત્યારબાદ જ નવેસરથી શરૂ કરી શકાય છે. તેમાં વચ્ચેથી ચેડાં શક્ય જ નથી. જોકે, જેમણે આરોપો જ લગાવવાના છે તેમને આ બધી તથ્યાત્મક બાબતો સાથે કંઈ લાગતું-વળગતું નથી.
EVM બાદ હવે ચૂંટણી પંચ
EVM વિરુદ્ધ વર્ષો સુધી પ્રોપગેન્ડા ચલાવ્યો, પણ બહુમતી લોકો કહેવામાં આવ્યા નહીં. લોકો જાણી ગયા કે આ પાર્ટીઓ હારનું ઠીકરું ફોડે છે, તે સિવાય મશીન સામે લાગતા આરોપોમાં લેશમાત્ર તથ્ય નથી. એટલે આ ચૂંટણીમાં એક પગલું આગળ વધીને હવે નવો ટાર્ગેટ ચૂંટણી પંચ છે. તમે નોંધ્યું હશે કે ચૂંટણી શરૂ થઈ ત્યારથી જ કમિશન વિરુદ્ધ એક નેરેટિવ એવો ચલાવવામાં આવી રહ્યો છે કે ઈલેક્શન કમિશન પણ મોદી સરકારના ઇશારે જ કામ કરી રહ્યું છે.
હકીકત એ છે કે ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે અને સંપૂર્ણપણે પારદર્શક રીતે કોઇના દબાણમાં આવ્યા વગર ચૂંટણી પૂર્ણ કરાવતી સંસ્થા છે. પરંતુ ED, CBI, ઇન્કમ ટેક્સ વિભાગ અને અન્ય એજન્સીઓની કાર્યવાહીથી રેલો આવે ત્યારે તેમની ઉપર સરકારના ઇશારે કામ કરવાનો આરોપ લગાવી દેવામાં આવે છે તેવું જ આ વખતે પરિણામ ભાળી ગયેલા વિપક્ષો ચૂંટણી પંચ સાથે કરી રહ્યા છે.
તાજેતરમાં જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDI ગઠબંધનના નેતાઓને એક પત્ર લખીને ચૂંટણીમાં મતદાનના આંકડાઓ જાહેર કરવામાં વિલંબ થતો હોવાનાં રોદણાં રડ્યાં. તેમણે સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, પ્રથમ અને દ્વિતીય તબક્કાના મતદાનના આંકડાઓ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે અને સાથે ચૂંટણી પંચની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા.
વાસ્તવમાં, ચૂંટણી પંચે 30 એપ્રિલ, 2024ના રોજ પ્રથમ અને દ્વિતીય તબક્કાના મતદાનના અંતિમ આંકડાઓ રજૂ કર્યા હતા. જેને લઈને ખડગેએ સવાલો ઉઠાવીને કહ્યું કે આખરે તેમાં આટલો વિલંબ શા માટે થયો? એમ પણ કહ્યું કે, રાજકીય પક્ષો અને એક્ટિવિસ્ટો દ્વારા સતત સવાલો ઉઠાવી રહ્યા હોવા છતાં ચૂંટણી પંચ આ બાબતોના જવાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે.
મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યા કે પ્રથમ તબક્કાના મતદાન બાદ તરત જાહેર કરવામાં આવેલા આંકડા અને પછીથી જાહેર થયેલા અંતિમ આંકડામાં તેમજ દ્વિતીય તબક્કાના મતદાનના આંકડામાં પણ 5 ટકાની આસપાસ ફેર જોવા મળે છે. આ સિવાય પણ સીધી અને આડકતરી રીતે ચૂંટણી પંચ પર પ્રશ્ન ઉઠાવવાના પ્રયાસ કરવામાં આવ્યા.
શું ખરેખર આંકડાઓ જાહેર કરવામાં વિલંબ થયો?
હવે અહીં સામાન્ય બુદ્ધિની વાત છે કે એકસાથે અનેક રાજ્યોની અનેક લોકસભા બેઠકો પર મતદાન યોજવામાં આવે છે. દરેક મતદાન મથક પાસેથી આંકડાઓ મંગાવવામાં આવે છે. આ આંકડાઓ પછીથી ઝોનવાઇઝ એકઠા કરવામાં આવે છે. ત્યાંથી તે લોકસભા બેઠક પર અને ત્યાંથી રાજ્ય ચૂંટણી પંચ પાસે મોકલાય છે, જે કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલે છે. આ આંકડાઓ દર થોડા-થોડા કલાકે પણ મોકલવામાં આવતા રહે છે. આ પ્રક્રિયા દરેક ચૂંટણીઓમાં થતી જ રહે છે.
હવે મતદાન પૂર્ણ થાય ત્યારબાદ ચૂંટણી પંચ અંદાજિત આંકડાઓ આપે છે. જે મોટેભાગે સાંજે 5 કે 6 વાગ્યા સુધીના હોય છે. જે ડેટા દિવસભર જે આંકડાઓ મળે છે તેના આધારે તૈયાર કરવામાં આવે છે. પરંતુ 5 વાગ્યા પછી પણ મતદાન 1 કલાક ચાલે છે અને નિયમ એવો છે કે સાંજે 6 સુધીમાં જે મતદારો મતદાન મથકની અંદર પ્રવેશી ચૂક્યા હોય તેમને મતદાન કરવાની પરવાનગી આપવી પડે છે. જેથી તેમનો સમાવેશ જૂના આંકડામાં થતો નથી. તે માહિતી પછીથી મોકલાય છે.
આ રીતે દરેક મતદાન મથક પાસેથી આંકડાઓ મેળવવામાં અને તેનો ડેટા તૈયાર કરવામાં સમય લાગે છે. ત્યારબાદ એક અંતિમ આંકડો રજૂ કરવામાં આવે છે. આ આંકડો સામે આવે ત્યારે સ્વભાવિક છે કે તે તરત જાહેર કરવામાં આવેલા આંકડા કરતાં થોડો વધારે જ હોવાનો, કારણ કે તેમાં સ્પષ્ટ ગણતરી હોય છે, જ્યારે અગાઉના આંકડા અંદાજિત હોય છે. ભૂતકાળમાં પણ આ જ પ્રમાણે ચૂંટણી થઈ છે.
આટલી સામાન્ય વાત કાં તો આપણે ત્યાંના વિપક્ષો સમજતા નથી, અથવા સમજવા માંગતા નથી. જોકે, પછીથી ચૂંટણી પંચે પણ કોંગ્રેસ અધ્યક્ષને ફટકાર લગાવી અને કહ્યું કે તેમના આરોપોમાં બિલકુલ તથ્ય નથી અને માત્ર લોકોમાં મૂંઝવણ પેદા કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને હાલ જ્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ પ્રકારના ગતકડાંથી મતદાનને પણ અસર પહોંચી શકે છે.
સુવ્યવસ્થિત રીતે ચૂંટણી પંચ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહ્યો છે નેરેટિવ
આ તો માત્ર એક ઉદાહરણ છે. તે સિવાય પણ આ ચૂંટણીમાં એક આખી ઈકોસિસ્ટમ ચૂંટણી પંચને ટાર્ગેટ કરવામાં લાગેલી છે. જેમાં વિપક્ષી પાર્ટીના નેતાઓથી માંડીને, અમુક તથાકથિત પત્રકારો અને યુ-ટ્યુબરો અને એક્ટિવિસ્ટો પણ સામેલ છે. જેમનું કામ મારી-મચડીને એ સાબિત કરવાનું છે કે ચૂંટણી પંચ ભાજપના ઇશારે કામ કરે છે, જેથી પરિણામ પોતાના પક્ષે ન આવે ત્યારે એક દલીલ તૈયાર હોય.
મજાની વાત એ જ છે કે આ જ ચૂંટણી પંચ આજ સુધીની ચૂંટણીઓ કરાવતું આવ્યું છે. જ્યારે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો હતી ત્યારે પણ આ જ સિસ્ટમથી ચૂંટણીઓ થઈ છે અને આ જ મશીનોથી થઈ છે અને આ જ ચૂંટણી પંચે ચૂંટણીઓ કરાવી છે. પરંતુ ત્યારે પરિણામો પોતાના પક્ષે આવતાં હતાં તો સિસ્ટમ પણ બરાબર હતી અને કમિશન પણ. હવે હાર પચતી નથી એટલે ગમે તેને ગુનેગાર ઠેરવી દેવાના?
સોશિયલ મિડિયા પર પણ એવી અનેક પોસ્ટ્સ જોવા મળશે, જેમાં ઈલેક્શન કમિશન પર પાયા વગરના આરોપો લગાવવામાં આવ્યા હોય. એક ઈકોસિસ્ટમ સુવ્યવસ્થિત રીતે એ સાબિત કરવામાં લાગી છે કે આ વખતે ચૂંટણી પંચ તટસ્થતાથી કામ કરતું નથી. આ ઈકોસિસ્ટમની તાકાત એટલી છે કે તેઓ ગમે તેટલી જૂઠી બાબતને પણ સામાન્ય લોકોમાં એક નેરેટિવ બનાવીને તરતી મૂકી દે છે. આવું ચૂંટણી પંચના કેસમાં પણ થયું છે.
જોકે, આ આરોપો માત્ર આરોપો જ હોય છે અને તથ્યાત્મક આધાર કોઇ હોતા નથી. હકીકત એ છે કે ચૂંટણી પંચ દરેક પાર્ટીને લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળે તે પ્રમાણે જ કામ કરે છે અને આ જ રીતે વર્ષોથી ચૂંટણી કરાવતું આવ્યું છે. પાર્ટીઓમાં લડવાની ત્રેવડ ન હોય તેમાં કોઇ સંસ્થા કશું કરી શકતી નથી.