રવિવારે (30 ઓક્ટોબર) મોરબીમાં મચ્છુ નદી પર આવેલ ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો અને લગભગ 140થી વધુ લોકોએ હમણાં સુધી પોતાના જીવ ગુમાવ્યા હતા. પુલ તૂટવાના સમાચાર આવતા જ સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો હતો. અને સાથે જ ઘણા લોકો સ્વયંભૂ સેવા માટે સામે આવ્યા હતા. જેમાં સૌથી મોખરે હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને બજરંગ દળના સ્વયંસેવકો.
તમામ દુર્ઘટના વચ્ચે, માનવતાના દ્રશ્યો ઉભરી આવ્યા હતા જ્યાં બજરંગ દળના સ્વયંસેવકો ડૂબતા લોકોને બચાવવા માટે દોડી આવ્યા હતા અને લગભગ 170 લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, બજરંગ દળના સ્વયંસેવક ચિરાગ પરમારે જણાવ્યું હતું કે જ્યારે દુર્ઘટના બની ત્યારે તેઓ ત્યાં હાજર હતા.
પુલ ધરાશાયી થતાં જ ચારે તરફ અફરા-તફરી મચી ગઈ હતી. “તેમણે કહ્યું કે, કેટલાક લોકો પાણીમાં પડી ગયા, કેટલાક પોતાના જીવન હથેળીમાં પર લઈને લટકતા હતા. અમે તાત્કાલિક બચાવ કાર્યમાં લાગી ગયા અને વહીવટી તંત્ર પણ તાત્કાલિક બચાવ કામગીરી માટે આવી ગયું. સ્ત્રીઓ અને નાના બાળકોના ડૂબવાના દ્રશ્યો કંપારી છૂટી જાય તેવા હતા, તેમ છતાં અમે તેમના બચાવ માટે જવાનો પ્રયાસ કર્યો હતો.”
जब-जब मोरबी पर संकट..साथ खड़ा रहा संघ
— India TV (@indiatvnews) October 31, 2022
मोरबी में ऑपरेशन जिंदगी की ग्राउंड रिपोर्ट#Morbi #MorbiBridgeCollapse #Gujarat #MorbiTragedy #NDRF #RescueOperation #RSS pic.twitter.com/qVymFZN47L
આ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્વયંસેવકો પણ ગઈકાલે રાતથી જ ખડેપગે રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. તેઓ અન્ય સાથે મળીને તેમને દરેક કામમાં મદદ કરાવી રહ્યા છે. સ્વયંસેવકો બચાવ સામગ્રીઓ, ઘાટલોની હેરફેરથી લઈને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે નિસ્વાર્થ કામ કરી રહ્યા છે.
ઑપઇન્ડિયાએ જ્યારે આ સેવાકાર્યમાં જોડાયેલા મોરબીના એક સ્થાનિક RSS સ્વયંસેવક સાથે વાત કરી તો તેમણે RSS આ વિકટ પરિસ્થિતિમાં ક્યાં ક્યાં અને કઈ કઈ સેવા કરી રહ્યું છે તે વિશે પુરી માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું એ મુજબ RSS દ્વારા નીચે મુજબની સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ.
- સ્થાનિક વહીવટી અને પોલીસ તંત્ર સાથે સંકલનમાં રહીને ચાલતી કામગીરીમાં મદદ કરવી
- દરેક પ્રકારના બ્લડ ગ્રુપની સમાજના સહયોગથી વ્યવસ્થા કરવી
- શાસન તથા વહીવટી તંત્રની ત્વરિત કામગીરી અને પરસ્પર દરેક પ્રકારના સહયોગથી કામમાં ગતિ લાવવી
- ટેલિફોન હેલ્પ લાઈનમાં મદદ કરવી
- તરવૈયા દ્વારા પાણીમાંથી બહાર કાઢવામા આવેલ ગાયલ લોકો અને મૃતદેહોને પુલ પાસેથી સ્ટ્રેચરમાં લઈ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા
- એમ્બ્યુલન્સ વિના વિલંબે હોસ્પિટલ પહોંચે તે હેતુથી બે કોરીડોરનું નિર્માણ અને પોલીસ સાથે વ્યવસ્થામાં સહયોગ કરવો
- ઘાયલોને હોસ્પિટલના ઈમરજન્સી રૂમ સુધી પહોંચાડવામાં સહયોગ કરવો
- મૃતદેહોની સુરક્ષા અને સન્માન જળવાઈ રહે તેની કાળજી રાખવી
- પરિજનોને સાંત્વના સાથે ઓળખવિધિમાં સહયોગ કરવો
- તાત્કાલિક માઈક વ્યવસ્થા ગોઠવી આવશ્યક માર્ગદર્શન આપવું
સ્વયંસેવકે OpIndiaને જણાવ્યું કે “અત્યાર સુધી આવશ્યક કામમાં ૨૦૦ જેટલા સ્વયંસેવકો સાંજથી લઈને પુરી રાત સેવારત રહ્યા છે અને આગળ આવશ્યકતા હોય ત્યા સુધી સેવા આ જ પ્રમાણે ચાલુ રહેશે.”
43 વર્ષ પહેલા જયારે મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે પણ RSS આવ્યું હતું વ્હારે
1979માં 11 ઓગસ્ટના રોજ મોરબીની આ જ નદી પરનો મચ્છુ ડેમ તૂટ્યો હતો. જે બાદ આખા શહેરમાં જળપ્રલય આવ્યું હતું. આ દુર્ઘટનામાં હજારો લોકો માર્યા ગયા હતા. બધી બાજુ કાટમાળ અને મૃતદેહો પડેલા જોવા મળતા હતા.
તે સમયે પણ RSSના સ્વયંસેવકો સ્વયંભૂ રીતે સેવા માટે સામે આવ્યા હતા. જે જગ્યાએ કિચડ અને મૃતદેહોની દુર્ગંધના કારણે કોઈ પ્રવેશ નહોતું કરી રહ્યું એવી એવી જગ્યાઓએ જઈને આ સ્વયંસેવકોએ સ્થાનિક લોકોની મદદ કરી હતી.
સ્થિતિ એટલી ભયાવહ હતી કે જે ટીમો રાહત કાર્યમાં જોડાઈને સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી હતી, તેમને પણ પાછળથી બીમારીનો ભોગ બનવું પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઘણા દિવસો સુધી તેમના શરીરમાં દુખાવા જેવી ફરિયાદ હતી. ઉપરાંત, તે દુર્ગંધ પણ તેના મગજમાંથી ઉતરવાનું નામ લેતી ન હતી. કહેવાય છે કે જ્યારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે સમગ્ર મોરબી સ્મશાન સમાન બની ગયું હતું.