Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણહિંદુઓને હિંસક ગણાવવા સંસદમાં ભગવાનના ફોટો ઉછાળતા રાહુલ ગાંધીને હિંદુ તહેવારોમાં નથી...

    હિંદુઓને હિંસક ગણાવવા સંસદમાં ભગવાનના ફોટો ઉછાળતા રાહુલ ગાંધીને હિંદુ તહેવારોમાં નથી મળતી દેવતાઓની તસવીરો!: ઉત્સવ કોઈ પણ હોય, હિંદુ આરાધ્યોથી અળગા જ રહે છે કોંગ્રેસ નેતા

    જ્યારે વાત રાજકારણ રમવાની હોય અથવા તો આખા હિંદુ સમાજને કલંકિત કરવાની હોય, ત્યારે રાહુલ ગાંધી 'નિષ્ઠાપૂર્વક' હિંદુ ભગવાનોના ફોટા હવામાં ઉછાળીને સંસદ સુધી જઈ શકે છે. ત્યારે તેમને ભગવાન શિવ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ પણ યાદ આવે છે, પરંતુ તેમને જ સમર્પિત તહેવારોની શુભકામનાઓ આપવા માટે તેમને 'લાંછન' લાગી આવે છે.

    - Advertisement -

    હિંદુ ધર્મમાં અનેક તહેવારો અને ઉત્સવોનું અનેરું મહત્વ માનવામાં આવે છે. વૈદિક યુગથી લઈને આજદિન સુધી જળવાઈ રહેલા અને ઉજવાતા તમામ તહેવારોમાં ઈશ્વર કેન્દ્રસ્થાને હોય છે. નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તમામ તહેવારોમાં પણ આપણે ઈશ્વરીય તત્વની આરાધના કરીએ છીએ. આદિગુરુ શંકરાચાર્યના અથાગ પ્રયત્નો બાદ સનાતન પરંપરા જળવાઈ રહી છે. ત્યારથી જ હિંદુઓમાં મૂર્તિપૂજાની પણ પરંપરા બની હતી. સનાતન ધર્મના અનુયાયીઓ ભગવાનની મૂર્તિ સામે જ આરાધના કરતાં હોય છે. જોકે, મૂર્તિપૂજાનું વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું જ છે. તેથી જ હિંદુ ધર્મમાં કોઈપણ તહેવારની શુભકામનાઓ સાથે ભગવાનની છબીને પ્રતીકાત્મક રીતે રાખવામાં આવે છે. પરંતુ ઘણા લેફ્ટ-લિબરલો અને નેતાઓ અન્ય પંથ અને મઝહબના તહેવારો પર ‘સુંદર અને આકર્ષક’ રીતે શુભકામનાઓ આપે છે, જ્યારે તે જ લોકો હિંદુ ધર્મના તહેવારો પર ભગવાનની તસવીર પણ ભૂલી જાય છે. તેમાં રાહુલ ગાંધીનું નામ મોખરે છે.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હમણાં જ જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ફોટો પોસ્ટ કરીને તેમણે શુભકામનાઓ આપી છે. ફોટોમાં એક વાંસળી અને એક મોરપંખ જોવા મળી રહ્યું છે અને રાહુલ ગાંધીએ કેપશનમાં લખ્યું છે કે, “તમામને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. આશા કરું છું કે, હર્ષ અને ઉલ્લાસનો આ પર્વ આપ સૌના જીવનમાં નવા ઉમંગ અને ઉત્સાહને ભરી દેશે.” રાહુલ ગાંધીએ પોસ્ટમાં જન્માષ્ટમીની શુભકામનાઓ તો આપી દીધી અને તેવું પણ કહી દીધું કે, આ પર્વ હર્ષ અને ઉલ્લાસનો છે. પરંતુ તેને હિંદુઓ શા માટે મનાવે છે અને કોના જન્મના કારણે આ તહેવારની મહત્વતા છે, તે કહેવાનું ભૂલી ગયા.

    માત્ર આટલે નથી અટકતું, રાહુલ ગાંધીએ જે ફોટો પોસ્ટ કર્યો છે, તેમાં વાદળી બેકગ્રાઉન્ડમાં વાંસળી અને મોરપંખ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ફોટામાં ક્યાંય પણ તે દર્શાવવામાં નથી આવ્યું કે, આ વાંસળી અને મોરપંખ કોના પ્રતિક છે. ફોટોમાં એક નાનકડી જગ્યાએ પણ ભગવાન શ્રીકૃષ્ણનું ચિત્ર સુદ્ધાં નથી. જોકે, એવું પણ નથી કે, માત્ર આ વખતે જ રાહુલ ગાંધીએ હિંદુ તહેવારની શુભકામનાઓમાં હિંદુ ભગવાનને અવગણ્યા હોય. ઇતિહાસ સાક્ષી છે કે, રાહુલ ગાંધીએ દરેક હિંદુ તહેવારોમાં માત્ર પ્રતિકનો ઉપયોગ કર્યો છે. તેમની તમામ પોસ્ટ પર ભગવાનના ચિત્ર ગાયબ જોવા મળ્યા છે. જે ભગવાનના કારણે જ તહેવાર ઉજવવામાં આવે છે, તે જ ભગવાનને રાહુલ ગાંધી એક ફોટોમાં પણ સ્થાન નથી આપી શકતા.

    - Advertisement -

    દરેક તહેવારો પર ગાયબ હોય છે ભગવાનના ચિત્ર

    ઉપર જણાવ્યા અનુસાર, આ પહેલી વખત નથી કે, રાહુલ ગાંધીએ હિંદુ તહેવારોની શુભકામનાઓમાં ભગવાનને જ સ્થાન ન આપ્યું હોય. તેમની આ ‘મહાન પરંપરા’ દાયકાઓથી ચાલતી આવી છે. થોડા સમય પહેલાં જ મહાશિવરાત્રિના પર્વ પર તેમણે માત્ર કૈલાશ પર્વતની તસવીર મૂકી હતી. કૈલાશ પર્વતની જગ્યાએ તેઓ પ્રતિક તરીકે શિવલિંગ પણ લગાવી શકતા હતા. પણ નહીં. જગન્નાથ યાત્રા દરમિયાન તેઓ મંદિરના શિખરની તસવીર લગાવીને શુભકામનાઓ આપી શકે છે, પરંતુ ભગવાનના રથ કે ભગવાનના ફોટો મૂકવામાં તેમને વાંધો આવે છે.

    તે જ રીતે ગણેશ ચતુર્થી પર રાહુલ ગાંધી મોદક, ભોગ, અગરબત્તી તમામના ફોટો લગાવી શકે છે. પરંતુ ભગવાન ગણેશની એક તસવીર લગાવવાથી તેમનો ‘ધર્મભ્રષ્ટ’ થઈ જાય છે. બસ તેવી જ રીતે તેઓ અનેક હિંદુ તહેવારોમાં આ જ ‘પરંપરા’ને અનુસરતા હોય છે.

    શ્રીરામનવમી પર પણ તેમણે માત્ર ‘શબ્દો ગૂંથીને’ રામનવમીની શુભકામનાઓ પાઠવી દીધી હતી. તેમાં ભગવાન શ્રીરામનું ચિત્ર લગાવવું પણ તેમને ભારે પડે છે. દિવાળીમાં પણ તેમની આ જ પરંપરા અકબંધ રહે છે. પ્રશ્ન એ થઈ રહ્યા છે કે, માત્ર હિંદુ તહેવારો પર પણ શા માટે તેમને આવી કરામતો સૂઝે છે? શું અન્ય કોઈ પંથ કે મઝહબ પર તેઓ આ રીતે શુભકામનાઓ આપી શકવાની હિંમત દાખવી શકે છે?

    હિંદુઓને હિંસક ચિતરવા માટે સંસદમાં પણ ઉછાળે છે હિંદુ દેવતાઓના ફોટા

    ઉપર આપવામાં આવેલા ઉદાહરણો માત્ર ‘અમુક અને કેટલાક’ પૂરતા જ સીમિત છે. તેવી પુરી શક્યતા છે કે, રાહુલ ગાંધીની ટાઈમલાઇન પર આવા અનેક ઉદાહરણો મળી જશે, જેમાં તેમણે હિંદુ ભગવાનોની તસવીરો ન લગાવીને બચવાના પ્રયાસો કર્યા હોય. આવું કરવા પાછળની તેમની અન્ય મઝહબો અને સમુદાયોને પોતાની તરફ આકર્ષિત કરવાની મંશા, પોતાને સેક્યુલર લિબરલ દેખાડવાના પ્રયાસો કોઈનાથી છુપાયા નથી. સામાન્ય દિવસોમાં તો રાહુલ ગાંધી ભગવાન રામની તસવીર લગાવવાથી બચતા રહે છે, અયોધ્યા શ્રીરામ મંદિરે જવાથી પણ વારંવાર બચતા રહે છે. પરંતુ, એક હિંદુ દેવતાને સમર્પિત તહેવારમાં પણ તેમનું તસવીર ન લગાવવાનું વલણ કઈ રીતે સ્વીકાર્ય હોય શકે? ક્રિએટિવિટીના નામ પર એક જ ભૂલ વારંવાર ના થઈ શકે અને વારંવાર માત્ર ભગવાનોની મૂર્તિઓ ગાયબ થવી અથવા તો તેમના ચિહ્નને જ અવગણી દેવું, તે માત્ર એક સંયોગ હોય શકે નહીં. તે વિશુદ્ધ રીતે રાહુલ ગાંધીનો ‘હિંદુ દ્વેષ’ જ દર્શાવે છે. તે દર્શાવે છે કે, મૂર્તિપૂજા તેમના માટે કોઈ મહત્વ ધરાવતી નથી.

    આ જ રાહુલ ગાંધી જ્યારે હિંદુઓને ટાર્ગેટ કરવાના હોય છે, હિંદુઓને હિંસક દર્શાવીને દેવતાઓનું અપમાન કરવાનું હોય છે, ત્યારે તેઓ સંસદમાં પણ ભગવાનના ફોટા ઉછાળતા ફરે છે. કારણ કે, ત્યાં મંશા હિંદુઓને અપમાનિત કરવાની અને તેમને હિંસક ગણવવાની હોય છે. વાત જ્યારે હિંદુઓની આસ્થાને સન્માન આપવાની આવે છે, ત્યારે આ જ રાહુલ ગાંધી ચાલાકીથી ભગવાનની તસવીરોને છુપાવી નાખે છે. રાહુલ ગાંધીનું આ બેવડું વલણ હવે ઉઘાડું થઈ ચૂક્યું છે. આ રાહુલ ગાંધીને સંસદમાં હિંદુઓને ટાર્ગેટ કરવા માટે હિંદુ ભગવાનોની તસવીરો મળી આવે છે, પરંતુ તહેવારોને સન્માન આપવા માટે તે જ તસવીરો કોઈ જગ્યાએ ગુમ થઈ જાય છે. પોતાને ‘સેક્યુલર’ દર્શાવવાના મોહને કારણે તેઓ માત્ર એક જ ધર્મ સાથે આવી છેડછાડ કરે છે. આવું કરવા પાછળનું તેમનું અન્ય એક કારણ ‘વોટબેન્ક’ પણ હોય શકે છે.

    હિંદુઓની આસ્થા પર વધુ રસ દાખવવાથી તેમની ‘વોટબેન્ક’ પણ ઊંધી થઈ શકે છે. જો તેઓ હિંદુઓની આસ્થાનું સન્માન કરીને હિંદુ ભગવાનોના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરશે તો ‘એક વિશેષ સમુદાય’ને માઠું લાગી શકે છે. આ બધા કારણોસર રાહુલ ગાંધી હંમેશાથી હિંદુ તહેવારો પર આવા અટકચાળાં કરતાં હોય છે. જ્યારે વાત રાજકારણ રમવાની હોય અથવા તો આખા હિંદુ સમાજને કલંકિત કરવાની હોય, ત્યારે રાહુલ ગાંધી ‘નિષ્ઠાપૂર્વક’ હિંદુ ભગવાનોના ફોટા હવામાં ઉછાળીને સંસદ સુધી જઈ શકે છે. ત્યારે તેમને ભગવાન શિવ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ પણ યાદ આવે છે, પરંતુ તેમને જ સમર્પિત તહેવારોની શુભકામનાઓ આપવા માટે તેમને ‘લાંછન’ લાગી આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં