Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્ય‘ગુજરાત પ્રગતિ કરે તો વિકૃતોને તકલીફ થાય છે, તેમને સાંખી ન લેવાય’:...

    ‘ગુજરાત પ્રગતિ કરે તો વિકૃતોને તકલીફ થાય છે, તેમને સાંખી ન લેવાય’: ગુજરાતવિરોધીઓ પરની પીએમ મોદીની આ વાત કેમ વિચારવાલાયક છે?

    ગુજરાતી મહેનત કરે, તપ કરે, દેશભરના લોકોને રોજીરોટી આપવાનું કામ કરે, એ ગુજરાતને આ રીતે બદનામ કરવામાં આવે એ સહન ન કરી લેવાય : પીએમ મોદી

    - Advertisement -

    ડિફેન્સ એક્સ્પોના ઉદ્ઘાટન અને અન્ય પ્રોજેક્ટ્સના લોકાર્પણ-શિલાન્યાસ માટે ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વખત ગુજરાતવિરોધીઓને આડેહાથ લીધા હતા. જૂનાગઢમાં સભા સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતમાં કંઈ પણ સારું થાય, ગુજરાતમાં કોઈ નામ કમાય, ગુજરાતમાં કોઈ માણસ પ્રગતિ કરે, ગુજરાત પ્રગતિ કરે તો અમુક વિકૃત માનસિકતા ધરાવતા લોકોના પેટમાં ઉંદરડા દોડવા માંડે છે. 

    પીએમ મોદીએ અંતરિક્ષ, સાહિત્ય, સિનેમા અને રમત-ગમત જેવાં ક્ષેત્રોનું ઉદાહરણ આપીને કહ્યું કે, ભારતના કોઈ પણ ખૂણાનો કોઈ પણ વ્યક્તિ દેશ માટે સારું કામ કરે અને દેશનું નામ રોશન કરે તો તે માટે ગર્વ થવો જોઈએ. કોઈ પણ ખૂણામાં કોઈ પણ માણસ ગમે તે જાતિ, ભાષા કે પ્રદેશનો હોય, એ સારું કામ કરે તો આ દેશના દરેકને ગર્વ થાય છે.”

    ગુજરાતવિરોધીઓને આડેહાથ લેતાં પીએમ મોદીએ આગળ કહ્યું, “ગયા બે દાયકાથી વાંકદેખા અને વિકૃત માનસિકતાવાળા લોકોમાં એક અલગ સોચ ઉભી થઇ છે. ગુજરાતનું કંઈ સારું થાય, કોઈ નામ કમાય, કોઈ પ્રગતિ કરે અને ગુજરાત પ્રગતિ કરે તો આ લોકોના પેટમાં ઉંદરડા દોડવા માંડે છે. બેફામ ભાષાનો ઉપયોગ થાય છે, ગુજરાતને અપમાનિત કરવામાં આવે છે.”

    - Advertisement -

    અમુક રાજકીય પક્ષોને ગુજરાતને ગાળો દીધા વિના તેમની રાજકીય વિચારધારા અધૂરી રહેતી હોય તેમ લાગે છે, તેમ કહીને પીએમ મોદીએ ગુજરાતીઓને કહ્યું કે, આની સામે આંખ લાલ કરવાની જરૂર છે. ગુજરાતી મહેનત કરે, તપ કરે, દેશભરના લોકોને રોજીરોટી આપવાનું કામ કરે, એ ગુજરાતને આ રીતે બદનામ કરવામાં આવે એ સહન ન કરી લેવાય. 

    પીએમ મોદીએ કહ્યું કે, દેશના કોઈ પણ નાગરિકનો પુરુષાર્થ, પરાક્રમ અને તેની સિદ્ધિ એ આપણા બધા માટે ગર્વની વાત છે. ગુજરાત હોય, બંગાળ હોય કે કેરળ, કોઈ રાજ્યનું અપમાન ન થવું જોઈએ. 

    તેમણે કહ્યું કે, નિરાશા ફેલાવતા લોકો પોતાની નિરાશા ગુજરાતના લોકોના મન પર થોપે છે અને જાતજાતનાં જુઠ્ઠાણાં પીરસે છે. આવા લોકોથી ચેતવણી જરૂર છે. તેમણે કહ્યું કે, એક ભારત-શ્રેષ્ઠ ભારતના સપનાંને ચૂરચૂર ન થવા દેવાય. સરદાર સાહેબે જે મહેનત કરી એને પાણીમાં ન જવા દેવાય. 

    દેશનો વડાપ્રધાન કક્ષાનો માણસ જ્યારે જાહેરમંચ પરથી કોઈ વાત કહે તો તેનું આગવું મહત્વ હોય છે. એમાં પણ પીએમ મોદીએ જાહેરમાં કહેલી એક-એક વાત વિચાર માંગી લે એવી હોય છે. ઘણા આને ચૂંટણી સાથે પણ જોડશે. પણ હકીકત એ જ છે કે પીએમ મોદીએ જે કહ્યું એ સંપૂર્ણ સત્ય છે. કારણ કે ખાસ કરીને સોશિયલ મીડિયા આવ્યા પછી આપણે પણ એ જોઈ રહ્યા છીએ. 

    ખાસ કરીને સેનાની બાબતમાં ગુજરાતીઓને નીચું દેખાડવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આવી વ્યર્થ ચર્ચાઓ ચાલતી રહે છે. પણ સત્ય એ છે કે દરેક ક્ષેત્રમાં જુદા-જુદા રાજ્યોનું પ્રભુત્વ છે જ. ગુજરાતીઓ ક્યારેય બીજાને એવું કહેવા નથી ગયા કે તમે એ ક્ષેત્રમાં કેમ નથી જ્યાં ગુજરાત આગળ પડતું છે. ઉપરથી ગુજરાતે બંને હાથ ખુલ્લા કરીને આખા દેશના નાગરિકોને આવકાર્યા છે. સુરત એનું જીવતુંજાગતું ઉદાહરણ છે. 

    ખાસ કરીને નરેન્દ્ર મોદી દિલ્હી ગયા પછી વિપક્ષી પાર્ટીઓનો તેમના પ્રત્યેનો દ્વેષ ધીમે-ધીમે ગુજરાત પ્રત્યેના દ્વેષમાં પણ પરિવર્તિત થતો જોવા મળ્યો હતો. જેના કારણે રાજ્યને, રાજ્યના નાગરિકોને નીચા દેખાડવાના બહાનાં શોધવામાં આવે છે. જોકે, જ્યારે ચૂંટણી હોય ત્યાર પૂરતું એ મોકૂફ રાખવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું એમાં બધું જ આવી જાય છે, આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સપનું લઈને ચાલનારા છીએ, એને રોળાવા ન દેવાય. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં